આપણી હિન્દી ફિલ્મો જો તમે જોતા હો તો તમને ખ્યાલ આવશે કે એનાં વિલોનાના ચોક્કસ આચાર-સંહિતાના નિયમો હોય છે! જુઓ...
વિલનોની આચારસંહિતા
હિંદી ફિલ્મના વિલને કેટલાંક વર્ષો જૂના તથા પરંપરાગત નિયમોનું પાલન કરવું પડતું હોય છે. આ નિયમોનો ભંગ કરનાર વિલન વિલન રહેતો નથી. તેને ન્યાત બહાર મૂકવામાં આવે છે. માટે વિલન બનનાર માણસો માટે એક ખાસ આચારસંહિતા ઘડી કાઢવામાં આવી છે. વિલનોએ પ્રતિજ્ઞા લેવી પડે છે કે....
(૧) હું માથે ટાલ રાખીશ, કાનમાં વાળના ગુચ્છા ઉગાડીશ, જો કાનમાં વાળના ગુચ્છા ન ઊગે તો ગુચ્છાની વિગ પહેરીશ! જો હું ટાલ નહીં રાખું તો લાંબા લાંબા વાળ રાખીશ, તેનો ચોટલો ગૂંથીશ. ચોટલાની મજબૂતી માટે મહાભૃંગરાજ તેલનું નિયમિત સેવન કરીશ.
(૨) ઓછામાં ઓછી છ ઈંચની મૂછો રાખીશ. તેને ફેવિકોલ વડે ચોંટાડી રાખીશ. અને ફેવિકોલની એક ટ્યુબ હંમેશા મારા ખિસ્સામાં રાખીશ, જેથી હીરો જોડે મારામારી કરતાં મૂછો ઊખડી જાય તો તાત્કાલિક ચોંટાડી શકાય.
(૩) મારા સંવાદોની લંબાઈ કરતાં મારા અટ્ટહાસ્યોની લંબાઈ વધારે હશે. સાવ ફાલતુ વાતમાં પણ હું ગાંડાની જેમ હસ્યા કરીશ. હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા!
હમણાં હું હસ્યો નહોતો, મેં સત્તર વખત હા પાડી છે!
(૪) મારી કમાણી કરોડો રૂપિયાની હોય છતાં પણ હું આખી ફિલ્મમાં એક જ જોડી કપડાં પહેરીને ફરીશ. એ કપડાં જ્યારે ધોબીને ત્યાં ધોવા માટે ગયાં હોય ત્યારે હું શું પહેરું છું તેની કોઈને ખબર નહીં પડવા દઉં.
(૫) દુનિયાભરની મા, બેટી અને બહેનો ઉપર બૂરી નજર ડાલવી એ મારું પ્રાથમિક કર્તવ્ય છે. આને માટે હું હંમેશા મારી સાથે ત્રણ જોડી ચશ્માં રાખીશ. એક, દૂરની નજરનાં, બીજાં, નજદીકની નજરનાં અને ત્રીજાં, બૂરી નજરનાં ચશ્માં! જરૂર પડશે તો હું બૂરી નજર ડાલનારા કોન્ટેક લેન્સ પણ પહેરીશ.
(૬) અપહરણ કરવાના ધંધામાં બિલ્ડરો, તથા ઉદ્યોગપતિઓના નબીરાઓનાં અપહરણ કરવામાં વધારે કમાણી હોવા છતાં હું હીરોની ગરીબ વિધવા માતાનું જ અપહરણ કરીશ.
(૭) નિશાળમાં આઠમા ધોરણના વિજ્ઞાનની પરીક્ષામાં ભલે મને ૧૮ જ માર્ક મળ્યા હોય, છતાં પણ હું જાત જાતનાં વૈજ્ઞાનિક શોધો કરીશ. જેમ કે લિક્વિડ ઓક્સિજન, ક્રિપ્ટન બોમ્બ, અદૃશ્ય થવાનું રસાયણ તથા રિમોટ કંટ્રોલ વડે હાલતીચાલતી મારી ક્લોન પ્રતિકૃતિ.
(૮) ફિલ્મના અંતે જ્યારે હું મારા ભૂગર્ભ અડ્ડાને બોમ્બ ધડાકાઓ વડે ઊડાવી મૂકવાનું બટન દબાવીશ ત્યારે આખી સિસ્ટમાં એવી સાવચેતી જરૂર રાખીશ જેનાથી હીરો-હીરોઈન તથા તેની વિધવા મમ્મીને અડ્ડાની બહાર ભાગી જવાનો પૂરતો
સમય મળે.
(૯) આટલી બધી મહાન વૈજ્ઞાનિક શોધો કરવા છતાં હું એક શોધ તો ક્યારેય નહીં કરું. હીરોનો વાળ વાંકો કરી શકે તેવા મશીનની શોધ!
