વડીલો સહિત સહુ વાચક મિત્રો, નાની-મોટી માત્રામાં અત્ર, તત્ર અને સર્વત્ર જનસેવા થતી જ રહે છે. જગતનિયંતાએ આ અનન્ય સૃષ્ટિનું સર્જન કરીને આપણને અદભૂત માનવદેહ બક્ષિસમાં આપ્યો છે. કદાચિત કોઇ પ્રસંગે આપણને અણગમતી કે અસ્વીકાર્ય ઘટના બની જાય તો તેમ માનવાની લગારેય જરૂર નથી કે જગત મિથ્યા છે અને માણસાઇ મરી પરવારી છે.
એક પરિવારની એક અંગત સત્ય ઘટનાને હું આજે રજૂ કરી રહ્યો છું. જોકે તે જણાવતાં પહેલાં ચાલો, અતીતમાં એક ડોકિયું કરી લઇએ. ૧૯૪૨માં પાંચ વર્ષની વયે હું નડિયાદ મારા મોસાળમાં મામાને ત્યાં રહેતો હતો. અમદાવાદી બજાર પ્રાથમિક શાળા નં. ૪ના પ્રથમ વર્ગમાં દાખલ થયો હતો. મારા માતુશ્રીને ટીબીની (ક્ષયની) તે વેળાની અતિ ગંભીર અને ચેપી બીમારી થઇ હોવાથી દોઢ વર્ષની ઉંમરથી મને મોસાળ લઇ જવાયો હતો. ૧૨ ઓગસ્ટ - મને બરાબર તારીખ યાદ હોય તો - રેંટિયાબારસ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર, ભાવસાર વાડના નાકે, વિનસ સ્ટુડિયોની બગલમાં એક સુંદર મજાની ઝૂંપડી હોંશીલા યુવાનો અને રાષ્ટ્રભાવનાથી રંગાયેલા નડિયાદના નગરજનોએ બનાવી હતી. આમ તો રેંટિયાબારસના પર્વે આવી ઝૂંપડીઓ ઠેર ઠેર બનાવવામાં આવી હતી, પણ સાડા પાંચ વર્ષના બાળકના મન પર તો ઘરઆંગણાની ઝૂંપડી જ અંકાઇ ગઇ હોયને? ચંદ્રકાંત (શંભુમામા), નંદુભાઇ, અરવિંદભાઇ, રજનીકાંતભાઇ, રમેશભાઇ, ઘનશ્યામભાઈ તેવા કેટલાય લબરમૂછિયાઓ હોંશે હોંશે કાર્યરત હતા તે બધું પણ નજરમાં સચવાયું છે. વિધિના નિત્ય નિયમ અનુસાર આજે તો આ બધા જ મહાનુભાવો સ્વર્ગે સીધાવી ગયા છે, પણ સ્મૃતિમાં તેમની યાદો આજે પણ ધબકે છે.
તે ઝૂંપડી આગળ પ્રાતઃકાળે પ્રાર્થના થતી, અને પછી પ્રભાતફેરી નીકળે. આ પ્રાર્થના સભામાં આશરે વીસેક વર્ષની એક બહેન મધુર કંઠે ધુન-ભજન રજૂ કરતી. ત્યાંનો માહોલ પણ ખૂબ સુંદર હતો. બધા યુવાનોએ મહેનત કરીને આકર્ષક ફુવારો પણ બનાવ્યો હતો. ઊંચે મૂકાયેલા પાણીના મોટા પીપ સાથે જોડાયેલા પાઇપમાંથી પાણીની સેર ઉડતી રહેતી અને પાણી ઉપર લાલ-લીલા-નારંગી દડા તરતા હોય. તે બહેનનું નામ તો યાદ નથી, પણ તેઓ જે ધુન રજૂ કરતા તેના શબ્દો આજેય યાદ છે. ગાંધીજીને આ ધુન બહુ પસંદ હતી.
સાચી વાણીમાં શ્રીરામ, સાચા વર્તનમાં શ્રીરામ,
જનસેવામાં પામીશું, પ્યારા રામ... રામ... રામ...
