આઝાદી લડતના માણેકથંભ જેવા સરદાર પટેલ અનેક મોરચે વ્યસ્ત લડાઈમાં સક્રિય હતા. મુસલમાન સમૂહ, સામ્યવાદી સમૂહ, જવાહર નેહરુના સમાજવાદીઓ, રાજા-મહારાજાઓનો સમૂહ તથા નવોદિત રાષ્ટ્ર પાકિસ્તાન દ્વારા સળગાવાયેલા કાશ્મીર હૈદરાબાદ તથા જૂનાગઢની સમસ્યાઓનો સમૂહ... આ બધા ઉપરાંત કોંગ્રેસમાંના જ સરદારવિરોધી કોંગ્રેસજનોનો સમૂહ. આ બધી વિસંવાદિતામાં સરદાર વલ્લભભાઈની સ્વસ્થતા, તટસ્થતા, વહીવટી ક્ષમતા, આંતરસૂઝ, વ્યક્તિઓને પારખવાની માનસિક ક્ષમતા, ખેલદિલી, બહાદુરી.... દરેક ભારતીયના મનમાં અભિમાનથી આલેખાઈ છે. હજારો વર્ષો પૂર્વે લખાયેલા ભરતમુનિના નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણેના નાયકના ૬૪ (ચોસઠ) ગુણોનું વલ્લભભાઈમાં ગજબનું એકત્રીકરણ થયેલું જણાય છે. ખમીર અને ખુમારીના માલિક, ગમે તે પરિસ્થિતિ હોય, પ્રશ્નો હોય કે વ્યક્તિઓ... દરેકને પોતાની આગવી કાર્યશૈલીથી હાથ ધરીને પોતાનું ધાર્યું પરિણામ મેળવતા આજે આપણે તેમની કાર્યપદ્ધતિનો એક પ્રસંગ જોઈશું.
૧૫મી ઓગસ્ટની આઝાદીએ ભારત તથા પાકિસ્તાન એમ બે દેશોની ઈતિહાસને ભેટ ધરી. સામૂહિક હિજરતનો દોર શરૂ થયો. છ મહિનાની મુદ્દતમાં પોતાની માલમિલકત, જર, જમીન વેચી-સાટીને હિન્દુસ્તાન કે પાકિસ્તાનમાં જવાની સમયમર્યાદા નક્કી થઈ. અંધાધૂંધીનો યુગ હતો. કોમી વૈમનસ્ય પરાકાષ્ઠાએ હતું... ત્યારે ભારતના ઉત્તર-પશ્ચિમ સરહદના પેશાવર રાજ્ય પશ્ચિમ પંજાબ અને સિંધમાં હિન્દુઓની વસ્તી સારા પ્રમાણમાં હતી. તેઓ ભારત આવવા આતુર હતા. અને જૂનાગઢ હૈદરાબાદ, ભોપાલ, ઉત્તર પ્રદેશ કાશ્મીર તથા અન્ય રાજ્યોમાંથી મુસલમાનો પાકિસ્તાન જવા આતુર હતા. આ સમયે એક અકલ્પ્ય ઘટના બને છે.
૧૬મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ મહેરચંદ ખન્ના પીઢ કોંગ્રેસી અને પેશાવર પ્રાંતના નાણાપ્રધાન કે જેઓ ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુના કૌટુંબિક મિત્ર હતા, તેમની ધરપકડ પાકિસ્તાન સરકારના ઈશારે થાય છે. જેલમાં મોકલી દેવાય છે. કારણ? નજીવું. ક્ષુલ્લક. તેમના ઘરેથી ૨૪ કલાક પહેલાં જે હથિયારોની લાયસન્સ-પરવાના મુદ્દત પૂરી થઈ હતી તેવા બે હથિયારો (પિસ્તોલ તથા કાટ ખાધેલ ચપ્પુ) રાખવાના ગુનાસર અટકાયત કરાઇ હતી. સોમવારે ઉઘડતી કચેરીએ તે પિસ્તોલનું લાયસન્સ રિન્યુ મંજૂર કરાવવાનું હતું.
મહેરચંદની ધરપકડની ઘટનાથી સમગ્ર દિલ્હીએ રાજકીય ભૂકંપ અનુભવ્યો. મહેરચંદ ખન્નાના કુટુંબીજનોએ જવાહર સાથે વાત કરી કિન્નાખોરીનો અહેવાલ આપ્યો. બે દિવસ વીતી ગયા છતાં સત્તાવાળાઓ મહેરચંદની મુક્તિના કોઈ સંકેત આપતા નહોતા. અજંપો વધતો હતો. નહેરુ વ્યગ્ર હતા. લખાપટ્ટી અને પત્રવ્યવહારથી વધુ વિલંબ થાય. પાકિસ્તાનમાં તંત્ર થાળે પડ્યું નહોતું. પાકિસ્તાનમાં રજૂઆત કરવા વડા પ્રધાન નેહરુ તરફથી દૂત મોકલવામાં આવે તેવું તાકીદની કેબિનેટ મિટિંગમાં નક્કી થયું.
