ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ૨૮ નવેમ્બર, ૧૯૮૬ના પ્રથમ પાનના રિપોર્ટમાં સંવાદદાતા કે.કે.મલિક કહે છે, ‘અગ્રણી પત્રકાર અને વ્યાપક ફેલાવો ધરાવતા બે વંશીય સાપ્તાહિક ‘ન્યૂ લાઈફ’ અને ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક મિ. સી.બી. પટેલની આજે સવારે બોમ્બે એરપોર્ટ ઈમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, જેઓ બ્રિટિશ એરવેઝની લંડન ફ્લાઈટમાં આવ્યા હતા.
મિ. પટેલે બે વર્ષ અગાઉ ભારત સરકારના મહેમાન તરીકે ભારતની મુલાકાત લીધી હતી. તેમની પાસે માન્ય વિઝા પણ હતો. ‘ન્યૂ લાઈફ’ના પ્રવક્તાએ જણાવ્યા અનુસાર પટેલે ત્રણ દિવસ અગાઉ વિઝા માટે અરજી કરી ત્યારે તેમને કહેવાયું હતું કે આનું ક્લીઅરન્સ નવી દિલ્હીથી મળતું હોવાથી થોડો સમય લાગશે. આથી, મિ.પટેલે ભારતીય હાઈ કમિશનર ડો. પી.સી. એલેકઝાન્ડરનો સંપર્ક સાધતા તેમણે નવી દિલ્હી સાથે વાત કરી હતી અને પરિણામે ગઈ કાલે બપોર પછી જ મિ. પટેલને વિઝા અપાયો હતો. હાઈ કમિશનના સૂત્રોએ પણ મિ.પટેલની અટકાયત અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
એક વરિષ્ઠ અધિકારીના કહેવા અનુસાર ફોરેન ઓફિસ અને નવી દિલ્હીની હોમ ઓફિસ વચ્ચે કોઈ ગેરસમજ અથવા કોમ્યુનિકેશનની ખાઈ સર્જાઈ હતી. મિ. પટેલના પરિવાર અને મિત્રોએ ભારતીય હાઈ કમિશનર અને નવી દિલ્હીમાં ઉચ્ચ સત્તાવાળાઓનો સંપર્ક કર્યો હતો. ઘણાં બ્રિટિશ રાજકારણીઓએ પણ આ ઘટના વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તમામે એક અવાજે જણાવ્યું હતું કે, મિ. પટેલ સામે ભારતવિરોધી હોવાનો આક્ષેપ કોઈ કરી જ ન શકે.
ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશનના એક વાર્ષિક ડિનર સમારંભમાં લેબર પાર્ટીના નેતા નિલ કિનોકે મિસ્ટર પટેલનો ઉલ્લેખ ‘કોમ્યુનિટીભાઈ’ પટેલ તરીકે કર્યો હતો. લંડનમાં સરદાર વલ્લભભાઈ પટેલ જે મકાનમાં રહ્યા હતા તેની બહાર GLCદ્વારા તક્તીના અનાવરણની માગણીમાં મિ. પટેલની નોંધપાત્ર ભૂમિકા રહી હતી.’ અહેવાલનો મુખ્ય સંદેશો એ હતો કે,‘જો સીબી જેવા પવિત્ર અને સમર્પિત ભારતીય રાષ્ટ્રપ્રેમીની એરપોર્ટ પર અટકાયત કરાય તો કોઈની પણ થઈ શકે છે.’
અફવાઓ સૂચવે છે તેમ, શું આ અટકાયત તેમના પ્રિય ભારતના સાર્વભૌમત્વ અને સુરક્ષાની ભાંગફોડ અને જોખમ હોવાના આધારે થઈ હતી? અથવા વિચિત્ર ‘ભૂલ’, ‘કોમ્યુનિકેશન ગેપ’ અથવા તેમને બદનામ કરવાના અભિયાનનું પરિણામ હતું, તે યક્ષપ્રશ્ન છે. હકીકતો અને વિગતો જાણવા માટે નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનિઝેશન્સ દ્વારા ભારતીય હાઈ કમિશનર ડો. પી.સી. એલેકઝાન્ડર સાથે તાકીદે બેઠકની માગણી સાથે સી.બી. પટેલની અટકાયત મુદ્દે સંપૂર્ણ તપાસનો અનુરોધ કરાયો હતો.
ભારતીય ડાયસ્પોરા માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ ન્તૃત્વ હેઠળના શાસનની વિદેશ નીતિમાં વિદેશી દૂતાવાસો અને નવી દિલ્હી વચ્ચે સુગ્રથિત સંકલન સર્જાશે અને કેટલાંક વર્ગો દ્વારા વ્યક્તિગત એજન્ડાના આધારે સુનિયોજિત અફવાઓના પ્રસારને અટકાવવા યોગ્ય તંત્ર હશે.
સીબી તો પૂર્વઘટનાઓ વિશે વિચારમંથન કરવા કહે છે, ‘જો સંપર્કો વિનાની કોઈ વ્યક્તિ સાથે આમ થયું હોત તો શું થયું હોત.’ આનું પુનરાવર્તન ન થાય તે દિશામાં કાર્ય કરવા તેઓ કહે છે. ભારત સરકારના તત્કાલીન ગૃહ પ્રધાન બૂટા સિંહે ટેલીફોન પર વાત કરીને આ ઘટના વિશે સીબીની માફી પણ માગી હતી. આમ છતાં, તેઓ નવ કલાકની નરક યાતનામાંથી પસાર થયા તેવી સ્થિતિમાં અન્ય કોઈને રહેવું ન પડે તેની વિશેષ ચોકસાઈ રાખવા પણ તેઓ કહે છે. (ક્રમશઃ)
ખરેખર શું થયું? કોણે આ કર્યું? તેના પરિણામ શું આવ્યાં? પ્રશ્નોનો ઉત્તર આગામી સપ્તાહે જાણો