ઈન્ડિયાની ‘શાઈનીંગ શેમ્પુ-ક્રાંતિ’

Thursday 11th December 2014 11:19 EST
 
 

પહેલાં અમારા દેશમાં હરિયાળી ક્રાંતિ આવી. પછી દૂધની ડેરીઓ વડે શ્વેત ક્રાંતિ આવી. અને હવે શેમ્પૂઓની જાહેરખબરો વડે કાળી ક્રાંતિ આવી ગઈ છે! સૌંદર્યના ઇતિહાસમાં સ્નાનસુંદરીઓનું સ્થાન હવે આ વાળસુંદરીઓએ પચાવી પાડ્યું છે! એટલે હવે જરા વાંચો થોડું ‘બાલ’ સાહિત્ય....

શેમ્પૂની જેમ્સ બોન્ડ કથા
‘હેન્ડ્સ અપ!’
જેમ્સ બોન્ડ આ અવાજ સાંભળતાની સાથે જ થીજી ગયો. અવાજ શાંત છતાં સત્તાવાહી હતો. અવાજમાં એક ક્રૂરતાભરી ઠંડક હતી. જેમ્સ બોન્ડ આ અવાજને બરાબર ઓળખતો હતો.
તે ડોક્ટર નોનો અવાજ હતો.
જેમ્સ બોન્ડ ડોક્ટર નોના અડ્ડામાં છેક અંદર સુધી ઘૂસી ગયો હતો. આંખના પલકારામાં પૃથ્વીના ભુક્કેભુક્કા બોલાવી શકે તેવા યંત્રની તે લગોલગ પહોંચી ગયો હતો. કોમ્પ્યુટરની ચાંપો દબાવીને જેમ્સ બોન્ડ તે વિનાશક યંત્રને નાકામ કરી શકે તે પહેલાં જ તેને આ અવાજ સંભળાયોઃ ‘હેન્ડ્સ અપ!’
અવાજ જેમ્સ બોન્ડની પાછળથી આવ્યો હતો. જેમ્સ બોન્ડનું ચાલાક મગજ ઝડપથી ચાલવા લાગ્યું. તે સમજી ગયો કે ડોક્ટર નોના હાથમાં રિવોલ્વર હશે. તેણે મારા માથાનું નિશાન લીધું હશે અને તેની આંગળી પિસ્તોલના ટ્રિગર ઉપર હશે. ટ્રિગર દબાતાં જ મારી ખોપરીના ફુરચા ઊડી જશે.
જેમ્સ બોન્ડે ઝીણી આંખે આસપાસ જોયું. તે અંદાજ લગાવવા માગતો હતો કે તેનો પર્મનન્ટ વિલન તેની પીઠથી કેટલે દૂર ઊભો છે અને તે એક્ઝેટલી કઈ જગ્યાએ ઊભો છે. અર્ધી ક્ષણ... જેમ્સ બોન્ડને માત્ર અર્ધી ક્ષણની તક જોઈતી હતી. આ અર્ધી ક્ષણમાં જેમ્સ બોન્ડ વીજળીવેગે પાછળ ફરીને તેના વિલનને શૂટ કરી શકે તેમ હતો.
પરંતુ ડોક્ટર નો પણ ચાલાક હતો. ન તો તે એક ડગલું આગળ વધ્યો, કે ન તો તે એક શબ્દ બોલ્યો. કારણ કે તે જાણતો હતો કે જેમ્સ બોન્ડ શબ્દવેધી ગોળીબારી કરી શકે છે. ડોક્ટર નોએ રિવોલ્વરની ટ્રિગર ઉપર આંગળી દબાવી.
પરંતુ તેમાંથી ગોળી છુટે તે પહેલાં જેમ્સ બોન્ડ વીજળીવેગે પાછળ ફર્યો અને પોતાની પિસ્તોલમાંથી ત્રણ ફાયર કરી નાખ્યા. ડોક્ટર નોનો ખેલ ખલાસ થઈ ગયો. પહેલી ગોળી તેના હાથ ઉપર વાગી અને બીજી બે ગોળીઓ તેની છાતીમાં ઘૂસી ગઈ.
‘વેરી સ્માર્ટ....’ ડોક્ટર નો મરતાં મરતાં બબડ્યો, ‘પણ જેમ્સ, મને એ કહે કે તેં આટલું અચૂક નિશાન લીધું શી રીતે?’
‘વેરી સિમ્પલ,’ જેમ્સ બોન્ડે સ્મિત કરતાં કહ્યું, ‘તારી સેક્રેટરી લક્સ સુપર રીચ શેમ્પૂ વાપરે છે. તેના વાળમાં મને તારું પ્રતિબિંબ દેખાતું હતું!’

શેમ્પુની પરીકથા
એક હતી રાજકુમારી.
તે ખુબ જ સુંદર હતી, પરંતુ તે ઉદાસ હતી, કારણ કે એક ડાકણે તેને સાત માળ ઊંચા એકદંડિયા મહેલમાં કેદ કરી રાખી હતી.

