નરેન્દ્ર મોદી જૈસા કોઈ નહીં

વિશેષ પ્રતિનિધિ Saturday 20th September 2014 08:44 EDT
 

- અપ્રતિમ યાદશક્તિ

દેશના ભાવિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યાદશક્તિના દાખલાઓ એક નહીં, અનેક જગ્યાએથી મળે છે. મોદીને ઓળખનારા સૌ કોઈ એવું કહે છે કે તેઓ તમને એક વાર ફેસ ટુ ફેસ મળે એટલે તમને ક્યારેય ભૂલે નહીં. નરેન્દ્ર મોદીએ આ વાતના અનેક દાખલા પણ આપી દીધા છે. ગુજરાતના ભાવનગર શહેરના એક સિનિયર જર્નલિસ્ટ તેમને ૮ વર્ષ પહેલાં મળ્યા હતા. એ પછી ક્યારેય મળવાનું નહોતું થયું, પણ એ પત્રકાર રિઝલ્ટના દિવસે ગાંધીનગરમાં પળભર માટે તેમની સામે આવ્યા કે તરત જ નરેન્દ્ર મોદીએ તેમને નામથી બોલાવીને નમસ્કાર કર્યા હતા. દોઢ વર્ષ પહેલાં રાજકોટમાં નરેન્દ્ર મોદીએ એક અનૌપચારિક મીટિંગમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નામ અને ચહેરો મને ક્યારેય ભુલાતાં નથી. આ વાત આમ જોઈએ તો સારી લાગે, પણ ક્યારેક એ અભિશાપ જેવી હોય છે.’

તીવ્ર યાદશક્તિને કારણે માત્ર નામ અને ચહેરો જ નહીં, તેમને તારીખ-વાર અને સમય પણ એકદમ પાક્કાં યાદ રહી જાય છે. પોતાની યાદશક્તિને કારણે જ તેમને ક્યારેય સ્પીચ પણ કાગળ લઈને બોલવી નથી પડી.

 

આપવામાં લાગે ક્ષણ

નેવુંના દસકાની શરૂઆતમાં નરેન્દ્ર મોદી RSSમાં હતા અને RSSના સંઘસંચાલકે તેમને ગુજરાતની જવાબદારી સોંપી હતી. એ વખતે નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, શંકરસિંહ વાઘેલા અને સુરેશ મહેતા વચ્ચે જબરદસ્ત ટ્યુનિંગ હતું; પણ એ પછી કેટલાંક કારણોસર નરેન્દ્ર મોદીને સંઘે ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કર્યા અને તેમને હરિયાણા તથા હિમાચલ પ્રદેશમાં સંઘ અને BJPની કામગીરી આગળ વધારવાની જવાબદારી સોંપી. એ વખતે જેકોઈ મતભેદ થયા હતા એને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું હતું કે ગુજરાત છોડતાં પહેલાં ગુજરાતમાંથી જેકોઈ બચત થઈ છે એ તમામ ગુજરાતમાં જ ખર્ચી નાખીશ અને એક જોડી કપડાં સાથે જ રવાના થઈશ. તેમણે એ કામ અમદાવાદના રેલવે-સ્ટેશન પર કર્યું હતું અને ૧૯૯૬ના અંતભાગમાં ગુજરાત છોડવાના દિવસે અમદાવાદ રેલવે-સ્ટેશને ૧૭૫૦ રૂપિયાની બચત ગરીબોમાં દાન કરી દીધી હતી. એ વખતે તેમની પાસે ત્રણ જોડી કપડાં હતાં. એ કપડાંમાંથી બે પેર તેમણે સ્ટેશન પર જ એક કૂલીને આપી દીધી હતી. નરેન્દ્ર મોદી સાથે રહેલા સંઘના એક સિનિયર પદાધિકારીની નજર સામે આ ઘટના ઘટી હતી. રાજકોટના એ પદાધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ વખતે તેમને બહુ દુ:ખ થયું હતું એટલે આ વાત કરતી વખતે મારું નામ ન હોવું જોઈએ એવું મને લાગે છે. અમદાવાદ છોડવાના એ દિવસ પહેલાં કે એ દિવસ પછી મેં ક્યારેય તેમને એટલા દુખી નહોતા જોયા.’

