જૂની બોટલમાં નવા દારૂ જેવું આ જોડાણ કેટલું ટકશે એ તો ભવિષ્ય કહેશે, પણ આવી મોરચાબંધીનો ભૂતકાળ તો એવું દર્શાવે છે કે સિદ્ધાંતોના ઓઠાં તળે રાજકીય સ્વાર્થ સાધવા રચાયેલી યુતિનું આયુષ્ય બહુ લાંબુ હોતું નથી. આ રાજકીય પક્ષો કોઇ સિદ્ધાંતો કે સમાન વિચાસરણીના કારણે નહીં, પણ ભાજપના ભયથી એક થયા છે. દેશમાં ભાજપના વધતા પ્રભાવને કોઇ પણ ભોગે ખાળવા તેઓ મરણિયા બન્યા છે તેની પ્રતીતિ આ જોડાણમાં દેખાય છે. મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટી (સપા), લાલુ યાદવનો રાષ્ટ્રીય જનતા દળ (રાજદ), શરદ યાદવ અને નીતિશ કુમારનો જનતા દળ (યુ), દેવેગૌડાનો જનતા દળ (એસ) અને ઓમ પ્રકાશ ચૌટાલાનો ઇંડિયન નેશનલ લોકદળ (આઇએનએલ) લોકસભા ચૂંટણી વેળા એક ન થયા, અને હવે વગર ચૂંટણીએ એકમેકનો હાથ પકડીને એક મંચ પર આવ્યા છે. તેઓ પોતાના ડગમગાતા અસ્તિત્વને બચાવવા એક તો થયા છે, પરંતુ ભવિષ્ય ઉજળું જણાતું નથી. ૧૯૭૫માં ઇંદિરા ગાંધીએ કટોકટીનો કોરડો વીંઝ્યા પછી ભારતમાં વિપક્ષી એકતાના નામે અનેક રાજકીય જોડાણો રચાયા, પણ મોટા ભાગના તૂટી ગયા. મુખ્ય કારણ હતું - નેતાઓનો અહં. સમાજવાદી જનતા દળનું સુકાન મુલાયમ સિંહને સોંપાયું છે, પણ ખુદ તેમની વિશ્વનીયતા સામે જ એક યા બીજા સમયે સવાલ ઉઠતા રહ્યા છે. મુલાયમ સિંહ સમય આવ્યે કોઇનો સાથ લેતા પણ ખચકાયા નથી, અને છોડતા પણ ખચકાયા નથી. પછી તે વિશ્વનાથ પ્રતાપ સિંહ હોય, ચંદ્રશેખર હોય, દેવેગૌડા હોય કે મમતા બેનર્જી. વળી, સમાજવાદી જનતા દળમાં સામેલ રાજકીય પક્ષોના નેતાઓની મહત્ત્વાકાંક્ષા કોઇનાથી પણ છૂપી નથી. મુલાયમથી માંડીને લાલુ, નીતિશ કુમાર, શરદ યાદવ એક યા બીજી રીતે વડા પ્રધાન પદ માટે દાવો કરી ચૂક્યા છે. આ બધા પક્ષો એક નેજામાં એકત્ર થયા છે તેનો ફાયદો નવા જોડાણને મળશે તે વાતે પણ શંકા છે. જેમ કે, મુલાયમના ઉત્તર પ્રદેશમાં લાલુ પ્રસાદ, દેવેગૌડા અને ચૌટાલાનો કોઇ પ્રભાવ નથી તો બિહાર, કર્ણાટક અને હરિયાણામાં મુલાયમ સિંહના પક્ષનું અસ્તિત્વ જણાતું નથી. અત્યારે આ બધા પક્ષો પોતાનું અસ્તિત્વ ટકાવવાના ઇરાદે ભેગા તો થઇ ગયા છે, પણ તેના નેતાઓએ યાદ રાખવું રહ્યું કે રાજકીય જોડાણ કરવું સહેલું છે, પણ તે સિદ્ધાંત અને વિચારસરણીમાં સમાનતાના પાયા પર રચાયું નહીં હોય તો તેને ટકાવવું શક્ય નથી.