સ્વચ્છ ભારત અભિયાન
મોદીજીનો જાદુ અમેરિકાની ધરતી ઉપર પણ છવાઈ ગયો. પ્રજા તરફથી જેટલો અદર - સત્કાર મોદીજીને મળ્યો તેટલો ભારતના કોઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને મળ્યો નથી. મોદીજીએ ન્યુયોર્ક મેડીસન સ્ક્વેર ગાર્ડનમાં ઉમટી પડેલા વીસ હજાર શ્રોતાઓને ભવ્ય પ્રવચન આપી સૌના હૃદય જીતી તેમના આગવી પ્રતિભાની પ્રતીતિ કરાવી. મોદીજીને ધન્યવાદ.
સ્વચ્છ ભારતની મોદીજીએ ઝુંબેશ ઉપાડી છે તે બહુ આવકારદાયક છે. ભારતમાં પ્રવર્તતી ગંદકી માટે આપણને સૌને અણગમો કે ત્રાસ છે. આપણી યુવાન પેઢી આ ગંદકીને લીધેજ કંઇક અંશે ભારત જવાનું ટાળે છે. કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે. ભારત સ્વચ્છ થશે તો લોકોના મનનું શુધ્ધીકરણ પણ થશે, સ્વાસ્થ્ય સુધરશે, રોગચાળો નાબુદ થશે અને બીજા અનેક લાભો થશે. ગરીબ દેશવાશીઓને કુદરતી હાજત માટે ખૂણે ખાંચરે જવું પડે છે ત્યારે લાગે કે મંદિરો કરતા શૌચાલયની અવશ્યક્તા વધારે છે.
મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મજયંતીના અવસરે તેમના ચરણોમાં 'સ્વચ્છ ભારત' ભેટ ધરવાનો મોદીજીએ નિર્ધાર કર્યો છે. આ કાર્યમાં દેશવાસીઅો મોદીજીને પુરેપુરો સાથ અને સહકાર આપશે એવી હું આશા સેવું છુ.
- નિરંજન વસંત, નોરવુડ
માતાજીના ગરબા અને ફીલ્મી ગીતો
ફીલ્મી ગીતોનો ગરબામાં ઉલ્લેખ વિષે શ્રી અતુલભાઈ પુરોહીતના મંતવ્ય વિશે વાંચ્યું. અતુલભાઈ પ્રત્યે ખૂબ જ માન થયું. તેમની વાત સાચી જ છે. માતાજીના ગરબાના બદલે શા માટે ફિલ્મી ગીતો પર ગરબા થાય છે?
સબ ટીવી પર એક સિરિયલ ‘બડી દૂર સે આયે હૈ’માં માતાજીના ગરબામાં એક જ પગ ધરાવતી અપંગ છોકરીએ ‘ચીકની ચમેલી’નો ફીલ્મી ડાન્સ કર્યો હતો. તે કન્યાએ સરસ નૃત્ય કર્યું પણ માતાજીના ગરબા ઉપર તે કઇ રીતે નૃત્ય કરી શકે? તે દિકરી પર માન છે પણ એ સિરિયલમાં બધાએ ફિલ્મી ગીતો પર ડાન્સ કર્યા હતા. ભલે હું ધાર્મિક નથી, મંદિરે પણ બહુ નથી જતી. પણ આપણા ધર્મનું અપમાન, માતાજીનું અપમાન થાય છે જાણી ખૂબ જ દુઃખ થાય છે. આપણા ધર્મગુરૂઓ મોટી મોટી વાતો કરે છે. આ તેમને કેમ નથી દેખાતું? આશા છે કે ભવિષ્યમાં માતાજીના ગરબા ગવાશે.
- સરોજબહેન જોશી,નોર્થ હેરો
અનોખી પદયાત્રા
૧૯૬૨માં વિનોબાજીના સૂચનથી અહીંસા અને શાંતિના વિચારને લઈને અણુશસ્ત્રોના વિરુદ્ધમાં તેમજ નિઃશસ્ત્રીકરણના ટેકામાં સતીષકુમાર તેમજ ઈ.પી. મેનને પદયાત્રા યોજી હતી. આ યાત્રા ભારતથી અમેરિકા સુધીની હતી. શાકાહારી રહેવાનું અને સાથે પૈસા નહીં રાખવાના સંકલ્પ સાથે તે યાત્રા કરી હતી.
