ચીને હોંગકોંગ આંદોલન મુદ્દે સોશ્યમ મીડિયા પર કોઇ પણ પ્રકારે ચર્ચા કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેના મૂળમાં આ જ વાત છે. ખરેખર તો આ પગલું ભરીને તેણે શાહમૃગ નીતિ અપનાવી છે. ચીની શાસકોએ સમયની સાથે ચાલીને હોંગકોંગમાં લોકતંત્રની સ્થાપના માટે પહેલ કરવાની જરૂર છે.
બ્રિટન પાસેથી હોંગકોંગનો કબ્જો મેળવ્યાના અઢી દાયકા પણ ચીન તેને પોતાના લોખંડી પંજામાં કેદ રાખવા માગે છે. ૧૯૯૭માં બ્રિટન પાસેથી હોંગકોંગનો કબ્જો સંભાળ્યો છે ત્યારથી ચીન તેના ચીફ એક્ઝિક્યુટિવ મારફતે હોંગકોંગનો કારભાર સંભાળે છે. આ ચીફ એક્ઝિક્યુટિવની પસંદગી ચીનની ૧૨૦૦ સભ્યોની કાઉન્સિલ કરે છે. ચૂંટણી યોજવાની માગ તીવ્ર બનતાં ચીને ૨૦૧૭માં હોંગકોંગમાં ચૂંટણી યોજવાનું તો સ્વીકાર્યું, પણ તે લોકોને મર્યાદિત લોકશાહી અધિકાર આપવા માગે છે. ચૂંટણી બાદ પણ હોંગકોંગનું નિયંત્રણ પોતાના તાબામાં જ રહે એ માટે તેણે નિયમ બનાવ્યો છે કે તેનું સમર્થન ધરાવતો ઉમેદવાર જ ચૂંટણી લડી શકે! આમાં લોકશાહી રહી જ ક્યાં? હોંગકોંગની પ્રજાને આ જ વાતનો વાંધો છે. હોંગકોંગ માટે સંપૂર્ણ લોકશાહી માગતા લોકો માને છે કે ચીન તેનો વાયદો તોડી રહ્યું છે. હોંગકોંગમાં લોકશાહી માટેની ચળવળ શરૂ કરવામાં ઓક્યુપાઇ સેન્ટ્રલે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે, જેના સુકાની છે કાયદા શાખાના પ્રોફેસર બેની તાઇ, સમાજશાસ્ત્રી ચાન કીન-મૈન અને ચર્ચ મિનિસ્ટર યુ-મિંગ. આ ચળવળને દેશના અન્ય રાજકીય જૂથોનું સમર્થન છે.
સંપૂર્ણ લોકશાહીની માગ સાથે હોંગકોંગમાં શરૂ થયેલા આ આંદોલને ચીન માટે આગળ ખાઇ ને પાછળ કૂવો જેવી સ્થિતિ સર્જી છે. અત્યારે તો આંદોલન સવિનય કાનૂની ભંગ પૂરતું સીમિત છે, પણ જો તે વધુ તીવ્ર બને તો તે ચીન માટે પડકારરૂપ બની શકે છે. અને જો તે હોંગકોંગની સંપૂર્ણ લોકશાહીની માગણી સામે નમતું જોખે તો આજે નહીં તો કાલે, આ માગણી ચીનમાં પણ લોકશાહી આંદોલનનો પલિતો ચાંપી શકે તેમ છે. આ સંજોગોમાં અત્યારે તો ચીને થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવી હોય તેવું લાગે છે.
હોંગકોંગમાં જુદી જુદી વિચારસરણી ધરાવતા લોકો વસે છે, અને વિશ્લેષકોના મતે તેમનું ઝડપથી ધ્રુવીકરણ થયું છે. લોકશાહીના સમર્થકો રાજકીય સુધારણાની સાથોસાથ લોકશાહી પદ્ધતિએ ચૂંટણી ઇચ્છે છે. જ્યારે હોંગકોંગમાં વસતો, પણ વ્યાવસાયિક માનસિક્તા ધરાવતા લોકોનો બહોળો વર્ગ સવિનય કાનૂન ભંગ ચળવળમાં જોડાઇને ચીનને નારાજ કરવા માગતો નથી. આ સંજોગો જોતાં ચીન કદાચ એવું માને છે કે તેલ જૂઓ ને તેલની ધાર જૂઓ. સમય સમયનું કામ કરશે અને બધું શાંત પડી જશે. બીજી તરફ, આંદોલનકારીઓ એવા આશાવાદમાં રાચી રહ્યા છે કે અત્યારે ભલે આંદોલન નરમ પડ્યું હોય, પણ આ તો અલ્પ વિરામ છે. થોડાક દિવસમાં જ લોકશાહી સમર્થકોનું આંદોલન તીવ્ર બનશે. આશાવાદ બન્ને પક્ષે છે, સમય કોને સાથ આપે છે તે જોવું રહ્યું.