કંગાળ ફોર્મ હોવાને કારણે આ ખેલાડીઓ ઘણા સમયથી ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવી શક્યા નથી, આવા સમયે ટીમના પસંદગીકારોએ વર્લ્ડ કપ ટીમની પસંદગીમાં નવયુવાન ખેલાડીઓને સ્થાન આપવાનું વધારે સુરક્ષિત માન્યું છે. તાજેતરમાં જ રમાયેલી શ્રીલંકા સામેની સિરીઝમાં આક્રમક પ્રદર્શન કરનાર રોહિત શર્મા, રાયડુ, રહાણે, રૈના અને અમદાવાદના ખેલાડી અક્ષર પટેલને સંભવિતોમાં સ્થાન મળ્યું છે.
૧૧માંથી ૯ બહાર
મહત્ત્વની વાત એ છે કે ૨૦૧૧માં વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમનારા ૧૧ ખેલાડીઓમાંથી આ વખતે નવ ખેલાડીઓ બહાર કરવામાં આવ્યા છે. તે સમયે ભારતીય ટીમને વિજયી બનાવનારા તમામ ખેલાડીઓમાંથી તેંડુલકરે નિવૃત્તિ લઈ લીધી હતી જ્યારે શ્રીસંત ફિક્સિંગના કારણે બહાર થઈ ગયો અને બાકીના સાત ખેલાડીઓ નબળા દેખાવના કારણે આ વખતે ટોપ ૩૦માં પણ સ્થાન ન મેળવી શક્યા.
કેમ પડતા મૂકાયા?
૨૦૧૧ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બનનારા યુવરાજ સિંહને કેન્સર થયા બાદ તેની કારકિર્દી અસ્તાચળે આવી ગઈ છે. ગૌતમ ગંભીરે ૨૦૧૩માં ઈંગ્લેન્ડ સામેની વન-ડેમાં ૨૪ રન અને ૨૦૧૪માં ટેસ્ટમાં એક વખત શૂન્ય અને બીજી વખત ત્રણ રન કર્યા હતા. સેહવાગે છેલ્લી વન-ડેમાં ૩૧ જ્યારે ટેસ્ટમાં માત્ર ૬ રન કર્યા હતા. હરભજને અંતિમ વન-ડેમાં એક અને ટેસ્ટમાં બે વિકેટ જ્યારે ઝહિરે છેલ્લી વન-ડેમાં માત્ર એક વિકેટ લીધી હતી.
૧૪ ફેબ્રુઆરીથી વર્લ્ડ કપ
વેલેન્ટાઇન ડે ૧૪ ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપનું ૨૯ માર્ચના રોજ સમાપન થશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝિલેન્ડમાં વર્લ્ડ કપની વિવિધ મેચો રમાશે. જેમાં ભારતની પહેલી વોર્મઅપ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. જ્યારે ક્રિકેટના કટ્ટર હરીફ મનાતા ભારત અને પાકિસ્તાન ૧૫ ફેબ્રુઆરીએ ટકરાશે.
૩૦ સંભવિત ખેલાડી
મહેન્દ્ર સિંહ ધોની, શિખર ધવન, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, વિરાટ કોહલી, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા, કેદાર જાધવ, મનોજ તિવારી, મનીષ પાંડે, રિદ્ધિમાન સહા, સંજુ સેમસન, આર. અશ્વિન, પરવેઝ રસૂલ, કરણ શર્મા, અમિત મિશ્રા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, વરુણ એરોન, ધવલ કુલકર્ણી, સ્ટુઅર્ટ બિન્ની, મોહિત શર્મા, અશોક ડિંડા, કુલદીપ યાદવ અને મુરલી વિજય.