જાન્યુઆરી ૨૦૧૫થી સીઝન ટિકિટ સહિત નિયંત્રિત ભાડામાં વધારો ૨.૫ ટકા સુધી મર્યાદિત હોવા છતાં ઓફ -પીક લેઝર ટિકિટ્સ જેવાં અનિયંત્રિત ભાડાંમાં વધારો ટ્રેન કંપની ઈચ્છે તે મુજબ થશે. ઘણા સીઝન ટિકિટધારક માટે આ ભાડાંવધારો તેમના વાર્ષિક વેતનવધારા કરતા પણ ઊંચો હશે. મોટા ભાગના પ્રવાસીઓએ ભાડાંવધારા સામે રોષ વ્યક્ત કરવા સાથે વધુ ખર્ચના પરિણામે રેલસેવામાં સુધારો થશે કે કેમ તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. લંડન આવતી મોટા ભાગની ટ્રેનો પીક અવર્સમાં ક્ષમતા કરતા બમણા પ્રવાસી સાથે અતિ ભરચક હોય છે અને તેનું સંચાલન ગ્રાહકોની અપેક્ષાનુસાર સંતોષકારક હોતું નથી. ટીકાકારોએ જણાવ્યું હતું કે જો ટ્રેન કંપનીઓ માણસોના બદલે પશુઓને ટ્રેનમાં લઈ જતી હોય તો તેમની સામે ક્રૂરતા અંગે કાનૂની કાર્યવાહી પણ થઈ હોત.
જોકે, ભાડામાં વધારાની જાહેરાત કરતા રેલ ડિલિવરી ગ્રૂપના ડિરેક્ટર જનરલ માઈકલ રોબર્ટ્સે જણાવ્યું હતું કે બીજી જાન્યુઆરીથી અમલી થનારો સરેરાશ વધારો અસરકારક રીતે ૨.૨ ટકાનો જ રહેશે, જે પાંચ વર્ષના સરેરાશ ભાડાંવધારામાં સૌથી ઓછો છે. તેમણે કહ્યું હતું કે, ભાડાંમાથી મળનારા નાણાનો ઉપયોગ રેલવે ચલાવવા અને નિભાવ પાછળ થશે. ભાડાં પાછળ ખર્ચાતા દર એક પાઉન્ડમાંથી ૯૭ પેન્સ ટ્રેક, ટ્રેન, સ્ટાફ અને અન્ય ખર્ચામાં જાય છે, જ્યારે બાકીના ત્રણ પેન્સ યુરોપમાં સૌથી ઝડપી ગતિએ વિકસતી રેલસેવા ચલાવવા માટે ખાનગી કંપનીઓના નફામાં જાય છે.
TSSA રેલ યુનિયનના નેતા મેન્યુઅલ કોર્ટેસે કહ્યું હતું કે દર વર્ષે ભાડાંવધારાથી પ્રવાસીઓ પર આ વાર્ષિક અત્યાચાર હવે બંધ થવો જોઈએ. ૨૦ વર્ષ અગાઉ ખાનગીકરણ કરાયું તે પછી મુખ્ય રેલમાર્ગો પર ભાડાંમાં ૨૪૫ ટકા જેટલો વધારો થયો છે.