શ્રીયેનને અની કરતા ગે વેબસાઈટ વધુ વહાલી
અનીનો મૃતદેહ હાથ લાગ્યાના બીજા દિવસે શ્રીયેન દેવાણી ગે વેબસાઈટ્સ સર્ફિંગ કરતો હતો. કોર્ટના દસ્તાવેજો અનુસાર દેવાણી તેની પત્ની અની સાથે જોહાનિસબર્ગથી કેપ ટાઉન હનીમૂન પર જવા માટે વિમાનની રાહ જોઈ રહ્યો હતો ત્યારે હોમોસેક્સ્યુઅલ ડેટિંગ વેબસાઈટ્સ તપાસતો હતો. અનીની હત્યા પછી મૃતદેહ હાથ લાગ્યો ત્યારે પણ તે સમલિંગી અને અંધશ્રદ્ધાળુ વેબસાઈટ્સ નિહાળતો હતો. હત્યા પછી લોકપ્રિય ગે ડેટિંગ વેબસાઈટGaydarપર લાંબા સમય સુધી લોગિંગ કર્યું હતું. અનીના મૃતદેહ સાથે યુકે પાછા ફરવાના થોડાં કલાકો પહેલા પણ તે કટ્ટર અંધશ્રદ્ધાળુ વેબસાઈટ Recon અને Gaydarપર લોગ ઓન થયાંનું કોમ્પ્યુટર પર જણાયું હતું. પત્નીની અંતિમવિધિના દિવસે તેણે Gaydarનું છ વર્ષનું લવાજમ રદ કરાવ્યું હતું. અનીના અપહરણ અને હત્યા સંબંધિત ટ્રાયલના ભાગરૂપે દેવાણીની કબૂલાતોના દસ્તાવેજોના સમૂહમાં આ બાબતો જાહેર થઈ છે. ટ્રાયલના આરંભે નિવેદનમાં દેવાણીએ કહ્યું હતું કે તેની પત્નીનો મૃતદેહ મળી આવ્યાની જાણ કરાયા પછી રવિવારે સવારે તેણે પૂજારી સાથે વાતચીત કરવા હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી.
શ્રીયેને અનીના પ્રેમભર્યા પ્રસ્તાવો ઠુકરાવ્યા
અની દેવાણીની પિતરાઈ બહેન સ્નેહા હિન્ડોચા (મશરુ)એ સાઉથ આફ્રિકન વેબસાઈટ iol.co.zaપર લીક થયેલા કથિત નિવેદન અનુસાર જણાવ્યું હતું કે દેવાણીએ બે વખત અનીના સેક્સ પ્રસ્તાવો ઠુકરાવી દીધાં હતાં. લગ્ન પહેલા અનીના સ્ટોકહોમ ફ્લેટમાં તેમ જ સ્ટોકહોમ હિલ્ટનના સ્યૂટમાં બંને રોકાયા હતા, ત્યારે શ્રીયેને અનીનાં સેક્સ પ્રસ્તાવોને ધુતકારી કાઢ્યાં હતાં. અમીને ક્ષોભ અને પીડા થઈ હતી અને અમને બન્ને તે વિચિત્ર લાગ્યું હતું. શ્રીયેન કુંવારો હશે અને તે લગ્ન પહેલા આવો સંબંધ બાંધવા નહિ ઈચ્છતો હોય, તેમ સ્નેહાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
સહઆરોપી ક્વાબેએ જૂબાનીમાં કહ્યું...
