ભારતીય સમુદાયમાં બહુચર્ચિત બનેલા આ કેસની સુનાવણી દરમિયાન ૩૭ વર્ષની ગ્રાફિક ડિઝાઇનર કુંતલે ‘ડાર્ક વેબ’ દ્વારા ઝેર ખરીદયું હોવાનું કબૂલ્યું હતું, પરંતુ સાથોસાથ એવો બચાવ પણ કર્યો હતો તે પોતે આત્મહત્યા કરવાનું વિચારતી હતી. માતાને મારી નાખવાની કલ્પના જ તેના મગજમાં દોડતી હતી.
માતાની વાસ્તવમાં હત્યા કરવાનો તેનો કોઇ ઇરાદો નહોતો. તેણે કોર્ટને એવું પણ જણાવ્યું હતું કે માતાએ તેને બોયફ્રેન્ડ નીરજ કાકડ સાથે લગ્નની મનાઈ ફરમાવ્યા પછી તે માતાની હત્યાની કલ્પનામાં રાચતી હતી.
સધર્ક ક્રાઉન કોર્ટ સમક્ષ કરાયેલી રજૂઆતો અનુસાર સ્ટ્રેટફર્ડ, લંડનની કુંતલ પટેલે માતાનો કાંટો કાઢવા સ્વાદરહિત અને જીવલેણ ટોક્સિન મેળવવા યુએસના ડ્રગ ડીલરનો સંપર્ક સાધ્યો હતો. બાર્કલેઝ બેન્કની વર્કર કુંતલને આ ષડયંત્રની પ્રેરણા અમેરિકન ટીવી સીરિયલ ‘બ્રેકિંગ બેડ’માંથી મળી હતી. પ્રોસિક્યુટરોએ આક્ષેપ મૂક્યો હતો કે કુંતલે માતાના ડાયેટ કોકમાં આ ઝેર ભેળવ્યું હતું. છ પુરુષ અને છ મહિલાની જ્યુરીએ ત્રણ કલાકથી વધુ ચર્ચા-વિચારણા પછી કુંતલને હત્યાના પ્રયાસના ગુનામાં નિર્દોષ ઠરાવી હતી. જોકે, બાયોલોજિકલ એજન્ટ અથવા ટોક્સિન મેળવવાના ગુનામાં દોષિત માની હતી. બાયોલોજિકલ વેપન્સ એક્ટ હેઠળ કાર્યવાહી થઇ હોય તેવો આ પ્રથમ કેસ છે.
કુંતલને સજા ફરમાવતા જસ્ટિસ રબિન્દર સિંહે જણાવ્યું હતું કે કુંતલ લાંબા સમય સુધી તણાવગ્રસ્ત રહી હતી અને કોઈ માર્ગ ન દેખાતાં તેણે ગુના આચર્યાં હતાં. તારી માતાએ તને અને તારી બહેનને નાની વયથી સારી રીતે ઉછેરવાની મહેનત કરી છે. આમ છતાં, તેમણે તને અપશબ્દો કહ્યા હતા અને ઘણી વખત શારીરિક હિંસા આચરી હતી. તારા મિત્રો અને ખાસ તો જેની સાથે તું લગ્ન કરવા ઈચ્છતી હતી તેની સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો.
જજે સજા સંભળાવતાં જ આરોપીના કઠેડામાં રહેલી કુંતલ રડવા લાગી હતી. તો પબ્લિક ગેલેરીમાં બેઠેલી તેની પહેન પૂનમની આંખમાંથી પણ આંસુ સરી પડ્યા હતા.
મીના પટેલ ઈસ્ટ લંડનમાં થેમ્સ મેજિસ્ટ્રેટ્સ કોર્ટની બેન્ચમાં હોવા ઉપરાંત ન્યૂહામ કાઉન્સિલ ફોર રેશિયલ ઈક્વાલિટીમાં કોમ્યુનિટી ઓફિસર તરીકે કાર્યરત હતાં. તેમણે કુંતલને યુએસના ફિનિક્સ, એરિઝોનામાં વસતા નીરજ કાકડ સાથે લગ્ન કરવા કુંતલને મનાઈ ફરમાવી હતી. તેમણે કુંતલને એવી ચીમકી પણ આપી હતી કે જો કુંતલ લગ્ન કરવા યુએસ જશે તો પોતે આત્મહત્યા કરી લેશે. જ્યૂરી સમક્ષ એવી રજૂઆત પણ થઇ હતી કે મીના પટેલે કુંતલ અને પૂનમના ગળાં પણ દબાવ્યાં હતા. ડિફેન્સ કાઉન્સેલ પીટર રોલેન્ડ્સે કોર્ટને જણાવ્યું હતું કે, બે વર્ષના અરસામાં કુંતલ લાગણીના ભારે દબાણમાં રહી હતી. આ માનસિક સ્થિતિમાં તેણે જીવલેણ ટોક્સિન ખરીદવાનું નક્કી કર્યું હતું. ડીલર જેસી કોર્ફે તેને ટોક્સિન મોકલ્યું હતું. જોકે, કોર્ફની ગતિવિધિ પર પહેલેથી જ નજર રાખીને બેઠેલી એફબીઆઈએ તેની ધરપકડ કરી હતી. બાદમાં એફબીઆઈની માહિતીના આધારે ૨૬ જાન્યુઆરીએ મેટ્રોપોલિટન પોલીસે કુંતલની ધરપકડ કરી હતી.
મીના પટેલે તપાસકારોને કોઈ સહકાર આપ્યો ન હતો કે પ્રોસિક્યુશન સાક્ષી તરીકે કોર્ટમાં હાજરી આપી ન હતી. જોકે, કોર્ટમાં થયેલી રજૂઆત અનુસાર જેલમાં કુંતલ સાથેની લાગણીસભર વાતચીત દરમિયાન માતા-પુત્રી વચ્ચે સમાધાન થઈ ગયું હતું. આ કિસ્સામાં પોતે જ દોષિત હોવાનું માતાએ પુત્રી સમક્ષ સ્વીકાર્યું હતું.