એક બ્રિટિશ માર્કેટ રિસર્ચ ફર્મ દ્વારા હાથ ધરાયેલા ઇન્ટરનેટ આધારિત સર્વેમાં ફક્ત ૩૩ ટકા લોકો જ તેમના જીવનસાથી સમક્ષ શબ્દો દ્વારા પ્રેમ પ્રદર્શિત કરે છે. માત્ર ૧૧ ટકા લોકો ૧૦ વર્ષનાં લગ્નજીવન બાદ પણ જીવનસાથી પ્રત્યેના પોતાના પ્રેમને તરોતાજા માને છે જ્યારે દર પાંચમાંથી એક વ્યક્તિ એમ કહે છે કે આટલાં બધાં વર્ષ એકબીજા સાથે ગાળ્યાં બાદ હવે પ્રેમ પ્રદર્શિત કરવાનો સમય પૂરો થઇ ગયો છે. સર્વે અનુસાર, લગ્નજીવન જેટલું લાંબું હોય છે તેટલા સંબંધો વધુને વધુ વ્યવહારુ બનતા જાય છે, તેમાં પછી ઉછાંછળાપણાને કોઇ સ્થાન હોતું નથી. સંશોધકો કહે છે કે જેમ જેમ લગ્નજીવનનાં વર્ષો લંબાતાં જાય છે તેમ તેમ પ્રેમ અને આકર્ષણ ઘટતા જાય છે. જોકે એક સારા સમાચાર પણ છે, બેથી પાંચ વર્ષનું લગ્નજીવન ધરાવતાં લોકોમાંથી ૫૦ ટકા દરરોજ તેમના જીવનસાથી સમક્ષ શબ્દો દ્વારા પ્રેમની લાગણી વ્યક્ત કરે છે. સર્વેનું તારણ દર્શાવે છે કે નિવૃત્ત જીવન જીવતાં ૨૦ ટકા દંપતી માટે નિવૃત્તિનાં વર્ષો સમગ્ર લગ્નજીવનમાં શ્રેષ્ઠ હોય છે.