દૂત તરીકે કોને મોકલવા? જો હિન્દુને મોકલાય તો પરિણામ સમજી શકાય તેવું હતું. કોઈ મુસલમાન બિરાદરને મોકલે તો પાકિસ્તાન સરકાર જે સમજાવે તે સમજીને પાછા આવે, પણ કોઈ પરિણામ ના આવે. લઘુમતી આયોગના અંગ્રેજ અધ્યક્ષને ભારત સરકારના પ્રતિનિધિ તરીકે મોકલવા ફ્રેન્ક એન્થનીનું નામ નક્કી થયું. ભારતના વડા પ્રધાનના દૂત તરીકે જરૂરી કાગળો લઈને પાકિસ્તાનના વડા પ્રધાન જનાબ લિયાકત અલી ખાનને મળવા ફ્રેન્ક એન્થની રવાના થયા એ દિવસ હતો ૧૮ ઓગસ્ટ, ૧૯૪૭.
સોમવારે વડા પ્રધાનની મુલાકાત ન મળવાથી ફ્રેન્ક એન્થની એક દિવસ પાકિસ્તાન સરકારના મહેમાન બન્યા. બીજા દિવસે વડા પ્રધાનને મળીને વિગતવાર અહેવાલ આપી ભારતના વડા પ્રધાન વતી મહેરચંદ ખન્નાને મુક્ત કરવા પત્રો આપી વિનંતી કરી. શાંતિથી સાંભળ્યા પછી એન્થનીને જણાવાય છે કે આ સઘળી બાબતો કાયદો-વ્યવસ્થા વિભાગ હસ્તક હોવાથી આંતરિક બાબતોના પ્રધાન અબદુરરબ નિશ્તરને મળો. કંઈ વળ્યું નહીં...
એક દિવસ વધુ રોકાઈને એન્થની ત્રીજે દિવસે બુધવારે આંતરિક બાબતોના પ્રધાનને મળે છે. ફ્રેન્ક એન્થનીને વધુ એક આઘાત મળે છે. પાકિસ્તાન સમવાયી સરકારના કાર્યક્ષેત્રની મર્યાદામાં આ પ્રશ્ન આવતો ન હોવાથી તેમણે પેશાવરની રાજ્ય સરકારને મળવા જણાવાય છે. ભારતના વડા પ્રધાનના અંગત દૂતની આ હાલત જાણીને દિલ્હીમાંના રાજકીય વર્તુળોમાં અજંપાનું મોજું ફરી વળે છે. એન્થની ગુરુવાર સુધીમાં ચાર દિવસ પસાર કરી ચૂક્યા હોય છે. આ દરમિયાન પેશાવર પ્રાંતના મુખ્ય પ્રધાનને મળ્યા પછી પેશાવરના ગૃહપ્રધાનને મળે છે. મહેરચંદ ખન્નાની મુક્તિ માટેના દિવસો લંબાતા જાય છે. ગૃહ પ્રધાન એન્થનીને શનિવારે પેશાવરના ડે. પોલીસ કમિશનરને મળવા અને રજૂઆત કરવા સલાહ આપે છે. આઝાદ ભારતના વડા પ્રધાનના રાજદૂતની આ દશા જોઈને આપણા રાજકીય વર્તુળોમાં રોષના વમળો પેદા થાય છે.
શનિવારે હથિયારો અંગેનો હવાલો સંભાળતા પેશાવરના ડે. પોલીસ કમિશનર એન્થનીને સુફિયાણી સલાહ તથા આશ્વાસન આપતા કહે છે જુઓ મિ. ફ્રેન્ક એન્થની, અમારે મહેરચંદ ખન્ના સાથે સહાનુભૂતિ છે... પણ દેશનો કાયદો તેનું કામ કાયદાની રીતે કરશે. જે હવે કંઈ થશે તે કોર્ટ નક્કી કરશે. અમારા પક્ષે હવે અમારે કંઈ જ કરવાનું રહેતું નથી.
અને ફ્રેન્ક એન્થની અઠવાડિયાની અર્થહીન દડમજલ કરી રવિવારે દિલ્હી પાછા ફરે છે. રાજકીય વર્તુળોમાં આગની જેમ વાત પ્રસરી જાય છે. ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને આ વાત જણાવાય છે. સરદાર સાહેબ ફ્રેન્ક એન્થનીને મળીને કેફિયત સાંભળે છે. સરદાર પટેલના રણકતા ધીર ગંભીર સ્વરથી ઓરડો ગૂંજી ઊઠે છે.
