દિલ્હીમાં શનિવારે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે શાનદાર બોલિંગના સહારે વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં કોહલી અને સુરેશ રૈનાના ૬૨-૬૨ રન અને ધોનીના અણનમ ૫૧ રનની મદદથી સાત વિકેટે ૨૬૩ રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૪૬.૩ ઓવરમાં ૨૧૫ રનમાં આઉટ થઈ ગઈ હતી. ચાર વિકેટ ઝડપનાર શમી મેન ઓફ ધ મેચ થયો હતો.
અગાઉ આ સિરિઝમાં પાંચ વન-ડે મેચ રમાવાની હતી, પણ વાવાઝોડા અને ભારે વરસાદના કારણે વિશાખાપટ્ટનમ્ વન-ડે રદ થતાં હવે આ સિરીઝ ચાર મેચની થઇ ગઇ છે.
૨૬૪ રનના લક્ષ્યાંક સામે ઓપનર સ્મિથના ૯૭ રન, ડેરેન બ્રાવોના ૨૬ રન અને પોલાર્ડના ૪૦ની મદદથી મજબૂત શરૂઆત કરી હતી. આથી ૩૫ ઓવર સુધી તો વિન્ડીઝ જીતી જાય તેમ હતું, પણ ૩૫મી ઓવરથી ભારતીય બોલરો ત્રાટકતા વિન્ડીઝનો ધબડકો થયો હતો. વેસ્ટ ઇન્ડિઝે ચોથી વિકેટ ૧૮૩ રને ગુમાવી હતી, પરંતુ ૨૦૦ રનનો સ્કોર પાર કરતાં બીજી પાંચ વિકેટ ગુમાવતાં ૪૪.૨ ઓવરમાં વિન્ડીઝનો સ્કોર નવ વિકેટે ૨૦૧ રન થયો હતો.
પ્રથમ વન-ડે
ખેલાડીઓના વેતનને લઈને થયેલા વિવાદની વચ્ચે મેન ઓફ ધ મેચ માર્લોન સેમ્યુઅલ્સ નોંધાવેલી અણનમ સદી બાદ બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગની મદદથી પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝની ટીમે આઠ ઓક્ટોબરે રમાયેલી પહેલી વન-ડે મેચમાં યજમાન ભારતને ૧૨૪ રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે જ વેસ્ટ ઇન્ડિઝે પાંચ વન-ડે મેચની શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી હતી. વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૨૧ રન કર્યા હતા.
જવાબમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરનારી ભારતીય ટીમ ૪૧ ઓવરમાં ૧૯૭ રન કરીને આઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઇન્ડિઝ માટે માર્લોન સેમ્યુઅલ્સે ૧૧૬ બોલમાં ૧૧ બાઉન્ડ્રી અને ચાર સિક્સરની મદદથી ૧૨૬ રન કર્યા હતા.