 

સુપર મલ્ટિટાસ્કર

ઇશરત જહાં, સોહરાબુદ્દીન અને કૌસરબીના એન્કાઉન્ટર-કેસની ઇન્ક્વાયરી CBIને સોંપવામાં આવી અને CBIએ જે રીતે સ્ટેટમેન્ટ કરીને ગુજરાત સરકાર વિરુદ્ધ વાતાવરણ ઊભું કર્યું હતું એ સમય સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદી માટે જબરદસ્ત કપરો હતો એવું કહી શકાય; પણ એ વખતે પણ તેઓ લેશમાત્ર હિંમત નહોતા હાર્યા. એ દિવસોમાં સ્વામી સચ્ચિદાનંદ તેમની નજીક રહી શક્યા હતા. સ્વામી સચ્ચિદાનંદે કહ્યું હતું કે ‘અતિશય ચિંતાગ્રસ્ત વાતાવરણ વચ્ચે પણ એક કામમાંથી બીજા કામમાં મન લગાડવામાં તેમને એક સેકન્ડ જ લાગતી. અમારે નર્મદા ડૅમની ઊંચાઈની બાબતે તેમને મળવાનું હતું. અમે મળ્યા એ પહેલાંની મીટિંગ આ કેસ બાબતે ચાલી રહી હતી. અચાનક આ તકલીફ આવી હતી એટલે લાગ્યું કે નરેન્દ્ર મોદી નહીં મળી શકે, પણ નક્કી કર્યું હતું કે નિર્ધારિત સમય સુધી બેસીએ. માનશો નહીં, પાંચ વાગ્યાના ટકોરે અમને અંદર બોલાવી લેવામાં આવ્યા. જેકોઈ ઑફિસમાં હતા એ બધાને ૧૦ મિનિટ બેસાડીને અમે તરત જ નર્મદા ડૅમનો પ્રશ્ન હતો એની શરૂઆત કરી. આખી વાત પૂરી થઈ, કાર્યક્રમ નક્કી થયા અને એ પછી તેઓ તરત જ પેલા બહુ મહત્વના કહેવાય એ મુદ્દા પર લાગી ગયા.’

બન્ને બાબતમાં પૂરતું ધ્યાન કઈ રીતે આપી શકાય એવું જ્યારે નરેન્દ્ર મોદીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ જે મીટિંગ ચાલે છે એ મારા લોકો માટેની મીટિંગ છે અને આપણે જે મીટિંગ કરી એ આપણા લોકોની બાબતમાં છે. બન્નેમાં હું કૉમન છું એટલે ધ્યાન તો સરખું જ આપવું પડેને.’

અથાગ પુરુષાર્થ

લોકસભાના ઇલેક્શનમાં નરેન્દ્ર મોદીએ ૩ લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને અગણિત જાહેર સભાઓને સંબોધી હતી જે દેખાડે છે કે પુરુષાર્થની સામે તેઓ ક્યારેય થાક્યા નથી. જોકે મજાની વાત એ છે કે જ્યારે આવો કટોકટીનો સમય ન આવ્યો હોય ત્યારે પણ તેમનો પુરુષાર્થ ક્યારેય અટકતો નથી. ગુજરાતમાં સોલર એનર્જીનો વિકાસ કઈ રીતે થઈ શકે છે અને એ માટેની સંભાવના કેવી છે એ માટે જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે દિલ્હી અને નેધરલૅન્ડ્સથી કેટલાક એક્સપર્ટ્સને બોલાવવામાં આવ્યા હતા. એક વીક દરમ્યાન એ એક્સપર્ટ્સ સાથે મીટિંગો ચાલી, જેમાં દરરોજ આઠ વાગ્યે મીટિંગ પૂરી થાય એ પછી મોદી એક કલાક જમવા અને ફ્રેશ થવા માટે ફાળવે અને એ પછી સોલર એનર્જીના વિડિયો, બુક્સ અને એવુંબધું લિટરેચર લઈને બેસી જાય; જે સવારે ૪ વાગ્યા સુધી વાંચે અને પછી સીધા યોગ અને પ્રાણાયામ માટે જઈને પોતાના નવા દિવસની શરૂઆત કરી દે. સતત ૩ દિવસ સુધી તો નરેન્દ્ર મોદી રાતે સૂતા પણ નહોતા અને બપોરે અડધા કલાકની વામકુક્ષિ પર પોતાના આખા દિવસનો થાક ઉતારી લેતા.


    comments powered by Disqus