(૧૦) મારા હાથ પર પહેરેલી સોનાની અંગૂઠી પ્રેક્ષકો ધ્યાનથી જોઈ શકે તે માટે હું સફેદ બિલાડી અથવા કાળું કૂતરું પાળીશ અને તેને પંપાળ્યા કરીશ. ભવિષ્યની ફિલ્મમાં વેરાઈટી ખાતર ડાયનોસોરનાં બચ્ચાં પાળીશ.
(૧૧) આખી ફિલ્મમાં ભલે મેં પોલીસ ઈન્સ્પેક્ટરોને પૈસા ખવડાવીને મારું ધાર્યું કરાવ્યું હોય, છતાં જ્યારે અઢારમાં રીલમાં હીરો મને ઝૂડવા લાગશે ત્યારે પ્રેક્ષકોને ખબર ન પડે તે રીતે મારા મોબાઈલ ફોન વડે ઈન્સ્પેક્ટરોને મેસેજ આપી દઈશ કે ‘હીરો મને મારી નાખે અને બધું પતી જાય પછી જ તમે પોલીસ પાર્ટી લઈને આવજો!’
બિનપરંપરાગત વિલનોની આચારસંહિતા
વિલનોની આટલી ભવ્ય પરંપરા હોવા છતાં કેટલીક હિંદી ફિલ્મોએ આ પરંપરા તોડી નાખી છે. દાખલા તરીકે ‘ડર’ અને ‘બાઝીગર’માં શાહરુખ ખાન વિલન જ છે છતાં તેને હીરો જેવો ભાવ આપવામાં આવ્યો હતો.
ન કરે નારાયણ, જો ભવિષ્યમાં આવા વિલનો હિંદી ફિલ્મોમાં આવવા લાગશે તો શું થશે? આવા બિનપરંપરાગત વિલનો માટે પણ એક નવી આચારસંહિતાની રચના કરવી પડશે! આવા શેખચલ્લીવેડા કરવાનો ચાન્સ મળે પછી અમે ઝાલ્યા નથી રહેતા, એટલે લો હાજર છે આ નવી આચારસંહિતા!
(૧) હું સામાન્ય માણસ જેવા કપડાં પહેરીશ, સામાન્ય માણસ જેવા વાળ ઓળીશ, સામાન્ય માણસની જેમ બોલીશ, સામાન્ય માણસની જેમ હસીશ અને છતાં મારા અવળચંડા વિલનવેડા નહીં છોડું. વિલનવેડા કરવા માટે હું સામાન્ય માણસના જીવનમાં આવનારા વિલનોમાંથી પ્રેરણા લઈશ.
(૨) હું ૧૨મા ધોરણનો પરીક્ષક બનીને હીરોને હેરાન કરીશ. તેને ગુજરાતીમાં પેપરમાં ૩૪ માર્ક આપીશ! પછી જ્યારે હીરોના પપ્પા ફેરતપાસની માગણી કરે ત્યારે તેને કુલ એક ડઝન ધક્કા ખવડાવીશ! અને છેવટે માત્ર એક જ માર્ક વધારી આપીશ.
(૩) હીરોની બહેનને બેભાન કરવા માટે ક્લોરોફોર્મને બદલે આધુનિક ગુજરાતી કવિતાઓનો ઉપયોગ કરીશ.
(૪) હીરો જ્યારે નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા આવે ત્યારે હું તેને જનરલ નોલેજના સવાલો પૂછીશ. જેમ કે, ‘ઈજિપ્તના પિરામિડોની સરેરાશ ઊંચાઈ કેટલી છે?’ ‘જર્મનીમાં હાલમાં વડા પ્રધાન તરીકે ચૂંટાયેલા નેતાના નામના સ્પેલિંગમાં કેટલી વખત E આવે છે?’
(૫) હીરો જ્યારે મારી દીકરીનો હાથ માગવા આવે ત્યારે હું તેને પૂછીશ કે ‘અમારા ઘરમાં બે ટાંકીઓ છે. એક મોટી ટાંકી અને એક નાની ટાંકી. મોટી ટાંકીના નળમાંથી નાની ટાંકીમાં પાણી પડે છે અને નાની ટાંકીના નળમાંથી ચોકડીમાં પાણી પડે છે. મોટી ટાંકીને પૂરેપૂરી ભરાતાં ૮ કલાકનો સમય લાગે છે જ્યારે નાની ટાંકીને ભરાતાં છ કલાકનો સમય લાગે છે. મોટી ટાંકીનો નળ ખોલતાં તે ટાંકી ૧૦ કલાકમાં ખાલી થાય છે જ્યારે નાની ટાંકીનો નળ ખોલતાં તે ટાંકી ૭ કલાકમાં ખાલી થાય છે. હવે જો બંને ટાંકીઓના બંને નળ ખુલ્લા હોય, બંને ટાંકી છલોછલ ભરેલી હોય અને મ્યુનિસિપાલિટીનું પાણી દિવસમાં ચાર કલાક માટે આવતું હોય તો આ બંને ટાંકીઓને ખાલી થતાં કેટલા દિવસ લાગે?’