વાચકમિત્રો, આ વાતને આજે ભલે ૭૨ વર્ષના વ્હાણાં વીતી ગયા છે, પણ ગત ૧૨ ઓગસ્ટે પણ આ દૃશ્ય મારી નજર સામે તરવરતું હતું. જનસેવાનો એક અનોખો અવસર યોજવાનું સદનસીબ આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ - ‘એશિયન વોઇસ’ને ૮ નવેમ્બરના રોજ પ્રાપ્ત થયું.
સંગત કોમ્યુનિટી સેન્ટરમાં ૮૫ વર્ષથી વધુ વયના વડીલજનોના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આગામી અંકોમાં તેનો નજરે જોયેલો અહેવાલ ભાઇ કમલ રાવ રજૂ કરશે જ, પરંતુ તે પૂર્વે, આ કોલમના માધ્યમથી, જાહેરમાં ન્યૂઝ એડિટર કમલ રાવના અથાગ પરિશ્રમની નોંધ લેવાનું જરૂરી સમજું છું. રોજબરોજના અનેકવિધ કામકાજ વચ્ચે સમગ્ર આયોજન પાર પાડનાર ભાઇ કમલ રાવ ઉપરાંત હરીશભાઇ, અજયભાઇ, કોકિલાબહેન, રુપાંજના તથા આ આયોજનમાં મદદરૂપ થનાર અમદાવાદ કાર્યાલયના વિક્રમભાઈ, અરવિંદભાઈ સહિત સહુ કોઇને - આ સુંદર આયોજન બદલ - અંતઃકરણથી વંદન કરવાનું મન થાય છે. અને કાર્યક્રમમાં મેં આમ કર્યું પણ હતું.
વાચક મિત્રો, આ પ્રસંગે ૩૧ ઓક્ટોબરની એક ઘટના આપ સમક્ષ રજૂ કરું છું. ૩૧ ઓક્ટોબરના રોજ બારેક વાગ્યે એક સન્નારી બેથનલ ગ્રીન, વ્હાઇટ ચેપલ પાસે આવેલા સેઇન્સબરીમાં જઇ પહોંચ્યા. દોઢેક કલાક બાદ, ઘણુંબધું શોપિંગ કરીને ટ્રોલી લઇ કેશ કાઉન્ટર પહોંચ્યા, પેમેન્ટ કર્યું અને પછી હેન્ડબેગ પણ ટ્રોલીના હેન્ડલમાં લટકાવીને કારપાર્કિંગમાં પહોંચ્યા. કારમાં બધો સામાન ભર્યો, પણ હેન્ડબેગ ટ્રોલીમાં જ રહી ગઇ. બહેન પાછા નિવાસસ્થાને પહોંચી ગયા, પણ હેન્ડબેગ ટ્રોલીમાં જ ઝૂલતી રહી ગઇ હતી.
થોડી વાર પછી યાદ આવ્યું કે હેન્ડબેગ તો ક્યાંય દેખાતી જ નથી. કાર, ઘર... જોવા જેવી બધી જગ્યાએ તપાસ કરી. બહેને ઘણું મગજ કસ્યું, પણ હેન્ડબેગ છેલ્લે ક્યાં મૂકી હતી તે યાદ આવતું નહોતું. હેન્ડબેગમાં ક્રેડિટ કાર્ડ્સ, ચાવી, સારી એવી રોકડ, ફોન, ડાયરી સહિતની મહત્ત્વની ચીજવસ્તુઓ હતી એટલે ચિંતા સ્વાભાવિક હતી.