સાત માળ ઊંચા એકદંડિયા મહેલમાં ઉપર જવા માટે કોઈ સીડી નહોતી, નીચે આવવા માટે કોઈ પગથિયાં નહોતાં. દિવસમાં એક વાર પેલી ડાકણ એકંદડિયા મહેલના મિનારા પાસે આવતી અને કહેતી, ‘રાજકુમારી, જો તારે જીવતાં રહેવું હોય તો આ ખાવાનું લઈ લે!’
આ સાંભળીને રાજકુમારી મહેલની બારીમાંથી તેનાં વાળ નીચે લટકાવતી. રાજકુમારીના વાળ ખૂબ જ લાંબા હતા. તે છેક નીચે સુધી પહોંચતા હતાં. ડાકણ તે વાળ વડે ભોજનની ટોપલી ઉપર ગાંઠ મારી દેતી. રાજકુમારી પોતાના વાળને દોરડાની જેમ ઉપર ખેંચીને પોતાનું ભોજન મેળવતી. ડાકણ તેને રોજ કહેતી, ‘ભોજન ખાઈ લે, પછી મને કહેજે કે તું મારા દીકરા સાથે લગ્ન કરીશ કે નહીં? જો તું ના પાડીશ તો જિંદગીભર તારે આ એકદંડિયા મહેલમાં કેદી બનીને રહેવું પડશે. પણ જો તું હા પાડીશ તો તને સોનાના મહેલમાં રહેવા મળશે.’
પરંતુ રાજકુમારી રોજ ના પાડતી. કારણ કે ડાકણનો દીકરો બહુ કદરૂપો અને ભયાનક હતો. રાજકુમારી રોજ સૂતી વખતે એવાં સપનાં જોતી કે એક દિવસ એક રાજકુમાર આવશે અને તેને છોડાવી લેશે.
એક દિવસ એક જુવાન ફરતો ફરતો ત્યાં આવ્યો. રાજકુમારી તેને જોઈને ખુશ થઈ ગઈ. તેણે બારીમાંથી તેના વાળ નીચે લબડાવ્યા, ‘જુવાન! આ વાળ પકડીને ઉપર આવી જા અને મને બચાવી લે!’
જુવાન લટકતા વાળ પકડીને ઉપર આવી ગયો. તેને જોઈને રાજકુમારી જરા નિરાશ થઈ ગઈ. તેણે કહ્યું, ‘તું કોઈ રાજકુમાર નથી લાગતો! તેં તો સૂટ-બૂટ, ટાઈ અને ચશ્માં પહેર્યાં છે. તું કોણ છે?’
‘હું એક એડવર્ટાઈઝિંગ એજન્સીમાં નોકરી કરું છું!’ જુવાને કહ્યું, ‘હું તમને જરૂર છોડાવીશ, પણ એક શરતે!’
‘કઈ શરતે?’
‘અમારા એક શેમ્પૂની એડમાં તમે મોડેલિંગ કરશો?’

શેમ્પૂનો નિબંધ
શેમ્પૂ જાત જાતના હોય છે.
કેટલાક શેમ્પૂ નાના પાઉચમાં મળે છે. કેટલાક શેમ્પૂ મોટા પાઉચમાં મળે છે. કેટલાક શેમ્પૂની ત્રણ જાતની બોટલો હોય છે. કેટલાક શેમ્પૂની સાત જાતની બોટલો હોય છે.
શેમ્પૂથી આપણને પોષણ મળે છે. શેમ્પૂમાં પ્રોટીન અને વિટામિન હોય છે. શેમ્પૂ વાપરવાથી વાળ સ્લો-મોશનમાં હલવા લાગે છે. શેમ્પૂને લીધે વાળની આસપાસ પીળા રંગનો પ્રકાશ ઝગમગે છે. વાળમાં શેમ્પૂ નાખ્યા પછી વાળ અરીસા જેવા થઈ જાય છે એટલે વાળમાં જોઈને વાળ ઓળી શકાય છે.
વાળનો સૌથી મોટો દુશ્મન છે ‘ચીપ ચીપ’ એટલે કે ચીકાશ. પણ ચીપ ચીપનો સૌથી મોટો દુશ્મન છે શેમ્પૂ. શેમ્પૂ વાપરવાથી વાળ ચીપી ચીપીને ઓળ્યા હોય તેવા લાગે છે છતાં ટીવીમાં તેને કોઈ ચીપ ચીપ નથી કહેતું.
શેમ્પૂ કરેલા વાળમાં એક જ તકલીફ થાય છે, ચોટલો એની મેળે છૂટી જાય છે.
આજે શાકવાળાથી માંડીને ફિલ્મવાળીઓ સુધી સૌ શેમ્પૂ વાપરે છે, માટે શેમ્પૂ ભારતની એકતાનું પ્રતીક છે.
શેમ્પૂ મને બહુ ગમે છે, પણ મારી મમ્મીને કોપરેલ ગમે છે. મમ્મી કહે છે કે કોપરેલની જાહેરખબરો પણ શેમ્પૂ જેવી જ હોય છે, તો પછી કોપરેલ અને શેમ્પૂમાં શું ફેર છે?
હવે જ્યારે કોપરેલવાળું શેમ્પૂ અથવા શેમ્પૂવાળું કોપરેલ આવશે ત્યારે હું એ જરૂર વાપરીશ. જય હિંદ.

