માત્ર આપણી અપેક્ષા વધારે પડતી હોય છે!
છાપાના તંત્રીને પ્રસિધ્ધિ ન આપવાના (ને ટીકા કરવાના) કારણે એમના સામાન્ય સભ્યપદને બાકાત કરવામાં આવે છે.
આવતીકાલે કોઈ સંભવિત દાતા પાસે અપેક્ષિત દાન ન મળે એને પણ આ દંડનો લાભ મળે. કોઈ ઉછરતા દેશનો અણઘડ (સર) મુખત્યાર યાદ આવી જાય. કે કોઈ જૂના ગરાસના બાપુ હુકમ કરે તેવું લાગે.
બંધારણના તજજ્ઞો એની કલમની ધાર બતાડશે, પણ સરળ સમાજના જન સાધારણને આ બીના હાસ્યાસ્પદ લાગશે. ઈશુપંથી હોત તો ‘હે દેવ એને માફ કરજે, કારણ એને ખુદ સમજ નથી કે એ શું કરે છે?’ આવું કૈંક કહેત. સન્મિત્ર હરિન્દ્ર દવે યાદ આવે છેઃ કોઈ લાગણી ક્યારેય ઓછી નથી હોતી, માત્ર આપણી અપેક્ષા વધારે પડતી હોય છે! ભૂલચૂક માટે સનાતન જૈન સૂત્ર છેઃ મિચ્છામી દુક્કડમ (મિથ્યા હો મમ દુષ્કૃત્યમ્) પ્રભુ સૌને સન્મતિ આપે. પત્રકારનું એક શિર્ષક કેટલું પ્રેરક હોય છે? કમલ રાવના ગત સપ્તાહના શીર્ષકને આધારે પ્રેરીત કાવ્ય અત્રે પ્રસ્તુત છે જે ઘણોજ પ્રેરક સંદેશ આપે છે.
‘સરદાર તમે આજે હોત તો!
અમારું જર્જરિત ના હોત પોત તો- સરદાર
અમે તમને પોરસાવ્યા પણ પરખ્યા નહીં,
અમે વાહ વાહ કરી પણ પ્રીછ્યા નહીં
તમારા નામને તુંબડે તર્યા, પાર ઉતર્યા નહીં,
અમે તમને પામ્યા હોત ઓતપ્રોત તો?
સરદાર, શિસ્તથી સાધી હોત ઓથ તો? - સરદાર
તમે નિષ્ઠા માટે ઝૂઝતા રહ્યા
અમે સ્વંય પ્રતિષ્ઠાને સદા પૂજતા રહ્યા
અમારી મોટાઈ માટે સરદારનું નામ ક્રૂજતા રહ્યાં
અમે અંતરમાં કરી હોત ગોત તો?
ભૂલા પડેલાના ભોમિયા આજ હોત તો! - સરદાર
તમે પ્રેરણા નહીં માત્ર સ્મારક બની ગયા છો
નામને મોટું કરવાની તક બની ગયા છો
તિથિએ શોર કરવાનું ઢોલક બની ગયા છો
તમે પ્રકાશ દેતી જીવંત જ્યોત હોત તો
ભારત માતા શરમથી ઝૂકી ના હોત તો! - સરદાર
તમે હતા સૂત્રધાર, ભારત ભાગ્યવિધાતાના
તમે હતા મંત્રદ્રષ્ટા ગુર્જરવીરોની અસ્મિતાના
અમે તમારા વારસદારો બડી બડી બાતાના
શંકર, ત્રિલોચનનો કરતા હોત પ્રકોપ તો
ને અમારી પેલી મનગંગાને ધોત તો!
સરદાર, તમે આજે હોત તો
- પંકજ વોરા, રિકમન્સવર્થ
સંસ્થાઓ અને સેવકો
તા. ૮ ઓક્ટોબર ૨૦૧૪ના 'ગુજરાત સમાચાર'માં સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીમાંથી શ્રી સી.બી. પટેલનું સભ્યપદ કોઈપણ કારણ જણાવ્યા સિવાય રદ કર્યું તે વાંચીને જરા નવાઈ લાગી. કોઈપણ સંસ્થા તેના નીતિ-નિયમો અને બંધારણ પ્રમાણે કામ કરતી હોય છે. તે પ્રમાણે સભ્યોની નિમણૂક, પ્રમુખની નિમણૂક કે સભ્યપદ રદ્દ કરવા અંગેની જોગવાઈ હોય છે. મનસ્વીપણે કે પૂર્વગ્રહથી કોઈ નિર્ણયો લેવાતા નથી.
