ભવિષ્યને નજરમાં રાખી મત આપજોઃ સ્કોટિશ પ્રજાને ક્વીનની સલાહ

Friday 12th December 2014 08:03 EST
 
 

જોકે, વિભાજનતરફી ‘યસ સ્કોટલેન્ડ’ અભિયાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘સ્કોટલેન્ડને પોતાના સ્વાતંત્ર્યના ભાવિનો નિર્ણય કરવા ગુરુવારે મહાન તક મળશે તેના વિશે ગંભીરતાથી વિચારવા તમામ મતદારોને ‘યસ સ્કોટલેન્ડ’ના સંદેશાનો જ પડઘો હર મેજેસ્ટીએ પાડ્યો છે.’ યુકેતરફી બેટર ટુગેધર અભિયાન દ્વારા કોઈ ટીપ્પણી કરાઈ નથી.
સ્કોટલેન્ડે યુનાઈટેડ કિંગ્ડમમાંથી બહાર નીકળવું કે નહિ તે મુદ્દે ગુરુવારે જનમત યોજાઈ રહ્યો છે ત્યારે મહારાણીએ નોંધપાત્ર હસ્તક્ષેપ કરતાં આશા વ્યક્ત કરી હતી કે તેમના મહત્ત્વપૂર્ણ મતનો શું અર્થ થાય છે તેનો સ્કોટ લોકો ગંભીરતાથી વિચાર કરશે. બકિંગહામ પેલેસના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાણીની ટીપ્પણી રાજકીય દૃષ્ટિએ તટસ્થ છે. જોકે, ટોરી સાંસદ હેન્રી બેલિંગહામે સ્પષ્ટ જણાવ્યું હતું કે શાહી નિરીક્ષકોને તેમના મંતવ્યો અંગે કોઈ શંકા રહી નહિ હોય.
ક્વીન હાલ બાલ્મોરલ, એબર્ડીનમાં વાર્ષિક રજા ગાળવાં આવ્યાં છે અને હજુ ત્રણ સપ્તાહ અહીં રહેશે. તેમની સાથે ડ્યૂક ઓફ એડિનબરા, ડ્યૂક અને ડચેસ ઓફ કોર્નવોલ, ડ્યૂક ઓફ યોર્ક અને ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પણ રવિવારે ચર્ચમાં ઉપસ્થિત હતા. સામાન્ય રીતે લોકો સાથે વાતચીતથી અળગાં રહેતાં ક્વીને તેમનો રાજકીય શિષ્ટાચાર તોડી બાલ્મોરલ કેસલ નજીકના ચર્ચની બહાર શુભેચ્છકો સાથે વાતચીત કરી ત્યારે આવી ટીપ્પણી કરી હતી. ચર્ચમાં ‘ઈશ્વર આપણને ખોટી પસંદગીઓથી બચાવે’ સહિતની પ્રાથર્નાઓમાં શાહી પરિવારના અન્ય સભ્યો પણ સામેલ થયાં હતાં. આ સમયે અસામાન્ય ચેષ્ટામાં પ્રજા સાથે વાતચીત સમયે પ્રેસને હાજર રહેવા પોલીસ દ્વારા જણાવાયું હતું.
અગાઉ, ૧૯૭૭માં રાષ્ટ્રીય ધારાસભાની સત્તાના વિભાજન મુદ્દે સ્કોટલેન્ડ અને વેલ્સમાં મતદાન યોજાયું ત્યારે પણ રાણીએ હસ્તક્ષેપ કર્યો હતો. જોકે, આ વખતે રાણી કશું કહે તેવી લેબર અને ટોરી સાંસદોની માગણીને બકિંગહામ પેલેસે નકારી કાઢી હતી. ક્વીને અગાઉ પણ તેમનાં સિલ્વર જ્યુબિલી સંબોધનોમાં એકમાં સામ્રાજ્યના વિભાજન અંગે સ્પષ્ટ ચેતવણી આપી કહ્યું હતું કે, ‘હું યુનાઈટેડ કિંગ્ડમ ઓફ ગ્રેટ બ્રિટન અને નોર્ધર્ન આયર્લેન્ડની રાણી તરીકે ગાદીનશીન થઈ હતી તે કદી ભૂલી શકીશ નહિ.’


comments powered by Disqus