• ઘર ખરીદનારા માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપતા ચાન્સેલરે દાવો કર્યો છે કે ૯૮ ટકા ખરીદારોએ ઓછી ડ્યૂટી ચુકવવી પડશે. સંપૂર્ણ રકમ પર એક ટકાના સામાન્ય ટેક્સના સ્થાને હવે તબક્કા પ્રમાણે ડ્યૂટી લાગશે અને પરિણામે ખરીદારોને બચત થશે.
• Isasના ટેક્સ બેનિફિટ્સ હવે જીવનસાથીને પણ મળી શકશે. મૃત સાથી પાસેથી Isaબચતનો વારસો મળે ત્યારે જીવંત સાથીએ ટેક્સ ફોર્મ્સ ભરવાના નહિ રહે. દર વર્ષે આશરે ૧૫૦,૦૦૦ દંપતીને આ જોગવાઈનો લાભ મળશે. ગયા વર્ષે £૧૫,૦૦૦ સુધી વધેલી મર્યાદા હવે એપ્રિલમાં £૧૫,૨૪૦ જેટલી થશે.
• NHS સેવાઓને વધારાના ૭૫૦ મિલિયન મળશે. વર્તમાન આરોગ્ય બજેટોના નાણાની પુનઃ ફાળવણી હોવા છતાં આરોગ્ય સેવા માટે તે પ્રોત્સાહનરુપ છે.
• નાના બિઝનેસીસ અને દુકાનમાલિકોને દરમાં રાહત બમણી કરાશે અને ફૂગાવા સાથે જોડાયેલા બિઝનેસ રેટ્સની મર્યા બે ટકાની રખાઈ છે. દુકાનો, પબ્સ અને કાફે માટે બિઝનેસ દરના ડિસ્કાઉન્ટ ૫૦ ટકા વધારી £૧,૫૦૦ સુધી કરાયો છે.
• આગામી વર્ષથી ૧૨ વર્ષથી નીચેના અને તે પછીના વર્ષથી ૧૬ વર્ષથી નીચેના બાળકો માટે એર પેસેન્જર ડ્યૂટી નાબૂદ કરાઈ છે. આના પરિણામે ઈકોનોમી ક્લાસ માટે પારિવારિક વેકેશન ગાળવાનો ખર્ચ ઘટશે. સેવા દરમિયાન મોતને ભેટતા લશ્કરી દળોના સભ્યોને અપાયેલી વારસા ટેક્સ માફી હવે એઈડ વર્કર્સને પણ લાગુ કરાશે. ઈન્કમ ટેક્સના કરદાતાઓ માટે હાલ પર્સનલ એલાવન્સ £૧૦,૦૦૦ છે, જે એપ્રિલમાં વધીને £ ૧૦,૫૦૦ના બદલે હવે £૧૦,૬૦૦ થશે. ઊંચા દરે ટેક્સ ચુકવનાર માટે પણ લાભ જાહેર કરાયો છે. આ ઉપરાંત, હવે પોસ્ટ ગ્રેજ્યુએટ્સને પણ £૧૦,૦૦૦ સુધીની સ્ટુડન્ટ લોન માટે લાયક ગણવામાં આવ્યા છે.
જોકે, ચાન્સેલરના કેટલાંક પગલાં લોકોને નુકસાનકારક પણ છે. યુકેમાં નોન-ડોમિસાઈલ્ડ હોવાનો વાર્ષિક £૩૦,૦૦૦ નો ચાર્જ યથાવત રખાયો છે, પરંતુ ગત ૧૪ વર્ષમાં ૧૨ વર્ષથી અહીં રહેતા લોકોએ વાર્ષિક £૬૦,૦૦૦ નો ચાર્જ તેમ જ ગત ૧૭ વર્ષના ગાળામાં ૧પ કરતા વધુ વર્ષથી અહીં રહેતા લોકોએ વાર્ષિક £૯૦,૦૦૦ નો ચાર્જ ચુકવવાનો થશે. આ ઉપરાંત, £૯૩૭,૦૦૦થી વધુ કિંમતની પ્રોપર્ટીના ખરીદનાર તેમ જ કંપની મારફત પ્રોપર્ટીની માલિકી ધરાવનારને ઊંચી સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની આવશે. ચાન્સેલરે યુકેમાં આર્થિક પ્રવૃત્તિથી નફો રળી વિદેશમાં ખેંચી જનારી મલ્ટિનેશનલ કંપનીઓના નફા પર નવો ૨૫ ટકાનો ટેક્સ લાદ્યો છે તેમ જ ભવિષ્યના ટેક્સબિલ સામે ખોટને સરભર કરવાની બેન્કની ક્ષમતાને મર્યાદિત બનાવી છે.
ગવર્મેન્ટ વ્હીપ અને લોર્ડ ઈન વેઈટિંગ તથા બિઝનેસ, ઈનોવેશન એન્ડ સ્કીલ્સ અને ટ્રાન્સપોર્ટ માટેના પ્રવક્તા લોર્ડ ડોલર પોપટે ચાન્સેલર ઓસ્બોર્નના ઓટમ સ્ટેટમેન્ટને બિરદાવી તેમને રિફોર્મિંગ ચાન્સેલર ગણાવ્યા હતા. ચાન્સેલરે દેશના ૨૫ મિલિયન લોકો માટે આવકવેરો ઘટાડ્યો છે, ફ્યુલ ડ્યૂટીને સ્થગિત રાખવા, સરકારી પેન્શનમાં £૮૦૦નો વધારો તેમ જ ચાર વર્ષમાં દેશની ખાધને અડધી કરવા સાથે રોજગારીના ઉત્કૃષ્ટ સ્તર અને દેશને સૌથી ઝડપે વધતા અર્થતંત્ર તરીકે દોરવણી આપી છે. નાણા પ્રધાને સ્ટેમ્પ ડ્યૂટીમાં ધરમૂળથી કરેલા ફેરફારોના ઘર ખરીદનારા ૯૮ ટકા લોકોને નોંધપાત્ર ફાયદો થશે તેમ પણ લોર્ડ પોપટે જણાવ્યું હતું.