સી.બી.નું સભ્યપદ રદ કરવાના કારણમાં, સંસ્થાના પ્રમુખ પી.જી. પટેલના જણાવ્યા પ્રમાણે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'માં સંસ્થાને પૂરતી પ્રસિધ્ધિ નથી મળતી. હવે સવાલ એ થાય છે કે કોઈનું સભ્યપદ બંધારણની જોગવાઈ પ્રમાણે રદ્દ કરવામાં આવે છે કે પૂર્વગ્રહથી? સી.બી.નું સભ્યપદ રદ કરવા પાછળનો હેતુ શો છે? તેમનું સભ્યપદ કારોબારીના સભ્યો તથા કમિટીના સભ્યોની સંમતિથી સર્વાનુમતે રદ કરવામાં આવ્યું છે? સી.બી.નું સભ્યપદ અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'માં સંસ્થાની પ્રસિધ્ધિ એ બંને તદ્દન અલગ બાબતો છે.
સવાલ એ પણ થાય છે કે સી.બી. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ'ના તંત્રી છે તેથી સંસ્થાની પ્રસિધ્ધિ થઈ શકે તે માટે સભ્યપદ આપવામાં આવ્યું છે? સી.બી. આ બંને સમાચાર પત્રોના તંત્રી ન હોત તો સભ્યપદ મળત કે નહીં? સી.બી.એ ગત તા. ૩૦-૪-૧૪ મીટીંગની મીનીટ્સ મંગાવી તથા મીટીંગમાં કોણ કોણ હાજર હતું? કોણે દરખાસ્ત મૂકી? કોણે ટેકો આપ્યો? એવી વિગતો મંગાવી છતાં ત્રણ મહિના થયા પછી પણ તે શા કારણે નથી મોકલાવી? આ એક ગંભીર બાબત છે.
યુ.કે.માં સૌથી પહેલી ગુજરાતી સંસ્થા ૧૯૫૭ બ્રેડફર્ડમાં ભારતીય મંડળના નામથી શરૂ કરવામાં આવેલી. આજે ૫૭ વર્ષથી ચાલે છે. આ સંસ્થામાં પ્રમુખ તરીકે મેં પણ દસ-બાર વર્ષ સેવા આપી છે. બધા નિર્ણયો સર્વ સભ્યોની સંમતિથી લેવાય છે. પ્રમુખ કે કોઈપણ સભ્ય મનસ્વીપણે નિર્ણય લેતા નથી. ભગવાનકૃપાથી બધું સમજદારીપૂર્વક કે આક્ષેપબાજી સિવાય સીધેસીધું ચાલે છે. બધાં નીતિ-નિયમો અનુસરીને ફરજ બજાવે છે. એકબીજાનું માન જાળવીને વર્તે છે. સી.બી.ની બાબતમાં મને લાગે છે કે તેમનું સભ્યપદ પૂર્વગ્રહને કારણે અથવા 'ગુજરાત સમાચાર'માં પૂરતી પ્રસિધ્ધિ ન મળવાને કારણે રદ્દ થયું છે. પૂરતી પ્રસિધ્ધિ એટલે કેટલી પ્રસિધ્ધિ? કદાચ personality clash કે અંગત દ્વેષ પણ હોય શકે?
સભ્યપદ રદ્દ થવાથી સી.બી.ને શું ગુમાવવાનું છે? સરદાર પટેલનું નામ હોય કે બીજા કોઈ નામની સંસ્થા હોય ત્યાં જો સ્વમાન તથા નીતિ નિયમો જ ન જળવાતા હોય તો તેવું સભ્યપદ શા કામનું? મને લાગે છે કે સી.બી.ને આવા સભ્યપદની કોઈ લાલચ નથી. સભ્યપદ રદ્દ કરવાથી સંસ્થાને ભૂલ સમજાય કે થોડો પશ્ચાતાપ થાય તો સારું. બાકી સી.બી.તો રમતા રામ જેવા છે. સુખમાં કે દુઃખમાં તટસ્થતા જાળવી શકે એવા છે. એમ હું માનું છું તેમને તો 'ના કાહુસે દોસ્તી - ના કાહુસે બૈર' જેવું છે.
આ મારા તટસ્થ વિચારો છે. કોઈ વ્યક્તિ કે સંસ્થા માટે પૂર્વગ્રહ નથી. આપણી સંસ્થાઓ નામ ને પાછળ રાખી કામને આગળ રાખે તો ખૂબ પ્રગતિ થાય છે. સબકો સન્મતિ દે ભગવાન.
- બલ્લુભાઈ પટેલ, બ્રેડફોર્ડ