બીજી તરફ, લગભગ આ જ અરસામાં સેઇન્સબરીના કારપાર્કિંગમાં પહોંચેલા ૧૪-૧૫ વર્ષના એક કિશોરની નજર ટ્રોલીમાં લટકતી હેન્ડબેગ પડી. તેણે સ્ટોરમાં ગયેલી માતાને બહાર બોલાવીને હેન્ડબેગ દેખાડી. તેમણે હેન્ડબેગ તપાસી જોઇ કે જેથી તેના માલિકનો અતોપતો મેળવી શકાય. છેવટે તેમણે ડાયરીમાંથી મળેલા નંબરના આધારે એક નંબર પર ફોન કર્યો તો તે સેઇન્સબરી સ્ટોરથી ૪૦ માઇલ દૂર રણક્યો. આ નંબર તે સન્નારીના દીકરીનો હતો. તરત પેલા પરોપકારી બહેને જણાવ્યું કે મને એક હેન્ડબેગ મળી છે તેની ડાયરીમાં આ નંબર હોવાથી મેં આ ડાયલ કર્યો છે. દીકરી વળી તે સમયે પોતાના સંતાનની સારસંભાળમાં અત્યંત વ્યસ્ત હતી તેથી તેણે પે’લા બહેનને વિનતી કરી કે જો તમે ફલાણા નંબર પર ફોન કરો તો વધુ સારું. તરત જ પહેલા બહેને તે પ્રમાણે ફોન કર્યો. બહેને ફોન લગાવીને પોતાનો પરિચય આપવાની સાથે જે વાત કરી તેનાથી પહેલાં તો એવું લાગ્યું કે કોઇનો રોંગનંબર લાગે છે, પણ પછી બહેને ફોડ પાડીને વાત કરી. હેન્ડબેગ મળવાથી માંડીને ઘટનાક્રમ વર્ણવ્યો. અને આખી વાતનો તાળો મળી ગયો. ૧૫-૨૦ મિનિટમાં તો તે સન્નારી સેઇન્સબરીના સ્ટોર પર પહોંચી ગયા.
માણસાઇ અને માનવતાને ક્યારેય કોઇ નાત, જાત, જ્ઞાતિ, ધર્મ કે રાષ્ટ્રીયતાનો રંગ ચઢતો નથી. માનવતા એ માનવતા. માણસાઇ એ માણસાઇ. મારી સમજણ પ્રમાણે કહું તો આ કિશોરના ઘરમાં અલ્લાહનો મુકામ ઓછો હોત તો? તેની નજર સામે ક્રેડિટ કાર્ડ્સ, નોંધપાત્ર રોકડ વગેરે સહિત કેટકેટલા પ્રલોભનો હતા? પણ તેનો ઇરાદો ડગ્યો નહીં. આ કિશોર અને તેના ભાઇમાં નૈતિક મૂલ્યોના સંસ્કારવારસાનું સિંચન કરનાર માતા-પિતાનો હું જાહેર આભાર માનું છું. અમે આ પરિવારનું કર્મયોગ એવોર્ડથી સન્માન કરવા માંગીએ છીએ, પણ અફસોસ અમારી પાસે તેમના સંપર્કની કોઇ જાણકારી નથી. જો કોઇ વાચક મિત્ર, આ કિશોર કે તેના માતા-પિતાનો ફોન કે રૂબરૂ સંપર્ક કરી શકે તેમ હોય તો તેમને આ સંદેશ પહોંચાડવા મારી નમ્ર અને આગ્રહભરી વિનંતી છે.
આ ઘટનાપ્રસંગ આમ જૂઓ તો કોઈનો અંગત છે, પણ તેને ‘જીવંત પંથ’માં રજૂ કરવાની લાલચ ટાળી ન શકવાનું કારણ એ છે કે તે આપણને સહુને નૈતિક મૂલ્યોના પાઠ શીખવી જાય છે. માણસમાત્રમાં ઊંડે ઊંડે માનવતાના અંકુર ફુટેલા હોય છે. આવા મૂલ્યોને જાહેરમાં બિરદાવવાનું ઇચ્છવાયોગ્ય છે કેમ કે આવા મૂલ્યો સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે. જનસેવા એ હર પળે, હર સ્થળે થતી જ રહે છે.
અંતિમ પર્વ
ભજમન્ રાધે ગોવિંદા... (૨)
ભજમન્ સીતા-રઘુનંદન્... (૨)
ભજમન્ રાધે... રાધે... રાધે... રાધે...
