મૂળ ભારતીય અગ્રણી ઉદ્યોગસાહસિક રાજેશ અગ્રવાલ દ્વારા સ્વૈચ્છિક ચૂકવણીના આધારે વિશ્વની સૌપ્રથમ મની ટ્રાન્સફર બિઝનેસ Xendpayનો નવતર આરંભ કર્યો છે. તેનું ધ્યેય આગામી પાંચ વર્ષમાં વિકાસશીલ દેશોના ગ્રાહકોના ૬૦ મિલિયન પાઉન્ડ બચાવવાનું છે. આ સેવા સાથે ઉદ્યોગસાહસિક રાજેશ અગ્રવાલે મલ્ટિ-બિલિયન પાઉન્ડ્સની ગ્લોબલ રેમિટન્સ ઈન્ડસ્ટ્રી સામે મોટો પડકાર ફેંક્યો છે.
Xendpayઓનલાઈન પ્લેટફોર્મમાં બેન્કથી દરિયાપાર બેન્ક નાણા મોકલવા માટે ફરજિયાત ફી રદ કરી દેવાઈ છે. હવે ગ્રાહકોને સેવાના બદલામાં તેમની ઈચ્છાનુસાર ‘ટીપ’ આપવાનું કહેવાશે. જોકે, આવી ‘ટીપ’ આપવી મરજિયાત છે. આ ઉપરાંત, ગ્રાહકોને સામાન્ય રીતે મલ્ટિનેશનલ કોર્પોરેશન્સ માટે અનામત રખાતાં શ્રેષ્ઠ વિનિમય દર પૂરાં પાડવામાં આવશે.
વિશ્વ બેન્કના આંકડા અનુસાર ગ્લોબલ માઈગ્રન્ટ્સ દ્વારા ગયા વર્ષે વિકાસશીલ દેશોમાં £૨૫૦ બિલિયન રેમિટન્સ મોકલાયું હતું અને ૨૦૧૪માં તેમાં આઠ ટકા વધારાની આગાહી થઈ છે. વિદેશમાં કામ કરતા ભારતીયોએ ગયા વર્ષે $૭૧ બિલિયનની રકમ દેશમાં મોકલી હતી. ઉદ્યોગમાં નાણા મોકલવાનો ખર્ચ નીચો લાવવા ઘણી અપીલ અને માગણીઓ થઈ છે. જો કિંમતોમાં માત્ર પાંચ ટકાનો ઘટાડો થાય તો પણ વાર્ષિક £૧૦ બિલિયનની બચત થઈ શકે છે.
રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે,‘વિદેશમાં નાણા મોકલવાનો ખર્ચ નોંધપાત્રપણે ઘટે તે સામાજિક અનિવાર્યતા છે. રેમિટન્સ ઈન્ડસ્ટ્રી જરૂર કરતા વધુ નફો ખિસ્સામાં નાખે છે. કોઈ પણ ફી નહિ અને શ્રેષ્ઠ દરે મની ટ્રાન્સફરની સેવા સાથે હું આ સ્થિતિ બદલવા ઈચ્છું છું. Xendpay ની સ્થાપના તે સૌથી મોટી કે વધુ નાણા બનાવતી થાય તે માટે નહિ, પરંતુ મની ટ્રાન્સફરને સારી અને સસ્તી સેવા બનાવવા માટે કરેલ છે. હું માનું છું કે અમે નાણાકીય અને સામાજિક રીતે કરીએ છીએ તેનું મૂલ્ય લોકો સમજશે અને પરિણામે સ્વૈચ્છિક ‘ટીપ’નું મોડેલ કામ કરશે. અમને સમર્થન આપવા અમે ગ્રાહકોને હાકલ કરીએ છીએ.’
એવોર્ડવિજેતા ઉદ્યોગસાહસિક રાજેશ અગ્રવાલનો જન્મ ભારતના ઈન્દોરમાં થયો હતો. તેઓ ૨૦૦૧માં લંડન આવ્યા હતા અને પરેશ દાવડ્રા સાથે મળી ૨૦૦૫માં તેમણે કોમર્શિયલ ફોરેન એક્સચેન્જ કંપની RationalFXની સ્થાપના કરી હતી, જેની લંડન, બર્મિંગહામ, ફ્રાન્સ અને સ્પેનમાં ઓફિસો છે. FCA નિયંત્રિત કંપની દ્વારા ગ્રાહકો £૧થી £૧૦૦,૦૦૦ની રકમ મોકલી શકે છે. કંપનીએ અત્યાર સુધી $૫ બિલિયનથી વધુની રકમ ટ્રાન્સફર કરેલી છે. Xendpay મોડેલને ક્લિન્ટન ગ્લોબલ ઈનિશિયેટિવ કમિટમેન્ટ ટુ એકશન તરીકે સ્વીકૃતિ મળી છે. બિલ ક્લિન્ટન દ્વારા ૨૦૦૫માં ક્લિન્ટન ગ્લોબલ ઈનિશિયેટિવની સ્થાપના કરવામાં આવી હતી.
પ્રિન્સ ટ્રસ્ટ, શેરી બ્લેર ફાઉન્ડેશન ફોર વિમેન, લૂમ્બા ફાઉન્ડેશન અને વિમેન એમ્પાવર્ડના પેટ્રન હોવા ઉપરાંત રાજેશ અગ્રવાલ રોયલ સોસાયટી ઓફ આર્ટ્સના આજીવન ફેલો છે. તેમને યુકે પાર્લામેન્ટ દ્વારા ૨૦૧૧માં યંગ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર તેમ જ એશિયન વ્હુઝ વ્હુ દ્વારા એશિયન નેતૃત્વના યંગ એન્ટ્રેપ્રીન્યોર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.