રોયલ સ્વીડિશ એકેડેમીએ વર્ષ ૨૦૧૪ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ભારતના કૈલાસ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યુસુફ ઝાઇના સંયુક્ત નામ જાહેર કર્યા છે. બન્નેના કાર્યક્ષેત્રનો પ્રકાર ભલે અલગ હોય, પરંતુ તેમનો ઉદ્દેશ તો એક જ છે - બાળકો માટે સુંદર અને મજબૂત ભવિષ્યનું નિર્માણ. કૈલાસ સત્યાર્થી, ગાંધીમાર્ગને અનુસરતાં, આર્થિક લાભો માટે થઇ રહેલાં બાળકોનાં શોષણ સામે વર્ષોથી શાંતિપૂર્ણ અને અહિંસક આંદોલન ચલાવી રહ્યા છે. જ્યારે મલાલાએ કટ્ટરવાદી તાલિબાની વિચારસરણી સામે બંડ પોકારીને કન્યા કેળવણી માટે ચળવળ ચલાવી છે. ૧૭ વર્ષની મલાલા માટે આ નોબેલ પુરસ્કારનું મહત્ત્વ વિશેષ ગણી શકાય કેમ કે આ સન્માન મેળવનાર તે વિશ્વની સૌથી નાની ઉંમરની વ્યક્તિ બની છે.
મલાલા વિશે આખી દુનિયા જાણે છે તેમ કન્યા કેળવણી માટે અવાજ ઊઠાવવા બદલ તાલિબાનોએ તેના માથામાં ગોળી ધરબી દીધી હતી, પણ તેનો ઇરાદો અડગ રહ્યો. મોતના મુખમાંથી પાછી ફરેલી મલાલા આજે વિશ્વભરમાં ત્રાસવાદ અને કટ્ટરવાદી ઝનૂન સામે મહિલાઓ તથા બાળકોના અધિકારોની લડતનું પ્રતિક બની ગઇ છે. મલાલાનું સાહસ વધુ પ્રશંસનીય એટલા માટે પણ ખરું કે તેણે બદલાતા યુગમાં પછાત તથા બર્બર વિચારસરણીને તેના જ ગઢમાં જીવને જોખમે પડકારી અને સમગ્ર વિશ્વનું તેના તરફ ધ્યાન ખેંચાયું. તાલિબાની હુમલા બાદ બ્રિટનમાં રાજ્યાશ્રય લઇ રહેલી મલાલાની નોબેલ પુરસ્કાર માટેની પસંદગી ધર્મઝનૂનીઓને સ્પષ્ટ સંદેશ આપે છે કે મલાલાની લડાઇમાં સમગ્ર દુનિયા તેની પડખે છે. અત્યારે મિડલ-ઇસ્ટમાં ‘આઇસીસ’ (આઇએસઆઇએસ) અને નાઇજિરિયામાં બોકો હરમ જેવાં ઉન્માદી બળો તેનો વિકરાળ પંજો ફેલાવી રહ્યા છે ત્યારે મલાલાને અપાયેલું સન્માન આવા બળોને પરાસ્ત કરવાના દુનિયાના નિર્ધારને વધુ મજબુત બનાવશે તેમાં બેમત નથી.
બીજી તરફ, ભારતીય કૈલાસ સત્યાર્થી આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે મલાલા જેવી લોકપ્રિયતા કે નામના ધરાવતા ન હોય, પણ તેઓ બાળ અધિકારો માટે ઉલ્લેખનીય કામગીરી કરવા બદલ સમગ્ર દક્ષિણ એશિયામાં આગવી ઓળખ ધરાવે છે. ખરેખર તો તેમણે દુનિયાને બતાવ્યું છે કે ભારત અને તેના જેવા અન્ય દેશોમાં બાળમજૂરી એક ભયંકર સમસ્યા છે. ૨૬ વર્ષની ઉંમરે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર તરીકેની ઉજળી કારકિર્દીને ફગાવી દઇને સંઘર્ષમય જીવનનો પ્રારંભ કરવાનું સહેલું નથી. મધ્ય પ્રદેશના વિદિશાના રહેવાસી એવા ૬૦ વર્ષના સત્યાર્થીએ તેમના આયુષ્યના સાડા ત્રણ દસકા બાળકોના કલ્યાણને માટે સમર્પિત કર્યા છે. ૧૯૮૩માં ‘બચપન બચાઓ આંદોલન’નો આરંભ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં ૮૦ હજારથી વધુ બાળ મજૂરોને તેમણે શોષણમુક્ત કર્યા છે. સર્વને માટે શિક્ષણ યોજનામાં સત્યાર્થીનું મહત્ત્વનું યોગદાન છે. ‘યુનેસ્કો’ સાથે મળીને સમાજ સેવા કરી છે તો સત્યાર્થી આંતરરાષ્ટ્રીય સંગઠન ગ્લોબલ માર્ચ અગેઇન્સ્ટ ચાઇલ્ડ લેબરના સભ્ય પણ છે.
આ સહિયારા નોબેલ પુરસ્કાર દ્વારા બન્ને દેશના શાસકોને, આમ આદમીને એવો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે કે બન્ને દેશમાં શોષિત વર્ગના ઉત્થાન માટે કામ કરવાની જરૂર છે. કૈલાસ સત્યાર્થી બાળકોના અધિકારો માટે સતત સંઘર્ષ કરનારી વ્યક્તિનું પ્રતીક છે તો મલાલા એ વાતનું પ્રતીક છે કે પાકિસ્તાનમાં કન્યા કેળવણી એ અધિકાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અન્ય બાબતોમાં જેમ સમાનતા જોવા મળે છે તેમ આ ઉદ્દેશ્યોમાં પણ સમાનતા છે - જેના માટે કૈલાસ સત્યાર્થી અને મલાલા સમર્પિત છે. આશા રાખીએ કે કૈલાસ સત્યાર્થી અને મલાલા યુસુફ ઝાઇને સંયુક્ત નોબેલ શાંતિ પુરસ્કારથી બન્ને દેશના વંચિત સમૂહના બાળકો અને તેમના અધિકારો પર નવેસરથી પ્રકાશ પડશે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નક્કર આયોજન થશે.