(૬) હું બસનો કન્ડક્ટર બનીને હીરોને હેરાન કરીશ. તેને છુટ્ટા નહીં આપું. જો તે વધુ કચકચ કરશે તો ટિકીટ પાછળ લખી આપીને તેને ડેપોના ધક્કા ખવડાવીશ.
(૭) હું ટેલિફોન ખાતાનો કર્મચારી બનીને પ્રેમીપંખીડાઓને હેરાન કરીશ. એ લોકો જ્યારે લેન્ડલાઈન ફોન ઉપર ‘લો - કર - લો બાત વાળી અનલિમિટેડ’ ટોકટાઈમની સ્કીમમાં પ્રેમાલાપ કરતાં હોય ત્યારે થાંભલા પર ચડીને લાઈન રિપેર કરવાના બહાને તેમના ફોનમાં કાન ફાટી જાય એવા ઘોંઘાટો કરીશ.
(૮) હીરો અને હીરોઈન સ્વિત્ઝરલેન્ડમાં ગાયન ગાતાં હોય ત્યારે અધવચ્ચેથી ગાયન અટકાવીને હીરો પાસે ઈન્કમટેક્સનો પર્મનન્ટ એકાઉન્ટ નંબર માંગીશ.
(૯) આખી ફિલ્મ દરમિયાન હીરો-હીરોઈન કેટલી જોડી કપડાં બદલે છે તેનો હિસાબ રાખીશ. ફિલ્મના અંતે જ્યારે તેઓ એકબીજાને બાંહોમાં સમાવાની તૈયારીમાં હોય ત્યારે વચ્ચે ઘૂસ મારીને પૂછીશ કે ‘હીરોનાં ૧૪૫ જોડી કપડાં અને હીરોઈનના ૧૯૯ જોડી કપડાં સિવડાવવા માટે તમે કઈ બેન્કમાં ધાડ પાડી હતી?’
(૧૦) હું જંગલ ખાતાનો અધિકારી બનીને સલમાન ખાનની ધરપકડ કરીશ.
(૧૧) હું કબૂતરનો શિકાર કરીશ. ખાસ તો એ વખતે જ્યારે ‘કબૂતર જા....જા....જા....’ ગાયન ચાલતું હોય!
(૧૨) હું દરજી બનીને હીરોના પેન્ટની સિલાઈના ટાંકા કાચા રાખીશ. જેથી ગુંડાઓ સાથે લડતાં લડતાં તેનું પેન્ટ જ ફાટી જાય!
(૧૩) હું ડોક્ટર બનીશ. પછી હીરોઈનની વિધવા માતાનું ઓપરેશન કરતી વખતે તેના પેટમાં કાતર ભૂલી જઈશ!
(૧૪) હું પોલીસ કમિશનર બનીશ. પછી પોલીસ ઈન્સ્પેક્ટર બનેલા હીરોના લાંબા લાંબા વાળ કપાવી નાખીશ! ડ્યુટીના સમય દરમિયાન ધાબા પર ચડીને હીરોઈન સાથે ગાયન ગાવા બદલ તેની સામે શિસ્તભંગના પગલાં લઈશ.
(૧૫) હું હીરોની મમ્મીને એક-કા-તીનની બોગસ સ્કીમમાં તોતિંગ રકમ રોકવા માટે સમજાવી લઈશ.
(૧૬) હું સરકારી ઓફિસર બનીને હીરોઈનની બદલી ભુજમાં કરી નાખીશ અને હીરોની બદલી સાપુતારામાં કરી નાખીશ.
(૧૭) હું હીરોને ૪ રૂપિયા આપીને ૧ કિલો ડુંગળી ખરીદી લાવવાની ચેલેન્જ આપીશ.
(૧૮) મારામારી દરમિયાન હીરોએ તોડી નાખેલા વાસણો, છૂંદી નાખેલાં ટામેટાં, ભડકાવીને ભગાડી દીધેલી મરઘીઓ તથા ગેરકાયદેસર રીતે તોડી નાખેલી ગેરકાયદેસરની દીવાલોની નુકસાની માગીશ.
(૧૯) વિલનનો પીછો કરતી વખતે કરેલી કાર ચેઈઝ દરમિયાન જે જે વાહનોને નુકસાન થયું હોય તેમના વતી થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સના દાવા માંડીશ.
(૨૦) અને એક આખેઆખી ફિલ્મમાં ક્યાંય, કોઈ પણ જાતની અડચણ ઊભી નહીં કરું... જેથી છેવટે એ ફિલ્મ જ એટલી બોરિંગ બની જાય કે ફ્લોપ જાય!
(૨૧) છેલ્લાં ૧૦૦ વર્ષના ઈતિહાસમાં કોઈ વિલને કોઈ હીરોને નહીં આપી હોય એવી ચેલેન્જ આપીશ કે ‘આ પાંચ રૂપિયાની ફાટેલી નોટ પાંચ મિનિટમાં સાંધી આપે તો ખરો!’