• બેન્કરો નવા નિયમોનું પાલન કરે અથવા હોદ્દો છોડેઃ કાર્નીઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ સ્પષ્ટ કર્યું હતું કે બેન્કોના ટોપ એક્ઝીક્યુટિવોએ નિષ્ફળતા બદલ ક્રિમિનલ જવાબદાર બનાવતાં નવા નિયમોનું પાલન કરવું જોઈએ. આમ ન થાય તો નિયમોથી નારાજ સીનિયર બેન્ક એક્ઝીક્યુટિવ્ઝે હોદ્દા છોડવાં જોઈએ. કાર્નીએ કહ્યું હતું કે સ્ટાફની બેજવાબદાર વર્તણૂંક બદલ ડિરેક્ટર્સ અને ઉચ્ચ એક્ઝીક્યુટિવ્ઝને વધુ જવાબદાર બનાવવા જોઈએ કારણ કે બેન્કોના વેતનોને નિયંત્રિત કરતાં સુધારા વધુ એક નાણાકીય કટોકટી અટકાવવા માટે પૂરતાં નથી.
• કન્ઝર્વેટિવ સાંસદ બ્રૂક્સ ન્યૂમાર્ક રાજકારણમાંથી નિવૃત્તિ લેશેઃ ઈન્ટરનેટ સેક્સ કૌભાંડના કારણે સિવિલ સોસાયટી મિનિસ્ટરના હોદ્દાથી અને બ્રેઈનટ્રીના કન્ઝર્વેટિવ સાંસદ તરીકે રાજીનામું આપનારા બ્રૂક્સ ન્યૂમાર્ક રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેશે. ન્યૂમાર્કે વડા પ્રધાન ડેવિડ કેમરનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આગામી મે મહિનાની સામાન્ય ચૂંટણીમાં તેઓ ઉમેદવારી નહિ નોંધાવે. અમેરિકામાં જન્મેલા ન્યૂમાર્કે કહ્યું હતું કે સતત મીડિયાની નજર હેઠળ રહેવાનું તેમને ત્રાસદાયક લાગે છે.
• ડીમેન્શીઆના પેશન્ટસની સારસંભાળમાં ભારે બેદરકારીઃ કેર ક્વોલિટી કમિશનના રિપોર્ટ અનુસાર યુકેમાં સ્મૃતિભ્રંશ-ડીમેન્શીઆના પેશન્ટસની યોગ્ય સારસંભાળ લેવાતી નથી. કમિશનના ઈન્સ્પેક્ટરોએ ઈંગ્લેન્ડમાં ૧૨૯ કેર હોમ્સ અને ૨૦ હોસ્પિટલ્સની મુલાકાત લેતાં જણાયું હતું કે ૧૦માંથી નવ એટલે કે ૯૦ ટકા કેર હોમ્સ અને હોસ્પિટલ્સમાં ડીમેન્શીઆના પેશન્ટસ પ્રત્યે ભારે બેદરકારી દાખવવામાં આવે છે.
• બાળકોને ટીવી કરતા આઈપેડ વધુ પસંદઃ વર્તમાન આધુનિક યુગમાં બાળકો માટે ટીવી કરતાં ટેબ્લેટનું વધુ મહત્ત્વ છે. બ્રિટનમાં આશરે પાંચથી ૧૫ વર્ષ વયજૂથનાં ૧/૩ જેટલાં બાળકો ટેબ્લેટ ધરાવે છે. સત્તાવાર આંકડા અનુસાર, આ કેટેગરીમાં આવતાં ૩૪ ટકા બાળકો પાસે પોતાનું ટેબ્લેટ હોય છે. આ આંકડો અગાઉ ૧૯ ટકા હતો. બ્રિટનમાં દર ૧૦માંથી ૬ બાળકો ઘરે ટેબ્લેટનો ઉપયોગ કરે છે, જે ૨૦૧૩ની સરખામણીએ ૫૦ ટકા વધુ છે. આ સાથે જ છેલ્લાં પાંચ વર્ષમાં ટીવી જોતાં બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બાળકો ટેબ્લેટનો ઉપયોગ નેટ સર્ફ કરવામાં, ગેમ રમવામાં અને વીડિયો ક્લિપ જોવામાં કરતાં હોય છે. બ્રિટિશ રેગ્યુલેટર ઓફકોમના રિપોર્ટ અનુસાર, ૩થી ૪ વર્ષનાં ૧૧ ટકા બાળકો પોતાનું ટેબ્લેટ ધરાવે છે, જે ગત વર્ષ કરતાં ૩ ટકાનો વધારો સૂચવે છે.