બ્રિટિશ નોકરીઓમાં ભારતીય હિન્દુઓ બીજા ક્રમે, જ્યારે મુસ્લિમો છેલ્લા સ્થાને

Thursday 04th December 2014 11:05 EST
 
 

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા પાંચ લાખથી વધુ લોકોના લેબર ફોર્સ સર્વેની માહિતીનો ઉપયોગ કરી સંશોધકો ડો. નબિલ ખટ્ટાબ એને પ્રોફેસર રોન જ્હોનસ્ટોનના સંશોધનમાં જણાયું છે કે યુકેમાં ૧૪ વંશીય-ધાર્મિક જૂથોમાં રોજગારની તકોના સંદર્ભે મુસ્લિમો સૌથી તળિયે છે, જોકે, આંકડામાં ત્વચાના રંગથી કોઈ તફાવત જોવા મળ્યો ન હતો. બ્રિસ્ટલ યુનિવર્સિટીના ડો. ખટ્ટાબે કહ્યું હતું કે, ‘મુસ્લિમોને દેશના જાતીય અથવા વંશીય-સાંસ્કૃતિક સિસ્ટમમાં મુસ્લિમોને સામૂહિક રીતે તળિયાના સ્તરે ગોઠવતી આ પરિસ્થિતિ ઈસ્લામોફોબિયા અને તેમના વિરોધમાંથી ઉદ્ભવી હોઈ શકે. જો આ ચાલુ રહે તો યુકેના બહુવંશીય અને બહુસાંસ્કૃતિક સમાજની સંવાદિતા માટે લાંબા ગાળાની અસર ઉભી થઈ શકે છે.’

ધ સોશિયલ સાયન્સ જર્નીના અભ્યાસમાં જણાયું છે કે, સ્ત્રીઓમાં, પાકિસ્તાની મુસ્લિમ અને ‘અન્ય મુસ્લિમ’ જૂથમાં ૬૫ ટકાને નોકરી મળવાની ઓછી શક્યતા છે. જ્યારે ભારતીય, બાંગલાદેશી અને શ્વેત મુસ્લિમ માટે અનુક્રમે ૫૫ ટકા, ૫૧ ટકા અને ૪૩ ટકા ઓછી શક્યતા છે. પુરુષોમાં, ‘અન્ય મુસ્લિમ’ જૂથમાં ૭૬ ટકાને નોકરી મળવાની શક્યતા ઓછી છે. આ પછી, બાંગલાદેશી મુસ્લિમ (૬૬ ટકા), શ્વેત મુસ્લિમ (૬૪ ટકા), પાકિસ્તાની મુસ્લિમ (૫૯ ટકા) અને ભારતીય મુસ્લિમ (૩૭ ટકા)નો ક્રમ આવે છે. બ્રિટિશ ક્રિશ્ચિયન સ્ત્રી-પુરુષોની સરખામાણીએ ધર્મ વિનાના બ્રિટિશ સ્ત્રી અને પુરુષોને નોકરી નહિ મળવાની શક્યતા અનુક્રમે ૨૦ અને ૨૫ ટકાની છે, જ્યારે કેરેબિયન મૂળના બ્લેક ક્રિશ્ચિયન્સ સ્ત્રી અને પુરુષો માટે અનુક્રમે ૫૪ ટકા અને ૪૮ ટકાની છે.

જે લોકો કામ-નોકરી કરે છે તેમાં વેતનધારી બાંગલાદેશી અને પાકિસ્તાની મુસ્લિમોનું પ્રમાણ અનુક્રમે ૨૩ અને ૨૭ ટકા હતું. વ્હાઈટ બ્રિટિશ યહુદીઓ વેતન સાથેની નોકરીમાં ૬૪ ટકા સાથે પ્રથમ ક્રમે હતા. આ પછીના ક્રમે, ભારતીય હિન્દુઓ અને વ્હાઈટ ક્રિશ્ચિયન આઈરિશ અનુક્રમે ૫૩ અને ૫૧ ટકા સાથે આવે છે.


comments powered by Disqus