‘મિ. ફ્રેન્ક, બરાબર એક કલાક પછી દિલ્હીના પાલમ વિમાન મથકેથી. તમારા માટે તૈયાર રખાયેલાં વિમાનમાં તમારે પાકિસ્તાન જવાનું છે. હું કોઈ લેખિત પત્ર નથી આપવાનો. હવે તમારે કોઈ કાગળ સાથે લઈ જવાની જરૂર નથી વડા પ્રધાન લિયાકત અલી ખાનને સીધા જઈને તમારે મળવાનું છે. અન્ય કોઈનેય મળવાનું નથી. યાદ રાખજો પાકિસ્તાનના વડા પ્રધાનને સ્પષ્ટ કહેજો કે સરદાર પટેલના કહેવાથી આ સંદેશો તમને આપું છુંઃ ‘જો મહેરચંદ ખન્ના ૨૪ કલાકની મુદ્દત પૂરી થયા પહેલાં ભારતની ધરતી પર દિલ્હી નહીં પહોંચે તો હાલ ભારતમાં વસેલા છત્તારીના નવાબ (જેઓ પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકતના કાકા સસરા થાય) તથા તેમને સાથ આપવા માટે ભારતના અન્ય પાંચ આગેવાન મુસ્લિમ નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે. સરદાર પટેલ પોતાના કાર્યને કાયદાની આડશમાં સંતાડે તેવા નથી. જે કરે તે છડેચોક કરે છે. (મૂળ શબ્દો છે - I do not hide my action under the skirt of law) જે કહે છે તે કરી બતાવે છે. બસ આટલું જ તમારે કહેવાનું છે અને પછી જે થાય તે જોયા કરજો. તમારો વાળ વાંકો નહીં થાય તે અમે જોઈશું... ઉપડો...
એન્થની સીધા જઈ વડા પ્રધાન લિયાકત અલી ખાનને મુલાકાત માગ્યા વગર જ ‘સરદારના દૂત ’ તરીકે મળે છે. મુલાકાત માટે રાહ જોવા સરકારી ગેસ્ટ હાઉસમાં રોકાવાનું નથી. મુલાકાત દરમિયાન ડંકે કી ચોટ પર સરદારનો સંદેશો સંભળાવે છે. ‘બસ હવે રજા લઉં છું. મારું કામ પૂરું થયું.’ અને દિલ્હીની વાટ પકડે છે. પાકિસ્તાનમાં તેમનું રોકાણ ફક્ત ૨ કલાક અને ૫૪ મિનિટનું હતું.
તેમના શબ્દોએ જાદુઈ અસર કરી. પરિણામ કલ્પનાતીત હતું. મહેરચંદ ખન્ના તથા તમામ કુટુંબીજનોએ ૧૮ કલાકથી પણ ઓછા સમયમાં દિલ્હીના પાલમ એરપોર્ટ પર પાકિસ્તાનના ખાસ વિમાનમાં ઉતરાણ કર્યું. એરપોર્ટથી મહેરચંદ સીધા સરદાર પટેલ સમક્ષ હાજર થઈને કંઈ બોલવા જાય તે પહેલાં મુક્ત મને ખડખડાટ હાસ્ય વેરતા સરદાર બોલી ઊઠ્યા, ‘ભારતની ભૂમિ પર આપને મળતાં અને કુટુંબના સભ્ય તરીકે આવકારતા આનંદ થાય છે.’ કૃતજ્ઞતાથી ઝૂકીને સરદારના બંને હાથ પોતાના હાથમાં લઈ ચૂમી લેતાં મહેરચંદ ખન્નાની આંખમાંથી હર્ષાશ્રુ સરી પડે છે. આ સરદાર... આ તેમની કાર્યશૈલી...
(વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર ગ્રામોદ્યોગ સહકારી મંડળી લિમિટેડના ચેરમેન સી. બી. પટેલ કેન્દ્રીય જાહેર બાંધકામ ખાતાના અધિક્ષક ઈજનેર તરીકે તેમના બંગલાના નિભાવ જાળવણી નિમિત્તે દિલ્હીમાં સરદાર પટેલના સંપર્કમાં હતા અને સરદાર સાથે તેમને નિકટનો ઘરોબો હતો. તેમની સાથે ૨૨ નવેમ્બર, ૧૯૯૯માં થયેલી રૂબરૂ મુલાકાત દરમિયાન મળેલી માહિતીના આધારે.)