બુધવાર, 8 ઓક્ટોબરે શ્રીયેનનો આમનોસામનો અનીની હત્યામાં ભૂમિકા ભજવનારા ક્વાબે સાથે ૧૩ નવેમ્બર, ૨૦૧૦ પછી પ્રથમ વખત થયો હતો. ક્વાબે અને ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગોને દેવાણી વિરુદ્ધ પૂરાવા આપવાની શરતે ઓછી સજા થઈ છે. ક્વાબેએ જૂબાનીમાં કહ્યું હતું કે, તેને ટોન્ગો તરફથી ફોન આવ્યો હતો. ‘તેણે કહ્યું હતું કે કોઈને કોઈની હત્યા કરાવવી છે અને આ માટે શું કિંમત થશે. મારા આરોપી સાથી ઝોલિલે મ્નજેનીએ ૧૫,૦૦૦ (૧,૩૦૦ પાઉન્ડ) રેન્ડમાં આ કામ કરવા જણાવ્યું હતું.’ આ ત્રણ વ્યક્તિ બીજા દિવસે મળ્યા ત્યારે, ‘ટોન્ગોએ કહ્યું કે એક પતિ તેની પત્નીની હત્યા કરાવવા માગે છે અને તે અપહરણ જેવું લાગવું જોઈએ. પત્નીની હત્યા થાય, પરંતુ પતિ અથવા ટોન્ગોને કશું થવું ન જોઈએ.’
હત્યા ક્યાં, કેવી રીતે કરવાની સૂચના ન હતી
અની દેવાણીની હત્યા માટે સજા કરાયેલા મ્ઝિવામાડોડા ક્વાબેએ બચાવ પક્ષની ઉલટતપાસમાં કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, હુમલો કરવા માટે દેવાણીના ટુર ગાઈડ ડ્રાઈવર ઝોલા ટોન્ગો દ્વારા તેને અને તેના સાથીને ૧,૩૦૦ પાઉન્ડનું વચન અપાયું હતું. જોકે, હત્યા ક્યારે અને કેવી રીતે કરવી તેની કોઈ સૂચના અપાઈ ન હતી. ક્વાબેએ જણાવ્યું હતું કે કાર આવી ત્યારે તે અને મ્નજેની સામે ધસી અંદર બળપૂર્વક ઘૂસી ગયા હતા, મ્નજેનીના હાથમાં હેન્ડગન હતી. તેણે નવદંપતીને ચૂપ રહેવા ધમકી આપી હતી. પહેલા ડ્રાઈવર ટોન્ગોને અને પછી દેવાણીને કારની બહાર ધકેલી દીધા હતા. ટોન્ગોએ પાછળની સીટ પર નાણા છુપાવ્યાની માહિતી આપી હતી. આ પછી, મ્નજેનીએ જીવલેણ ગોળીબાર કર્યો હતો. અની દેવાણીના મૃતદેહ સાથે કારને છોડી દેતાં પહેલા તેમણે વપરાયેલી બૂલેટનું કેસિંગ શોધી લીધું હતું. પ્રોસીક્યુટર એડ્રીઆન મોપે કરેલા પ્રશ્ન ‘તેણી જીવતી હતી કે મૃત તે તમે જોયું હતું? ના ઉત્તરમાં ક્વાબેએ જણાવ્યું હતું કે, ‘મેં ખાસ ધ્યાન આપ્યું ન હતું.’ ક્વાબેનો પ્રતિભાવ ધ્યાનથી સાંભળવા હિન્ડોચા પરિવાર બેઠકો પર આગળ આવી ગયો હતો.
મિડલમેનને હત્યાના પ્લોટની જાણ હતી
અની દેવાણીની હત્યાને અંજામ આપવાનો હવાલો ધરાવતી વ્યક્ત સાથે હત્યારાઓનો પરિચય કરાવનાર મિડલમેન મોન્ડે બોલોમ્બોને હત્યાના પ્લોટની જાણકારી હતી. ટેક્સી ડ્રાઈવર ટોન્ગોના કહેવાથી બોલોમ્બોએ હત્યારાઓને રીક્રૂટ કર્યા હતા. ડિફેન્સ એડવોકેટ વાન ઝીલે રજૂઆત કરી હતી કે બોલોમ્બો કાવતરું ઘડવામાં સામેલ હતો. હત્યારા ઝોલિલે મ્નજેનીની ટ્રાયલમાં જૂબાની આપવાના બદલે બોલોમ્બોને માફી અપાઈ છે. જો આ હત્યામાં તેની સંડોવણી પૂરવાર થાય તો માફી રદ થઈ શકે છે.

