તમે કહેશો કે લલિતભાઈને ક્રિકેટનો વાયરો ચડ્યો લાગે છે. પણ શું થાય? આજકાલ આખો દેશ ક્રિકેટના તાવમાં ધખી રહ્યો છે. એટલે અમે અમારા મગજને ઠંડક આપવા માટે થોડાં નવાં ક્રિકેટ ‘કોકટેલ’ બનાવી કાઢ્યાં છે. લો, તમે પણ ચાખી જુઓ!
શેરી ક્રિકેટ સોડા
સૌરાષ્ટ્રનાં શહેરોમાં વેચાતી ‘પીચ્ચુંઉં...’ કરીને ફૂટતી લખોટી-સોડાની જેમ શેરીઓમાં રમાતા ક્રિકેટની મજા પણ કંઈક ઓર જ હોય છે.
આઠ-દસ ટેણિયાં-મેણિયાં ભેગાં મળીને ભીંત ઉપર ‘સ્ટંપલાં’ ચીતરીને ધોકાછાપ બેટ અને ‘રબ્બડ’ના બોલ વડે જે ક્રિકેટ રમે છે તેની ક્યારેક ક્યારેક રનિંગ કોમેન્ટ્રી પણ કરવામાં આવતી હોય છે.
‘આપણી ટીમકો જીતને કે લિયે ખાલી અબ દસ જ રન કરને કા હૈ... એય ચંદુડા, મારી ચડ્ડી કાં ખેંચે? આંની કોરથી મુકલાએ બોલ નાંઈખો ને વાંની કોરથી અસ્કો બેટ લઈને બોલની વાંહે પડી ગ્યો સે, પણ આ બોલ એટલો ‘વ્હાઇટ’ (વાઇડ) સે કે બેટ ને બોલનો સંગમ જ થાતો નથી. એ મંગુડા... વ્હાઇટ બોલ સે! અંપાયર બયનો છ ને દેખાતું નથી? વ્હાઇટનો ઇસારો કરને? ચંદુડા, મારી ચડ્ડી નો ખેંચ ક’ઈ દીધું હા!’
અચાનક કોમેન્ટેટર - કમ - સ્કોરરનો રોલ ભજવતો બાબલો બીજાં ટેણિયાંઓ સાથે બૂમાબૂમ કરવા લાગે છે. ‘વ્હાઇટ સે! વ્હાઇટ સે! દર વખતે તમે ક્યો ઇ નો હાલે! હાવ વ્હાઇટ હતો! ચંદુડા મારી ચડ્ડી રે’વા દે!’
ખાસ્સી બૂમાબૂમ પછી બોલ ‘વ્હાઇટ’ હતો કે નહીં તેનો નીવેડો આવે ત્યારે ફરી મેચ આગળ ચાલે. વાંની કોરથી મુકલો બોલ નાખે અને આંની કોરથી અસ્કો ફટકો મારે. બોલ હવામાં ઊછળે. ‘કેચ! કેચ!’ની બૂમો પડે. પણ પછી એક ગંભીર સમસ્યા સર્જાય, જેના ઉપર ‘એકપર્ટ કોમેન્ટ’ લેવાનો વારો આવે. જુઓ...
સમસ્યા કંઇક આવી છે
ટેણિયાંઓ એક ભાઈની પાસે એક્સપર્ટ ઓપિનીયન માગી
રહ્યાં છે.
‘હેં મુકુલકાકા? જુવો, આંની કોરથી મુકલાએ બોલ નાંયખોને, તો અસ્કાએ ફટકો માયરો. હવે થ્યું એવું કે બોલ ઓલી ગાયના શિંગડામાં ભટકાણો... ને ઊછળ્યો! ઊછળીને પડ્યો ઓલા પીપડા પર, ને ત્યાંથી ઊછળીને ચઈડો ને ઈ લાકડી વતી ગોદો મારે ઇ પે’લાં તો બોલ એની મેળે જ તે નીચે દડી ગ્યો! ન્યાં નીચે મુકલો ઊભો’તો એણે કેચ કરી લીધો! તો એ ગણાય? હેં મુકુલકાકા, આ કેચ ગણાય? નો ગણાયને?’
‘ગણાય! ગણાય! ગણાય!’ ટાબરિયાંઓનું એક ટોળું બૂમો પાડી રહ્યું છે.
‘નો ગણાય! નો ગણાય! નો ગણાય!’ બીજું ટોળું જબરદસ્ત લડત આપી રહ્યું છે.
