અખબારી અહેવાલ મુજબ, કંપનીએ છ અબજના વળતરનો દાવો દાખલ કરતાં બેંક બચાવની સ્થિતિમાં આવી ગઇ હોવાનું માધ્યમોએ જણાવ્યું હતું. આગાખાન ગ્રૂપના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય દૈનિક ડેઇલી મોનિટરે ટાંકેલા ખાસ કોર્ટના આંકડા મુજબ ૫ અબજ ૮૮ કરોડ સિલિંગના નુકસાન અને પ્રતિવર્ષ ૨૪ ટકા પ્રમાણે વ્યાજનો દાવો વિવિધ આક્ષેપો સાથે કરાયો છે.
બેંક તથા લોન લેનાર કંપની વચ્ચે આચરાયેલી ઠગાઇમાં કચ્છી કંપનીઓના તે વખતના મેનેજિંગ ડાયરેકટર અનિકેત પટેલ (દક્ષિણ ગુજરાત)નું નામ પણ બહાર આવ્યું છે. તેમણે બેંકના સિનિયર અધિકારીઓ સાથે મળી કંપની અને બેંકે નક્કી કરેલા કરાર મર્યાદાથી અનેકગણી વધુ રકમ કંપનીના નામે ગેરકાયદે ઉપાડી લીધી હતી. બાદમાં બેંકે લોન ભરપાઇ કરવા નોટિસ આપતાં કાનૂની જંગ છેડાયો છે. આ સંબંધે ફરિયાદી ગોપાલભાઇએ સમાચારોને પુષ્ટિ આપી હતી અને ગુજરાતની બેંક હોવાથી અંતે વિશ્વાસ કર્યો પણ કમ્પાલા શાખાના ભારતીય અધિકારીઓએ વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.