આ ધૂન ૧૯૭૪-૭૫થી મારા કાનમાં અનિયમિતપણે પણ નિયમિત ગૂંજતી રહી છે. મારા પરિવારના એક મહિલા તેમના પુત્ર સાથે ઝામ્બિયાના મુફુલીરા ખાતે વસતા મારા સાળા જનકભાઇને ત્યાં ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં તેઓ એક ઓડિયો કેસેટ લાવ્યા હતા, તેમાં આ ધૂન સાંભળી હતી. બસ, ત્યારથી તે અંતરમાં કોરાઇ ગઇ છે એમ કહો તો પણ ચાલે. ત્યારે તો ખબર નહોતી કે આ સૂરિલી ધૂનને સૂર કોણે આપ્યો છે? પરંતુ યોગાનુયોગ આના બે-ત્રણ વર્ષ બાદ લેસ્ટરમાં આ ધૂનને સૂરિલો કંઠ આપનાર ગાયકને રૂ-બ-રૂ મળવાનો સોનેરી અવસર સાંપડ્યો. તેમનું નામ મુરબ્બી શ્રી ચંદુભાઇ મટ્ટાણી. સોના-રૂપાવાળા. હું તેમને મુઠ્ઠીઉંચેરા ગણું છું. એક વ્યાપારિક સાહસિકમાંથી કાળક્રમે તેઓ સરસ મજાના કંઠના માલિક તરીકે દેશ-દેશાવરમાં સુવિખ્યાત બન્યા છે. પુરુષોત્તમ ઉપાધ્યાય, આસિત અને હેમા દેસાઇ, શ્યામલ-સૌમિલ મુન્શી જેવા દિગ્ગજ ગાયકોની હરોળમાં તેમનું નામ મૂકાય છે.
તાજેતરમાં ધનતેરસના સપરમા દિવસે તેમણે મને લેસ્ટરથી ત્રણ પુસ્તકો દીપોત્સવી ભેટ તરીકે મોકલાવ્યા. આમાંથી એક પુસ્તક નરસિંહ મહેતાના પદોનું (શબ્દવેધ) કવિતા સંગ્રહ અને રમેશ સંઘવી સંપાદિત ‘અંતિમ પર્વ’ પુસ્તકનો સમાવેશ થાય છે. આ પુસ્તકો ભાર્ગવીબહેન દોશીએ સંપાદિત કરી જૂનાગઢસ્થિત વનરાજ પટેલના મીડિયા પ્રકાશન (ફોન સંપર્કઃ +91-285-2650505)ના નેજામાં પ્રકાશિત કર્યા છે. ‘અંતિમ પર્વ’ના મુખપૃષ્ઠ પર પુસ્તકના સારરૂપ સૂત્ર લખાયું છેઃ ‘જીવન જેટલું જ મૃત્યુને સમૃદ્ધ બનાવતું ચિંતન’.
આ પુસ્તકના પાન બે પર રજૂ થયેલો એક શ્લોક, સુવાક્યો અને એક પ્રસંગ અહીં યથાતથ્ રજૂ કરું છું.
મરમ
અહન્યહનિ ભૂતાનિ ગચ્છન્તીહ યમાલયમ્ ।
શેષાઃ સ્થાવરમિચ્છન્તિ કિમાશ્ચર્યનતઃ પરમ્ ।।
મહાભારત
પ્રતિદિન પ્રાણીઓ (મરણ પામીને) યમલોકમાં જાય છે, ને (એમ નિત્ય જોવા છતાં) બાકીના માણસો (જગતમાં) સ્થિરપણાને ઈચ્છે છે, તેના કરતાં બીજું આશ્ચર્યજનક શું હોય?
(યુધિષ્ઠિરનો યક્ષને, તેના પ્રશ્નનો જવાબ)
•
જિતની માયા જગત પે, ઈતની હરિ પે હોય,
ચલા જાય બૈકુંઠમેં, પલ્લા ન પકડે કોય.
•
મૌક્તિકમ્
કાર્ય એવી રીતે કરો કે તમે સો વર્ષ જીવવાના હો. પ્રાર્થના એવી રીતે કરો કે તમે આવતીકાલે મૃત્યુ પામવાના હો.
- સેમ્યુઅલ જ્હોન્સન
•
પ્રેમ અને મૃત્યુ આપણને અપાયેલી બે મહાન ભેટો છે, પણ મોટા ભાગે તો એનું કવર ખોલ્યા વિના જ આપણે એને જતી કરીએ છીએ.
- રેઈનર મારિયા રિલ્કે
જગતનું મોટું આશ્ચર્ય?
પાંડવો બાર વર્ષનો વનવાસ ભોગવતા હતા. સૌ ભાઈઓ બેઠા હતા. એવામાં એક બ્રાહ્મણ દોડતો આવ્યો અને એક મોટો કાળિયાર હોમના અગ્નિ માટે રાખેલી સામગ્રીને લઈને નાસી ગયો છે, તેનાથી રક્ષા કરવા વિનંતી કરી. યુધિષ્ઠિરે અર્જુન સામે નજર કરી, તે તરત જ ધનુષબાણ લઈ કાળિયાર પાછળ ચાલી નીકળ્યો.