મુકલકાકા મૂંઝાણા છે. ભલભલી ઇન્ટરનેશનલ મેચોમાં પણ આટલી ગંભીર સમસ્યાઓ સર્જાતી નથી. તમે મુકુલકાકાની જગાએ હો તો શું ચુકાદો આપો! ગણાય? કે નો ગણાય?
કાયદેસર ક્રિકેટ ‘રમ’
આ તો સારું છે કે શેરીઓમાં મુકુલકાકાઓ અને ઇન્ટરનેશનલ મેચોના મેદાનમાં ચુકાદો આપવા માટે અંપાયરો હોય છે. બાકી ક્રિકેટને લગતા ચુકાદાઓ માટે ભારતની કોર્ટોમાં કેસ ચાલતા હોત તો શી હાલત થાત? નીચે જે દૃશ્યનું વર્ણન છે તેના કરતાંય કદાચ ખરાબ હાલત હોતઃ
અમદાવાદના એક પ્રખ્યાત ક્રિકેટ સ્પેશિયાલિસ્ટ વકીલની ઓફિસમાં અઝહરુદ્દીન આવે છે. તેનું શરીર નંખાઈ ગયું છે, દાઢી વધી ગઈ છે અને ડાચાનાં હાડકાં બહાર આવી ગયાં છે.
‘આવો આવો અઝહરભાઈ, શું લેશો? પેપ્સી કે કોક?’ વકીલ મહાશય સ્વાગત કરતાં પૂછે છે.
‘અરે કંઈ લેવું નથી! આપણા કેસનું શું થયું એ કહોને?’ અઝહર નખાઈ ગયેલા અવાજે બોલે છે.
‘તમારો એલ.બી.ડબલ્યુ.નો કેસને? બસ, એ હવે આવતા મહિને હિયરિંગમાં આવી જ ગયો સમજો!’
‘સાહેબ, વીસ વરસ થયાં. હવે તો પતાવો.’
‘અમે તો પતાવી દેવા જ બેઠા છીએને? પણ શું છે અઝહરભાઈ, જરા સમજો. બિલકુલ તમારા જ જેવો એક કેસ વિનુ માંકડનો છે. છેક ૧૯૫૧નો કેસ છે. પણ હવે એનું જજમેન્ટ સુપ્રીમ કોર્ટમાં બસ, આવવાની તૈયારીમાં જ છે. અને મારી ઇન્ફરમેશન મુજબ એ જજમેન્ટ વિનુ માંકડની તરફેણમાં આવે એવા ચાન્સીસ છે. એટલે શું છે, કે જો આપણે કોઈને કોઈ બહાને બે-ત્રણ વખત મુદતો લઈ લઈએ તો - ત્યાં સુધીમાં પેલું જજમેન્ટ આવી જાય અને જો એ આપણી ફેવરનું હોય તો તમને ફાયદો થઈ જાય!’
‘અરે પણ ભૈસાબ, વીસ વરસ થઈ ગયાં.’
‘હવે વીસ વરસ રાહ જોઈ જ છે તો છ-સાત મહિના વધારે!’ વકીલ મહાશય અઝહરને સમજાવે છે. ‘પેલા નરી કોન્ટ્રાક્ટરનો કેસ ખબર છે? એના માથા પર બોલ વાગેલો એ કેસમાં તો કોર્ટનો સ્ટે આવી ગયો છે! એના કારણે બિચારા નરી કોન્ટ્રાક્ટર મરતાં સુધી એના માથા પરનો પાટો પણ નહોતા છોડી શકતાં! સ્ટે એટલે સ્ટે!’
અઝહર મૂંઝાઈ જાય છે. ‘પણ સાહેબ, હું છૂટી તો જઈશ ને?’
‘એકસો ને એક ટકા! તમારા મરતાં પહેલાં તમને આ એલ.બી.ડબલ્યુ.ના કેસમાંથી છોડાવવાની મારી ગેરંટી! બોલો પછી?’
ફિલ્મી ક્રિકેટ શરબત
આપણે હિંદી ફિલ્મોમાં ક્રિકેટની રમત પર આધારિત કોઈ વાર્તાઓ હોતી જ નથી. બાકી જો હોત તો આવા ડાયલોગ્સ સુપરહિટ થઈ ગયા હોત!
રાજકુમારઃ ‘જાની, જબ હમ લેક-બ્રેગ કરતે હૈં... તબ લેગ કો બ્રેક કરતે હૈં! અપની ટાંગ સંભાલ કર ખેલા કરો... વર્ના લંગડે હો જાઓગે!’
