તેમણે કહ્યું હતું કે સત્તા પર આવ્યા પછી વડા પ્રધાન મોદીએ મહત્ત્વાકાંક્ષી અને કલ્પનાશીલ આર્થિક એજન્ડા નિશ્ચિત કર્યો છે. લંડન અને યુકેમાં ફેલાયેલી પેઢીઓ ભારત સાથે વધુ બિઝનેસ કરવા આતુર છે. બ્રિટિશ અર્થતંત્રમાં ભારત મુખ્ય સ્થાન ધરાવે છે. બીનરાજકીય ભૂમિકામાં લોર્ડ મેયર ઓફ લંડન દ્વારા દિલ્હી અને મુંબઈની મુલાકાતમાં બાર્કલેઝ, ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યૂટ ફોર સિક્યુટિટીઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, લોઈડ્ઝ, લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રૂપ સહિત નાણાકીય પેઢીઓના પ્રતિનિધિઓ સામેલ થયાં છે.
સાંસદોએ જીવનસાથીઓનો પગાર વધાર્યો
લંડનઃ પરિવારજનોને નોકરીએ રાખતા પેટ્રિક મેકલોઘલીન, માઈકલ ફેલોન, ક્રિસ ગ્રેલિંગ અને હિલેરી બેન સહિતના અગ્રણી રાજકારણીઓએ કરદાતાના શિરે ૧.૩ મિલિયન પાઉન્ડનો વધુ બોજ નાખ્યો છે. સાંસદોએ તેમના સગાં અને સ્નેહીજનોને નોકરીએ રાખી તેમને એપ્રિલ સુધીના ગયા વર્ષમાં ૩.૭૬ મિલિયન પાઉન્ડની રકમ ચુકવી હતી, જે ગત સામાન્ય ચૂંટણી પછી ૫૦ ટકાથી વધુનો વધારો દર્શાવે છે. સગાંઓને અપાયેલા પગારવધારાથી સાંસદો સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યાં હોવાના આક્ષેપો થવા સાથે પરિવારજનોને પબ્લિક પેરોલ પર રાખતા સાંસદો પર કડક નિયંત્રણો મૂકવાની તરફેણ પણ કરાઈ હતી. વ્હાઈટહોલ વોચડોગ્સ દ્વારા આ પદ્ધતિનો અંત લાવવા માગણી કરાઈ હતી, પરંતુ સાંસદોએ સ્ટાન્ડર્ડ્સ ઈન પબ્લિક લાઈફ કમિટીની દરખાસ્તનો વિરોધ કરતા ખર્ચાના કડક નિયમનોમાં આ પ્રથા પર પ્રતિબંધ લાગી શક્યો ન હતો.