શ્રી સરદાર પટેલની ૧૪૦મી જન્મજયંતી નિમિત્તે મોદીજી પ્રેરિત 'રન ફોર યુનિટી' માત્ર ઉત્સાહ અને ઉમંગથી ભરેલો કાર્યક્રમ માત્ર ન હતો. ભારતમાં અલગ અલગ નાતજાત હોવા છતાં, ભારત એક છે એમ સૂચવતા અને હૃદયમાં સોંસરવા ઉતરી જાય તેવી 'ભાષા અનેક ભાવ એક, રાજ્ય અનેક દેશ એક, પંથ અનેક લક્ષ્ય એક, બોલી અનેક સ્વર એક, રંગ અનેક સંસ્કાર એક, કાર્ય અનેક સંકલ્પ એક, રાહ અનેક મંઝીલ એક, ચહેરા અનેક મુસ્કાન એક' સુત્રોચ્ચારો કરીને મોદીજીએ યાત્રામાં કદમ માંડતા સૌમાં એક અનેરું જોમ પેદા કર્યું હતું. સૌએ ભારતનો ત્રિરંગી ઝંડો લહેરાવતા સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને ભવ્ય અંજલી અર્પણ કરી. લોકોએ પણ હર્ષભેર તાળીઓના ગડગડાટથી મોદીજીને વધાવી લીધા અને મોટેથી 'મોદી.. મોદી'ના નારાથી વાતાવરણ ગજવી નાખ્યું.
આજ દિવસે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથી હતી. તેમણે પણ ભારતની એકતા માટે ફરજ નિભાવતા પોતાની જાનની કુરબાની આપી. પણ અફસોસની વાત એ છે કે ભાજપ સરકારે તેમને ઘટતું માનપાન આપ્યું નહિ. ભારતનું સુકાન લગભગ ૬૦ વર્ષ સુધી કોંગ્રેસ હસ્તક રહ્યું છે અને ભારતની એકતા માટે તેમનો ફાળો બહુ મહત્વનો છે.
- નિરંજન વસંત, વેસ્ટ નોરવુડ
આતંકી બગદાદી હણાયો?
આતંકવાદીઅોના શહેનશાહ જેવા બિન લાદેનનું માથું ભાંગે એવો આતંકી બગદાદી અમેરિકી વિમાનોએ કરેલા બોમ્બીંગમાં હણાયો હોવાના સમાચાર મળ્યા. ખૂબજ ભયંકર અને ક્રુર આતંકવાદી અબુ બકર અલ બગદાદી પોતાનો ચહેરો હંમેશા છુપાવતો અને નજીકના સાથીઓને સૂચનાઓ આપે ત્યારે પણ મોઢા ઉપર માસ્ક રાખતો. તેને જીવતો કે મરેલો પકડી પાડવા માટે અમેરિકાએ દશ કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું.
'ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયા' ISISના વડા બગદાદીએ બિન લાદેનના 'અલ કાયદા'ને પણ આંટી જાય તેવી ખૂંખાર ત્રાસવાદી પ્રવૃત્તિને કારણે જગત આખું માથે લીધું છે. 'બગદાદી' તેનું અસલી નામ છે કે નકલી તેની પણ કોઈને ખબર નથી.
તેલના ઉત્પાદનમાં દુનિયામાં બીજા નંબરના દેશ ઇરાક અને પડોશી સિરીયા તેમજ અન્ય દેશો પર કબ્જો જમાવી 'ખિલાફત' રાજ્ય ઉભુ કરી તેને બેતાજ બાદશાહ બનવું હતું. આ સ્વપ્નને હકિકતમાં બદલવા અત્યાર સુધીમાં બેહિસાબ નાગરિકો મરાયા છે. ઇરાકની સરકાર અનાથ જેવી થઈ ગઈ છે. અમેરિકા મૂંઝવણમાં છે. આપણો મોટાભાગનો ખનીજ તેલનો પુરવઠો ઇરાકથી આવતો હોવાથી ભારતની હાલત પણ કફોડી છે.
- જગદીશ ગણાત્રા, વેલિંગબરો
જેનો જન્મ છે એનું મૃત્યુ છે
જેનો જન્મ છે એનું મૃત્યુ છે જ છતાં પણ દર પાંચમાંથી ચાર વ્યક્તિઓ મૃત્યુ વિશે વાત કરવાનું ટાળે છે. 'ધ ડાઇંગ બેટર કન્ેક્શન' નામની સંસ્થના ૨,૦૫૫ વ્યક્તિઓના સર્વેક્ષણમાં જણાયા મુજબ માણસો મૃત્યુ વિશે વાત કરતા ખૂબ ડરે છે. સ્વજનના મૃત્યુ પછી ત્રીજા ભાગના કુટુંબો પૈસા અને માલમિલ્કત માટે ઝઘડા કરે છે જ્યારે ૬૭ ટકા પુખ્તવયની વ્યક્તિઓનું વસિયતનામું હોતું નથી.
અગ્રણી ડોક્ટર શ્રી મયૂર લાખાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'મૃત્યુ વિશે ચર્ચા કરવી સહેલી નથી પરંતુ જો આ બાબતે ચર્ચા નહીં કરીએ તો કદાચ તમને મૃત્યુ સમયે અપેક્ષિત સંભાળ અને ટેકો જોઈએ છે તે નહીં મળે. વ્યક્તિ મૃત્યુ એક જ વખત પામે છે એટલે એ જરૂરી છે કે જ્યારે સમય હાથમાં છે ત્યારે તમારી ઈચ્છાઓ પરિવારને જણાવો.'