ધાર્યા કરતા વધારે સમય જવાથી ચિંતા થઈ, એટલે યુધિષ્ઠિરે ભીમસેનને મોકલ્યો. તેને પણ વાર લાગી એટલે સહદેવને અને પછીથી નકુલને મોકલ્યા. એ પણ પાછા ન આવ્યા એટલે ધર્મરાજ ખુદ ગયા.
ચાલતાં ચાલતાં દૂર એક વિશાળ વડલાનું ઝાડ જોયું. માથે સૂર્ય તપી રહ્યો હતો. ખૂબ તરસ લાગી હતી. ઝાડ પાસે જ સુંદર સરોવર હતું. યુધિષ્ઠિર સરોવર કાંઠે આવ્યા તો પોતાના ચારે ભાઈઓને મૂર્છિત થઈને પડેલા જોયા. અને આવું કારમું દૃશ્ય જોઈને પોતે પણ ધરતી પર બેભાન થઈને ઢળી પડ્યા.
ઠંડા ફૂલોની સુગંધથી લહેરાતા પવનને લીધે થોડી વારે તે ભાનમાં આવ્યા. તેઓ થોડા સ્વસ્થ બની ભાઈઓ પાસે ગયા અને પુનઃ શોકથી રુદન કરવા લાગ્યા. ‘હે ભાઈઓ, તમારી આ દશા કેમ થઈ? મને છોડીને તમે બધા આમ અચાનક કેમ ચાલ્યા ગયા?’
અત્યંત દુઃખપૂર્ણ વિલાપ કરતા યુધિષ્ઠિરને ભાઈઓના મૃત્યુનું કારણ આ જળાશયનું પાણી જ લાગ્યું. પોતે એ પાણી પીને જીવનનો અંત આણવા ખોબો ભર્યો અને જેવા પાણી પીવા જાય છે તેવો જ કોઈ અદૃશ્ય અવાજ આવ્યોઃ ‘હે રાજા! મારા પ્રશ્નના ઉત્તર આપ્યા સિવાય પાણી ન પીતો. તારા ભાઈઓએ મારા પ્રશ્નનો ઉત્તર ન આપતાં મારી અવગણના કરી અને તેમની આ દશા થઈ છે. એટલા માટે હું જે પ્રશ્નો પૂછું તેના મને સંતોષકારક ઉત્તર આપ્યા પછી તું પાણી પીજે, નહીંતર તારી પણ તારા ભાઈઓ જેવી જ દશા થશે.’
યુધિષ્ઠિરે અદૃષ્ટ રહેલા યક્ષની આકાશવાણી સાંભળી અને શાંતિથી કહ્યુંઃ ‘આપ જે કંઈ પૂછશો તેના ઉત્તર યથાશક્તિ આપવા પ્રયત્ન કરીશ.’
યક્ષે ગંભીર અવાજે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. યક્ષે બધા પ્રશ્નોના સમાધાનકારી ઉત્તર સાંભળ્યા પછી આખરી પ્રશ્ન પૂછ્યો. તેમાં પૂછ્યુંઃ ‘આ જગતમાં સૌથી આશ્ચર્યકારક ઘટના કઈ છે!’
યુધિષ્ઠિર કહેઃ ‘હે યક્ષ, આપણે દરેક ક્ષણે આપણી આસપાસ માનવીઓને મૃત્યુ પામતા જોઈએ છીએ છતાં પણ જીવિત વ્યક્તિ માને છે કે તેઓ કદી મૃત્યુ નહીં જ પામે તેનાથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે?’
(યક્ષ અને યુધિષ્ઠિરમાંથી)
•
વાચક મિત્રો, હું અગાઉ આપેલો વાયદો પૂરો કરવા આવતા સપ્તાહે મૃત્યુ વિશે, અને તેમાં પણ સવિશેષ ઐચ્છિક મૃત્યુ અંગે મારા વિચારો
સાદર કરવાનો છું. તેની પૂર્વતૈયારીની કલમ-પ્રસાદી પૂર્વે આ આચમન સ્વીકારશો તેવી અભ્યર્થના સાથે વીરમું છું. (ક્રમશઃ)