પાકિસ્તાનને તેની જ ‘ભાષા’માં સમજાવો

Saturday 06th December 2014 05:36 EST
 

પાકિસ્તાન હંમેશા પીઠ પાછળ ઘા કરતું રહ્યું છે અને ભારત હંમેશા મોટું મન રાખીને તેની અવળચંડાઇ માફ કરતું રહ્યું છે. જેમ કે, દેશના સ્વાતંત્ર્ય વેળા કાશ્મીરના મહારાજા હરિ સિંહે ભારત સાથે જોડાવાનો નિર્ણય કર્યો ત્યારે જ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ ભારતનો હિસ્સો બની ગયો હતો. તે વેળા પાકિસ્તાને છેડેલા જંગમાં ભારત જીતી ગયું હતું. (જોકે તે વેળા યુએનમાં લોકમતની વાત મૂકાઇ ગઇ અને કાશ્મીરની ધરતી પર લાઇન ઓફ કન્ટ્રોલ અસ્તિત્વમાં આવી.) આ પછી ૧૯૬૫માં પણ ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘણા મહત્વના લશ્કરી મથકો કબ્જે કરી લીધા હતાં, પણ પછી એ બધો હિસ્સો તેને પાછો સોંપી દીધો હતો. ૧૯૭૧માં સિમલા કરાર વેળા પણ આવું જ થયું. ધારો કે, ૧૯૪૭, ૧૯૬૫ કે ૧૯૭૧માં ભારતે લશ્કરી જંગમાં જીતેલો પ્રદેશ પાકિસ્તાનને પાછો જ ન આપ્યો હોત તો? પણ ભારતે આવી દુષ્ટતા કરી નથી. અને આ જ ઉદારતાને પાકિસ્તાન કદાચ ભારતની નબળાઇ માની રહ્યું હોય તેમ લાગે છે.
જો આવું ન હોત તો પાકિસ્તાન ખુલ્લેઆમ આતંકવાદી સંગઠનોને આશરો પણ ન આપતું હોત, અને સરહદી ક્ષેત્રમાં યુદ્ધવિરામનો ભંગ કરતા રહીને આ આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં પણ ન રહેતું હોત. ભારત તરફથી કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાન સરહદે અંધાધૂંધ ગોળીબાર અને રોકેટમારો કરીને યુદ્ધવિરામનો ભંગ કરે છે અને પછી તે યુએનમાં મગરના આંસુ સારે છે કે ભારતે સરહદે યુદ્ધ જેવો માહોલ સર્જી રહ્યું છે. પાકિસ્તાન પણ જાણે છે કે યુએનમાં કાગારોળ કરવાથી કંઇ કાશ્મીર સમસ્યા ઉકેલાઇ જવાની નથી, પરંતુ આવું કરીને તે જગતચૌટે કાશ્મીર મુદ્દો ગાજતો રાખવા માગે છે. એક તરફ તે ગોળીબાર-રોકેટમારા કરીને આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવા સક્રિય છે તો બીજી તરફ, તે રાજદ્વારી મોરચે ભારત પર વ્યૂહાત્મક દબાણ ઊભું કરવા પ્રયત્નશીલ છે.
ખરેખર તો બંને દેશના છ દસકા જૂના ઇતિહાસને તપાસવામાં આવશે તો પાકિસ્તાનના આ લુચ્ચા શિયાળ જેવા વર્તનને પોષવા માટે ભારતની ઉદારતા પણ ઓછી જવાબદાર નથી. પાકિસ્તાન કાયમ તેની મરજીમાં આવે તે રીતે ભારતને કનડતું રહ્યું છે, સરહદી ક્ષેત્રમાં વસતાં ભારતીયોની જિંદગીમાં ઝેર ઘોળતું રહ્યું છે, લોકોને નિરાધાર કરતું રહ્યું છે અને નિર્દોષોના જીવ લેતું રહ્યું છે, આમ છતાં પણ ભારત ઉદારવાદી બનીને - ધરાર તેના મોટા ભાઇ બનીને - તેના વર્તન અંગે આંખ આડા કાન કરતું રહ્યું છે. આજે ભારતને હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે એમ કહીએ તો ખોટું નથી. પાકિસ્તાન છાશવારે કાશ્મીર ક્ષેત્રમાં યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. આનો ઉકેલ કે ઉપાય યુદ્ધ તો નથી જ નથી, અને આ વિકલ્પ આમ ભારતીય કે વિરોધ પક્ષ વિચારે છે એટલો સહજ કે સરળ પણ નથી. જોકે આનો અર્થ એવો પણ નથી કે ભારતે હાથ જોડીને બેસી રહેવું જોઇએ. ભારતે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઇને આકરાં લશ્કરી પગલાં લેવાની જરૂર છે. પાકિસ્તાન જેવા અવળચંડા પડોશીને તો ઇંટનો જવાબ પથ્થરથી જ હોય શકે. પાકિસ્તાનના આ વેળાના અટકચાળા વખતે ભારત સરકાર અને ભારતીય સેનાએ જે આક્રમક વલણ અપનાવ્યું છે તે જ સખ્તાઇભરી નીતિ ભારત સરકાર અમલી રાખશે તો પાકિસ્તાન યુદ્ધ કર્યા વિના જ તેની અવળચંડાઇ ભૂલી જશે તેમાં બેમત નથી.


    comments powered by Disqus