- મુકુંદ આર. સામાણી, લેસ્ટર
આ દેશમાં પણ કન્યાઅોની ભૃણ હત્યા
અત્યાર સુધી આપણા ભારત દેશમાં કન્યાઅોની ભૃણ હત્યાના સમાચારો વાંચ્યા હતા પરંતુ ઘણાં દુ:ખ સાથે કહેવું પડે છે કે આપણે જેને છેલ્લા સો વર્ષથી પશ્ચિમનો સુધારાવાદી અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો દેશ કહીએ છીએ તે બ્રિટનમાં પણ આપણા એશિયન અને ભારતીય સમુદાયના લોકો ગર્ભમાંનું બાળક દિકરી છે તે જાણતા જ તેની ગર્ભમાં જ હત્યા કરાવી દે છે. આ તે ક્યાંનો ન્યાય? દિકરીએ તમારું શું બગાડ્યું છે કે તેને જન્મ લેતા પહેલા જ મારી નાંખો છો?
તાજેતરમાં જ સાઉથ યોર્કશાયરના ડો. પ્રભા શિવરામન નામના ભારતીય મૂળના ડોક્ટર બહેનને ક્રિમિકલ કોર્ટમાં હાજર થવા ફરમાન કરાયું. બે ડોક્ટર પૈકીના એક આ બહેન સામે આરોપ છે કે તેમણે એક મહિલાના ગર્ભમાં દિકરી છે તેમ જણાતા ગર્ભપાત કરાવવા તૈયારી આદરી હતી. ટેલિગ્રાફ દૈનિકની તપાસમાં આ બહાર આવ્યું હતું. આ તો તપાસમાં બહાર આવેલ વિગત છે. આવા તો કઇં કેટલાય બનાવ બનતા હશે. શા માટે માસુમ દિકરીનો જીવ લેવાામાં આવે છે? ભારત હોય કે બ્રિટન દિકરીઅો ભારે પડતી હોય તો પછી પત્ની, મા, બહેન ક્યાંથી લાવશો? સંસારનું ચક્ર કઇ રીતે આગળ વધશે? આવા મા-બાપ અને તેમને મદદ કરતા સૌ કોઇને કડકમાં કડક સજા કરવી જોઇએ. સરકારે પણ મક્કમ થઇને આવા કેસોને ડામવા સખત કાયદો લાવવો જોઇએ.
- રશ્મિકાંત પટેલ, હેરો
નોંધ: વાચક મિત્રો, ગર્ભમાં ઉછરતું બાળક દિકરી છે તેવું જાણવા મળતા જ તે કન્યાના ભૃણની હત્યા કરતા માતા પિતાને તમે શું કહેશો? શું તમે માનો છો કે આ ભૃણ હત્યા વ્યાજબી છે? શું આવા માતા-પિતા કે તેમને મદદ કરનાર સજાને પાત્ર નથી? આપના અભિપ્રાયો અમે 'ચર્ચાના ચોતરે' વિભાગમાં પ્રસિધ્ધ કરીશું અને જનમત જગાવી આવી ભૃણહત્યાને ને આજે જ લખી જણાવો. - ન્યુઝ એડિટર
ડફોળ નાગરિકો?
તાજેતરમાં હું એચએસબીસી બેન્કમાં પૈસા ઉપાડવા ગયો હતો. મેં આશ્ચર્ય સાથે ત્યાં જોયું કે એક ઉંચા ટેબલ પર એક્રેલીકના બોર્ડ પર બેન્કમાં નાણાં ભરવા માટેની 'પેઇંગ-ઇન સ્લીપ' કઇ રીતે ભરવી તે શિખવવામાં આવ્યું હતું. તે બોર્ડ પર સૂચના લખી હતી કે 'બેન્ક એકાઉન્ટ નંબર, રોકડ કે ચેકની રકમ, ખાતેદારનું નામ વગેરે માહિતી ક્યાં અને કયા ખાનામાં લખવી.
મને આ સૂચના જોઇને ખૂબ જ આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો કે બ્રિટન આટલો વિકસીત દેશ હોવા છતાં પ્રતિષ્ઠીત ગણાતી બેન્કે પણ પોતાના ત્યાં આવતા ગ્રાહકોને આવી રીતે 'પેઇંગ-ઇન સ્લીપ' ભરતા શિખવવું પડે છે? અમે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે શિક્ષક દ્વારા બેન્કમાં કઇ રીતે પૈસા ભરવા અને ઉપાડવા તે શિખવાયું હતું. ઘણાં મા-બાપ પણ પોતાના બાળકોને શિખવતા. આજ રીતે શાળામાં મિત્રને પોસ્ટ કાર્ડ લખવાનું શિખવાતું હતું.
પરંતુ આજે જમાનો બદલાયો છે. કેટલા બાળકો પોતાનું બેન્કીંગ કરે છે? કેટલા બાળકો પત્રો લખે છે. અને જો તમે આજના ટીનએજરો બોલવામાં અને લખવામાં જે ભાષા અને અડધા શબ્દો વાપરે છે તે જુઅો તો માથુ શરમથી ઝુકી જ જાય.
- રમેશ શાહ, વેમ્બલી