લોકતંત્રમાં જનઆંદોલન અને જનમતની શક્તિને નરેન્દ્ર મોદીએ ખરા અર્થમાં ઓળખી છે. એટલું જ નહીં, તેમણે આ શક્તિનો ઉપયોગ મતબેન્કના સ્વાર્થ પૂરતો સીમિત રાખવાના બદલે રાષ્ટ્રહિતમાં પણ તેનો ઉપયોગ કરવાનું ઉચિત સમજ્યું છે તેનું આ પ્રમાણ છે. મેઇક ઇન ઇંડિયા દ્વારા તેમણે ભારતના ઉદ્યોગ સાહસિકોને મજબૂત આર્થિક ભારતના નિર્માણ માટે હાકલ કરી છે તો સ્વચ્છ ભારત કેમ્પેઇન દ્વારા દ્વારા અબાલ-વૃદ્ધ સહુ કોઇને સ્વસ્થ ભારતના નિર્માણ માટે અનુરોધ કર્યો છે. ભય બિન પ્રીત નહીં એવું ભલે કહેવાતું હોય, પરંતુ તેમણે રાષ્ટ્રપિતાના અધૂરાં સપનાંનો હવાલો આપીને કરોડો નાગરિકોના દિલમાં દેશ-સેવાનો દીવડો પ્રગટાવવા પ્રયાસ કર્યો છે. તેમણે લોકોને હાકલ કરી છે કે આપણા દેશને બાપુએ સ્વતંત્રતા અપાવી છે, પણ સ્વચ્છ ભારતનું તેમનું સ્વપ્ન અધૂરું રહ્યું છે. આપણે સહુએ સાથે મળીને આ સ્વપ્ન સાકાર કરવાનું છે. આપણે મંગળ પર પહોંચવાની તાકાત ધરાવીએ છીએ તો શું આપણે ગલી-મહોલ્લાની સફાઇ ન કરી શકીએ?
ભારતના રાજકારણીઓ ગાંધીબાપુને યાદ તો કરતા રહ્યા છે, પણ પોતાની જરૂરત અનુસાર. ચૂંટણી વેળા મતબેન્ક મજબૂત કરવાનો મામલો હોય ત્યારે ગાંધીબાપુને યાદ કરવાનું ચૂક્યા નથી. અને ચૂંટણી પૂરી થયે ભાગ્યે જ તેમને યાદ કર્યા છે! રાજકારણની આ નીતિ-રીતિને વડા પ્રધાને ધરમૂળથી બદલી નાખી છે. આ વખતે ગાંધીજીનું નામ મત મેળવવા માટે નહીં, ગંદકી દૂર કરવા માટે લેવાયું છે.
સ્વચ્છ ભારત અભિયાનને માત્ર ગંદકી નાબૂદી અભિયાન તરીકે નિહાળવાના બદલે વ્યાપક અર્થમાં જોવાની જરૂર છે. આપણે આ ઝૂંબેશને અસ્પૃશ્યતા નિવારણની દિશામાં મહત્ત્વનું પગલું ગણી શકીએ. ગાંધીજીએ દેશને ગુલામીની બેડીમાંથી છોડાવવા સત્યાગ્રહનું બ્રહ્માસ્ત્ર અજમાવ્યું હતું. આ માટે તેમણે અનેકવિધ રચનાત્મક કાર્યક્રમોના માધ્યમથી નાના-મોટા, રાજા-રંક સહુને એક કડીએ જોડ્યા હતા. તે સમયે સફાઇકાર્યના માધ્યમથી બહુમતી વર્ગ એકતાંતણે બંધાયો હતો. જે દેશમાં અસ્પૃશ્યતાએ સૈકાઓથી અડીંગો જમાવ્યો હતો, તે જ ધરતી પર હજારો સવર્ણો નાતજાત ભૂલીને સફાઇમાં જોડાયા હતા તે ઉલ્લેખનીય છે. આઝાદી આંદોલન દરમિયાન ઘણા અંશે ઢીલાં પડેલાં જાતિઓનાં બંધન વર્ષોના વીતવા સાથે - રાજકીય સ્વાર્થને કારણે - મજબૂત બન્યા છે. પરંતુ જે પ્રકારે સમાજના તમામ વર્ગો સફાઇ અભિયાનમાં સામેલ થઇ રહ્યા છે તે જોતાં, નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાન આ બંધન તોડવાની દિશામાં, મહત્ત્વનું પગલું સાબિત થઇ શકે છે.
આજે દેશ આર્થિક મોરચે ભલે મજબૂત બન્યો હોય, પણ દુનિયાના અનેક દેશમાં તેની ઓળખ એક એવા દેશ તરીકેની છે જ્યાં ગંદકીથી થતાં રોગોનો પ્રકોપ બારેમાસ છવાયેલો રહે છે. રોગચાળાથી લોકોનાં સ્વાસ્થ્ય પર અસર પડે છે, અને હજારો કમોતે મરે છે. એક અંદાજ પ્રમાણે, સરેરાશ ભારતીય વર્ષેદહાડે સાડા છ હજાર રૂપિયા આરોગ્યસંભાળ પાછળ ખર્ચે છે. દરેક ભારતીય પોતાના ઘરની સાફસફાઇ માટે ભલે ગમે તેટલો સજાગ રહેતો હોય, પરંતુ જાહેર સ્થળોની સફાઇ પ્રત્યે ભાગ્યે જ જાગૃત જોવા મળે છે. કડવી હકીકત તો એ પણ છે કે - અપવાદરૂપ ધર્મસ્થાનોને બાદ કરતાં - મોટા ભાગનાં ધાર્મિક સ્થળો પણ ગંદકીથી ખદબદતા જોવા મળે છે. આ સંજોગોમાં સ્વચ્છ ભારત અભિયાનને પ્રારંભે પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે તે આશાનું ઉજળું કિરણ ગણવું રહ્યું. ગંદકી નાબૂદ થતાં દેશ જ સ્વચ્છ નહીં થાય, લોકોને અનેક રોગોથી મુક્તિ પણ મળશે.
સ્વતંત્રતા પછી આજ દિન સુધી કોઇ સરકારે કે નેતાએ નહોતું વિચાર્યું તે નરેન્દ્ર મોદી અને તેમની સરકારે વિચાર્યું છે. સામાન્યતઃ આવા અભિયાનો આરંભે શૂરા જેવા સાબિત થતા હોવાનો આપણો અનુભવ છે, પણ આ ઝૂંબેશનું સુકાન ખુદ નરેન્દ્ર મોદીએ સંભાળ્યું હોવાથી બહુ ચિંતા જણાતી નથી.