ગાંધી સમાધિ (રાજઘાટ-દિલ્હી)થી તેમણે યાત્રા શરૂ કરી હતી અને વોશિંગ્ટન ડીસી જ્હોન એફ કેનેડીની સમાધિએ તે પૂરી કરી હતી.
આ પદયાત્રા - શાંતિયાત્રા વિના પૈસે, લોકોની શુભેચ્છા-મહેમાનગતિ પર આધાર રાખીને અઢી વરસે તેમને પૂરી કરેલી. તેઓ મુસ્લિમ, ખ્રિસ્તી, મૂડીવાદી, સામ્યવાદી દેશોમાંથી પસાર થયેલા, તેમણે અણુશસ્ત્રોના ચાર મુખ્યમથકોઃ મોસ્કો, પેરિસ, લંડન અને વોશિંગ્ટનમાં વિશ્વ નેતાઓને શાંતિ-અહિંસાનો સંદેશ આપેલો. આ યાત્રાને બીબીસી વર્લ્ડ સર્વિસે 'નો ડેસ્ટિનેશન' નામે દસ્તાવેજી ફિલ્મમાં આવરી લીધી હતી. આ યાત્રાને તેની ૫૦મી જયંતિએ ભારતીય અંગ્રેજી તેમજ ગુજરાતી પ્રચાર માધ્યમોએ પણ બિરાદવી છે.
- ભીખુભાઈ દેસાઈ,નોટિંગહામ
સંસાર હૈ એક નદિયા, દુઃખ, સુખ દો કિનારે હૈ
દરેક 'જીવંત પંથ' વાંચવાનો ખરેખર આનંદ અનુભવું છું અને એમાંથી ઘણું ઘણું જાણવાનું પણ મળે છે. ખરેખર સીબી, આપ અતિ સુંદર રીતે લખી શકો છે એ પ્રભુની કૃપા વગર આ બધું અસંભવ છે.
આપના 'જીવંત પંથ' તા. ૨-૮-૧૪ના અંકમાં આપે ગેલ્ડોફની દીકરી પીચીસની કહાની તેમજ જસ્ટીન રીસ લાકોમ્બના જીવનની કહાની લખી જણાવી જે વાંચી દુઃખ થાય છે અને એમના જીવનમાં બનેલી ઘટનાઓથી મન વિચારોના વમળમાં ખોવાઈ ગયું છે. આપણને ભગવાને મનુષ્યદેહ આપ્યો જે મળવો ઘણો જ દુર્લભ છે. જીવન જીવવા માટે પ્રભુએ મન અને બુદ્ધિ આપ્યા. વિચાર કરવાની શક્તિ આપી અને કામ કરવા માટે બળ આપ્યું. આપણું મન એવું ચંચળ છે કે જે ન કરવાના કામો કરાવે છે. ઈચ્છા ન હોવા છતાં મનને વશ થઈ આપણે અનેક જાતને તર્ક-વિતર્કમાં પડી જઈને ન કરવાનું કર્મ મન અને તનથી થઈ જાય છે. આ દુનિયામાં એવો કોઈપણ માનવી નથી જેણે જાણતા-અજાણતા પાપ ન કર્યા હોય. ભગવાને માનવીને જીવન વ્યવહાર ચલાવવા માટે એમની જરૂરિયાત કરતા પણ વધારે આપ્યું છે. જીંદગીને ખરા અર્થમાં જાણ્યા વગર - સમજ્યા વગદર જીંદગી જીવી જાણતા નથી. પૈસાના મદમાં અનેક જાતનાં દૂષણોને આમંત્રણ આપે છે. અને પોતાના પતનને નોતરે છે. ફિલ્મ- રફ્તારનું એક ગાયન છે (મુકેશ-આશા)
‘સંસાર હૈ એક નદિયા, દુઃખ, સુખ દો કિનારે હૈ
ન જાને કહા જાયે, હમ બહેતે ધારે હૈ.
- રતિલાલ ટેલર, સાઉથ ગેટ
