સ્ટાર ખેલાડી પણ જો સારો દેખાવ કરતા ન હોય તો એમને શા માટે ટીમમાં સ્થાન આપવું જોઇએ? આ પ્રશ્નનો જવાબ સાવ સીધોસાદો છે અને પરિવર્તન સંસારનો નિયમ છે. આ નિયમમાંથી ક્રિકેટની રમત પણ બાકાત તો નથી જ ને? ઓસ્ટ્રેલિયાનું જ ઉદાહરણ જોઇએ. ૧૯૯૯માં ઓસ્ટ્રેલિયા સ્ટીવ વોનના નેતૃત્ત્વમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ચાર વર્ષ પછી એ જ ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ વોનને હટાવી રિકી પોન્ટિંગને ટીમનું સુકાન સોંપ્યું હતું. સ્ટીવ વોન અને તેના ભાઈ માર્ક વોનને પડતા મૂક્યા હતા. ૧૯૯૯માં ઓસ્ટ્રેલિયાને વિશ્વ કપ અપાવનાર ટીમમાં સામેલ માત્ર પાંચ ખેલાડીને ૨૦૦૩ની ઈલેવનમાં ભારત સામે રમવા ઉતારાયા હતા. ક્રિકેટમાં આ બહુ સામાન્ય વાત છે. ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૩માં જે કર્યું હતું તેવું જ કંઇક આ વખતે ટીમ ઇંડિયામાં બન્યું છે. નવી ભારતીય ક્રિકેટ ટીમમાં ચાર જ ખેલાડી એવા છે જેઓ ૨૦૧૧ના વર્લ્ડ કપમાં રમ્યા હતા. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના અને આર. અશ્વિનનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટને એક નવી ઊંચાઇએ લઇ જનાર કેપ્ટન ધોની માટે હવે આ વર્લ્ડ કપ છેલ્લો છે. અને તેનો વારસો સંભાળવા વિરાટ કોહલી તૈયાર છે. ભારતમાં તેને કૌવત દાખવવાની તક આપવામાં આવી, જેમાં તે સફળ રહ્યો. હવે તેણે વિદેશમાં ઓસ્ટ્રેલિયાની ધરતી એક ટેસ્ટ મેચનું સુકાન સોંપાયું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં માત્ર કોહલીના કૌવતની જ કસોટી નથી, ટીમમાં સામેલ અન્ય ખેલાડીઓ શિખર ધવન, રોબિન ઉથપ્પા, રોહિત શર્મા, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ જેવા યુવા ખેલાડીએ પણ તેમની પસંદગીને યથાર્થ ઠેરવવાની છે. ઘરઆંગણે, ભારતમાં સારો દેખાવ કરનારા આ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં કેવો દેખાવ કરે છે તેના પર ક્રિકેટચાહકોની નજર છે કેમકે ૧૪ ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલો ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા-ન્યૂ ઝિલેન્ડની ધરતી પર જ રમાવાનો છે. આમ ટીમ ઇંડિયા માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ, વર્લ્ડ કપ પૂર્વે જ, અગ્નિપરીક્ષા સમાન સાબિત થવાનો છે.
વર્લ્ડ કપ માટેની ટીમ ઇંડિયામાં પસંદગીકારોએ યુવા ખેલાડીઓને વિશેષ સ્થાન આપ્યું છે તેનું એક કારણ એ પણ છે કે હવે આ ખેલમાં ફિટનેસની મહત્તા ખૂબ વધી ગઇ છે. આથી જ ફાસ્ટ એટેકમાં એરોન, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને ભૂવનેશ્વર કુમારને સ્થાન અપાયું છે. તો સ્પીન એટેક મજબૂત બનાવવા આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પસંદ કરાયા છે. ટીમમાં બે ગુજરાતી ખેલાડીની પસંદગીને ગુજરાતનું ગૌરવ ગણી શકાય. જોકે રવીન્દ્ર અને અક્ષર બન્ને ઓલરાઉન્ડર હોવાથી આખરી ઇલેવનમાં કોને રમાડવા એ નક્કી કરવાનું કેપ્ટન ધોની માટે મુશ્કેલ બની રહેવાનું તે નક્કી.
૧૯૮૩માં કપિલ દેવ આણી કંપનીએ લોર્ડસમાં જે કમાલ દાખવી હતી તેનાથી પણ વધુ ઝમકદાર દેખાવ ધોનીની ટીમે ૨૦૧૧માં કર્યો હતો. ધોની એન્ડ કંપની ૨૦૧૫માં પણ ઇતિહાસનું પુનરાવર્તન કરશે તેવી ભારતીય ક્રિકેટચાહકોની આશા-અપેક્ષા અસ્થાને નથી. ક્રિકેટ જગતના દિગ્ગજો પણ ૨૦૧૫ના વર્લ્ડ કપ માટે ભારતને મજબૂત દાવેદાર ગણાવે છે, પણ આ માટે ટીમ ઇંડિયાએ સાતત્યસભર દેખાવ કરવો પડશે.