કુંતલ એક આરોપમાંથી મુક્ત, બીજામાં દોષિત

Friday 12th December 2014 09:22 EST
 
 

લંડનઃ જાણીતા અમેરિકી ટેલિવિઝન શો ‘બ્રેકિંગ બેડ’ના પ્લોટમાંથી પ્રેરણા મેળવીને મેજિસ્ટ્રેટ માતા મીના પટેલની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાંથી ગ્રાફિક ડિઝાઈનર પુત્રી કુંતલ પટેલને મુક્તિ મળી છે. આ ટીવી શોમાં વ્યક્તિને ઝેર આપી મારી નાખવાની યોજના કેન્દ્રસ્થાને હતી.

મેજિસ્ટ્રેટ માતાએ યુએસ સ્થિત પ્રેમી નિરજ કાકડ સાથે લગ્ન કરવા મનાઈ ફરમાવતા રોષે ભરાયેલી ૩૭ વર્ષની કુંતલે ડાયેટ કોકમાં જીવલેણ ટોક્સિન ‘એબ્રિન’ ભેળવીને માતાની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

કુંતલ પટેલે કોર્ટમાં સુનાવણી દરમિયાન કબૂલ્યું હતું કે માતાની હત્યાનો વિચાર તેને જરૂર આવ્યો હતો, પરંતુ તેનો આવો કોઇ ઈરાદો ન હતો. ખરેખર તો તે આત્મહત્યા કરવા ઈચ્છતી હતી.

લગભગ ત્રણેક કલાકની ચર્ચાવિચારણા પછી સધર્ક ક્રાઉન કોર્ટની જ્યુરીએ હત્યાના પ્રયાસના અપરાધમાંથી કુંતલને મુક્ત કરી હતી. જોકે, જીવલેણ ઝેર મેળવવાના આરોપમાં તેને દોષી ઠરાવી હતી. હાલ કસ્ટડીમાં જ રહેલી કુંતલને સાત નવેમ્બરે સજા ફરમાવાશે.

પ્રોસિક્યુશને સુનાવણી દરમિયાન રજૂઆત કરી હતી કે માતા મીના પટેલ સ્વાર્થી અને કડક અંકુશ રાખનારી હોવાં છતાં તેની હત્યાનો પ્રયાસ યોગ્ય નહોતો. મીના પટેલ ઈસ્ટ લંડનની થેમ્સ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ન્યૂહામ કાઉન્સિલ ફોર રેસિયલ ઈક્વાલિટી બેન્ચ પર કોમ્યુનિટી રિલેશન્સ ઓફિસર તરીકે કાર્યરત છે. તેણે ધમકી આપી હતી કે જો કુંતલ તેનાં પ્રેમી નિરજ સાથે લગ્ન કરવા યુએસ જશે તો પોતે આપઘાત કરી લેશે.

યુકેમાં જન્મેલા અને યુએસસ્થિત આઈટી વર્કર નિરજ સાથે કુંતલની મુલાકાત ઓનલાઈન મેરેજ વેબસાઈટના માધ્યમથી થઈ હતી.

કુંતલે જીવલેણ એબ્રિન ઝેર પૂરું પાડનાર ટીનેજર જેસી કોર્ફ એફબીઆઈના સ્ટિંગ ઓપરેશનમાં ૧૮ જાન્યુઆરીએ ઝડપાઈ ગયો હતો. પહેલી વખત અપાયેલાં ઝેરની અસર ન થતાં બીજો ડોઝ કુંતલને મોકલાય તે પહેલા જ કોર્ફને ઝડપી

લેવાયો હતો. એફબીઆઈના અન્ડરકવર એજન્ટ્સ ગયા વર્ષના એપ્રિલથી તેની ગતિવિધિ પર નજર રાખતા હતા.

 અને જેમ્સ નવાણિયો કૂટાયો

આ કેસના પરિણામે મોટું ત્રાસવાદવિરોધી ઓપરેશન હાથ ધરાયું હતુ, જેમાં બ્રિટિશ રાજદ્વારીનો ૧૯ વર્ષનો પુત્ર જેમ્સ સટક્લિફ વિનાકારણ ફસાયો હતો. તેનો દોષ એટલો જ હતો કે તેણે પડોશી માટેનું પેકેટ સહી કરીને સ્વીકાર્યું હતું. આ પેકેટમાં કુંતલે ખરીદેલું ટોક્સિન હતું.


comments powered by Disqus