•••
રાજકુમારનો વધુ એક યાદગાર સંવાદ (હિરોઇન માટે)ઃ ‘આપકે ટર્ન દેખેં, બડે ખૂબસુરત હૈં ઇન્હેં ઝટકે મત દેના, વર્ના વાઇડ હો જાયેંગે!’
•••
દિલીપ કુમારઃ ‘ના ધન્નો ના! રન મત લે! મત લે રન! તું ઇસ તરહ સે આઉટ હો કર નહીં જા સકતી ધન્નો! નહીં જા સકતી ધન્નો... ના! ના! ના આઆ...’
•••
શાહરુખ ખાનઃ ‘આઇ લવ યુ કકકકકક...ક્રિકેટ!’
•••
દેવ આનંદઃ ‘જોની મેરા નામ હૈ! મૈં તિરછી ટોપી પહનતા હૂં, ટેઢા ખડા રહતા હૂં, ગરદન હિલા કર ખેલતા હૂં, બેટ લટકા કર હિલતા હૂં, કસમ ઉપરવાલે કી, અભી તક એક બાર ભી મેરી બેટ સે ઉસ હસીન બોલ કી ટક્કર નહીં હુઈ હૈ. એ...ક બાર ટક્કર હો જાયે તો દેખના, ચૌ...કા લગ કે રહેગા! હા હા હા!’
•••
ગુલશન ગ્રોવરઃ ‘બે....ડ બોલ!’
•••
ધર્મેન્દ્રઃ ‘બંદંલાં... બંદંલા.. બંદંલાં...! જંબ તંક મૈં મેરી નાક પંર લંગીં બોંલકાં બંદંલાં નહીં લૂંગાં તંબ તંક મૈં અંપંની નાંક સે ચૈંન કીં સાંસ નહીં લૂંગાં!
સિરિયલ ક્રિકેટ વાઇન
જેવી રીતે દારૂ જેમ જૂનો થાય તેમ વધુ લિજ્જતદાર બનતો હોય છે તેવી રીતે જો ક્રિકેટની સિરિયલો આવતી હોત તો સૌથી લાંબી ચાલનારી સિરિયલ સૌથી વધુ લોકપ્રિય ગણાતી હોત. દોઢસો-દોઢસો બસ્સો-બસ્સો હપતા થઈ ગયા પછી પણ ‘મહારાણા ક્રિકેટ’ નામની સિરિયલમાં વાર્તા ફક્ત એટલી જ આગળ વધી હોત કે યુવરાજ સિંહે એક ઓવર નાખી, જેમાં ત્રણ વાઇડ અને ચાર નો-બોલ હતા!
‘ક્રિકેટ મહાપુરાણ’ નામની અતિ ભવ્ય સિરિયલમાં ક્રિકેટની વાત તો બસ્સો હપતા પછી જ આવત. એની પહેલાંના હપ્તાઓમાં આદિ માનવોએ પૈડાંની શોધ કરતાં પહેલાં દડાની શોધ કેવી રીતે કરી તેની જ વાર્તા ચાલતી હોત!
અને એકતા કપૂરની સિરિયલનું તો નામ જ ‘ૐ ક્રિકેટ સિવાય’ હોત! સ્વાભાવિક છે કે તેમાં ક્રિકેટ સિવાયની તમામ વાર્તાઓ હોત અને ક્રિકેટના નામે મોટું મીંડું જ હોત.
જોકે ગણીગાંઠી સિરિયલોમાં ક્રિકેટની વાર્તાઓ પણ હોત. જેના અંતે દર્શકો માટે જંગી ઇનામોવાળી હરીફાઈઓ હોત અને સવાલો તદ્દન સહેલા હોત. જેમ કેઃ ‘બેટ્સમેને કૌન સે રંગ કી હેલ્મેટ પહની થી? સફેદ યા કાલી?’ અથવા ‘બોલ કા રંગ કૈસા થા? સફેદ યા લાલ?’
અને ઇનામો તો ખૂબ જ આકર્ષક હોત! દાખલા તરીકે પહેલું ઇનામ સ્વર્ગસ્થ ક્રિકેટ ‘ફિલીપ હ્યુજીસ કે સાથ તીન દિન ઔર ચાર રાતેં, બિલકુલ મુફત!’
લ્યો બોલો, ક્રિકેટનું દેશી કોકટેલ ગઇમું ને? બસ ત્યારે, ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!