અત્યંત સુંદર કલાત્મક વળાંકવાળી અને નકશીકામ કરેલી હોય એવી બરોક પ્રિન્ટ આધુનિક યુવતીઓના પરિધાનમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. બરોક પ્રિન્ટની કુર્તી, ટ્યુનિક્સ, ડ્રેસ, ફ્રોક, વનપીસ, સ્ટ્રેપી કુર્તી, લેગિંગ્સ વગેરે આજની યુવતીઓની અવ્વલ પસંદગી છે. આ પ્રિન્ટ માટે કોટનથી લઈને સિલ્ક, સાટિન, લિનન, જ્યોર્જટ વગેરેનો ઉપયોગ થાય છે. આધુનિક યુવતીઓ આ બરોક પ્રિન્ટના પોશાકમાં કલર કોમ્બિનેશન પણ અવનવા શોધી કાઢે છે. બ્લેકમાં ગોલ્ડન અથવા યલો, વ્હાઇટમાં રેડ અને બ્લ્યૂ, પર્પલમાં સેલ્ફ બરોક-પ્રિન્ટ, વ્હાઇટ સાથે બ્લેક અને આ બધાં કલર કોમ્બિનેશન સાથે મલ્ટિકલર બરોક પ્રિન્ટ તો યુવતીઓને ખાસ પસંદ પડે છે. ક્યારેક વ્હાઇટમાં ગોલ્ડન, સિલ્વર, બ્લેક અને એશ કલરનું કોમ્બિનેશન પણ સરસ લાગે છે.
સુંદર મજાની કોતરણી કરી હોય એવી પ્રાચીન દિવાલો આપણે જોઈએ અને મંત્રમુગ્ધ થઈ જઈએ એવું જ આ બરોક પ્રિન્ટના ડ્રેસીસ જોઈને થાય છે. એક-એકથી ચડિયાતી સુંદર મજાની ડિઝાઇન, અદભુત કલર કોમ્બિનેશન અને મનગમતું મટિરિયલ હોય એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ નવયૌવનાને આવો ડ્રેસ ગમવાનો જ. આવી સુંદર બરોક પ્રિન્ટની કુર્તી કે ડ્રેસ પહેરી શકો છો અને તમે ઇચ્છો તો ઓફિસમાં પણ બરોક પ્રિન્ટના પરિધાન ધારણ કરી શકો છો. બરોક પ્રિન્ટ ધરાવતાં લેગિંગ્સ પણ અત્યંત સુંદર લાગે છે. તેની સાથે કોન્ટ્રાસ્ટ મેચિંગ ધરાવતાં ટી-શર્ટ અથવા ક્રોપ ટોપ કે શોર્ટ કુર્તી પ્લેન અથવા પ્રિન્ટેડ અત્યંત શોભે છે. આવી મનમોહક બરોક પ્રિન્ટ ધરાવતી એકાદ કુર્તી તમે પણ તૈયાર લઈ આવો અથવા તો તમને ગમતી બરોક પ્રિન્ટની કુર્તી ડિઝાઇનર પાસે તૈયાર કરાવડાવો અને જૂઓ, ગ્રૂપમાં તમારો કેવો વટ પડે છે!