શેમ્પૂની બ-બાલ
કહે છે કે ‘દાને દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ!’ પરંતુ ટીવી પર જે રીતે શેમ્પૂઓની જાહેરખબરો આવે છે એ જોઈને કહેવાનું મન થાય છે કે ‘બાલ બાલ પે લિખા હૈ બબાલ કા નામ!’
• જાણો છો, બાલસંદેશ કોને કહેવાય? ટીવી પર જે શેમ્પૂઓની જાહેરખબરો આવે છે ને, એને ‘બાલ’ સંદેશ કહેવાય!
• તો પછી બાલમંદિર કોને કહેવાય? નેચરલી, હેર-કટિંગ સલૂનો અને બ્યુટી-પાર્લરોને ‘બાલ’મંદિર કહેવાય.
• જુવાળ એટલે શું? વાવર, વાયરો કે ક્રાંતિ નહીં, પણ વાળમાં રહેલી ‘જૂ’ના વાળને જુવાળ કહેવામાં આવે છે!
• શેવ કરી શકાય તેવા વાળને શેવાળ કહેવાય!
• તો પછી રખેવાળ એટલે? રખે ને ખરી જાય તેવા વાળ એટલે રખેવાળ!
• સુંદર વાળવાળી સ્ત્રીને શું કહેવાય? સુંવાળી!
• જેના માથે બે-ચાર વાળ બચ્યા હોય તેને શું કહેવાય? બચરવાળ!
• એટલે જે લોકો બનાવટી વાળની વીગ પહેરતા હોય અથવા ચોટલો લાંબો કરવા માટે અંદર નકલી ચોટલો નાખતા હોય તેવા લોકોને શું કહેવાય? પરવાળા!
• બાલ બ્રહ્મચારી કોને કહેવાય? જેને માથે બાળપણથી જ ટાલ પડી ગઈ હોય તેને બાલ બ્રહ્મચારી કહેવાય!
• તો પછી ના-બાલિગ ઔલાદ એટલે શું? વેરી સિમ્પલ. જે માણસ જન્મથી જ ટાલિયો હોય તેને ના-બાલિગ ઔલાદ!
શેમ્પૂની અજિત-જોક્સ
‘માઈકલ, ટોની ઓર જોની! ધ્યાન સે સુનો, બેન્ક લૂટને સે પહલે તુમ અપને સા....રે બદન પે શેમ્પૂ લગા લેના!’
‘ક્યોં બોસ?’
‘ક્યોં કિ ઈસસે તુમ બા....લ બાલ બચ જાઓગે!’
•••

અજિત તેના ગુન્ડાઓને બેન્ક રોબરીનો પ્લાન સમજાવી રહ્યો હતો. ‘મૈંને સા....રા ઈન્તઝામ કર લિયા હૈ. બેન્ક કે સામને એક દવા કી દુકાન હે. વો હમારા આદમી હૈ. વો પુલિસ કી હિલચાલ પે નિગરાની રખતા હોગા. માઈકલ, તુમ ઉસકે પાસ જાના ઓર પૂછના, ઓલ ક્લિયર? અગર વો હાં કહે કે ડરને કી કો...ઈ બાત નહીં. તુમ બેન્ક લૂટ કર વાપસ આ જાના.’
ગુન્ડાઓ બેન્ક લૂંટવા ગયા, પણ થોડી જ વારમાં ધોયેલા મૂળાની જેમ પાછા આવ્યા. અજિત ગુસ્સે થઈ ગયો.
‘ક્યા હુઆ માઈકલ? તુમ બેન્ક લૂટે બગૈર વાપસ ક્યૂં આ ગયે?’
‘બોસ, બહોત બડા લોચા હો ગયા.’ માઈકલે કહ્યું, ‘મૈંને દવા કી દુકાન પર જા કે પૂછા - ઓલ ક્લિયર હૈ? તો ઉસને કહા - નહીં! હેડ એન્ડ શોલ્ડર્સ હૈ!’
•••
લ્યો બોલો! ઈન્ડિયામાં બધે ‘બાલ’ની જ બોલબાલા છે. ‘ટાલ’ને કોઈ પૂછતું જ નથી. પણ ઈ તો એમ જ હોય... ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqus