મનમોહનની ‘ઇમાનદારી’ અને રાયની ‘નૈતિક્તા’!

Friday 12th December 2014 08:32 EST
 

વિપક્ષની નજરે પણ ઇમાનદાર રાજકારણી તરીકે માનવંતુ સ્થાન ધરાવતા મનમોહનની છબિ ખરડાય તેવો આક્ષેપ ભૂતપૂર્વ ‘કેગ’ વિનોદ રાયે કર્યો છે. યુપીએ સરકારના કાર્યકાળમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (‘કેગ’) તરીકે ફરજ બજાવનાર વિનોદ રાયે મનમોહન સિંહની ઇમાનદારી સામે જ સવાલ ઉઠાવીને તેમને આરોપીના કઠેડામાં મૂકી દીધા છે. વિનોદ રાયે એવો આક્ષેપ કર્યો છે કે ટેલિકોમ સેક્ટરની ટુ-જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ હોય કે કોલ બ્લોક ફાળવણી, મનમોહન સિંહ બધું જાણતા હતા. તત્કાલીન વડા પ્રધાને - માત્ર સરકાર બચાવવા – આ આર્થિક ગોબાચારી સામે આંખ આડા કાન કર્યા હતા. રાયનું કહેવું છે કે ઇમાનદારી સંપત્તિની જ નથી હોતી, બૌદ્ધિક અને વ્યાવસાયિક પણ હોય છે. વળી તેમણે બીજો આરોપ એવો મૂક્યો છે કે આ કૌભાંડોના ઉલ્લેખમાંથી મનમોહનનું નામ બાકાત રાખવા ત્રણ કોંગ્રેસીએ (સંજય નિરુપમ, અશ્વિની કુમાર, સંદીપ દીક્ષિતે) તેમના પર દબાણ કર્યું હતું.
વિનોદ રાયના આ આરોપો ગંભીર છે. એ તો સ્પષ્ટ છે કે મનમોહન સિંહ યુપીએની બીજી મુદતમાં પોતાનું સ્થાન ટકાવવા ઝાવાં મારતા દેખાતા હતા. તેઓ ચોમેરથી ઘેરાયા હતા. સંભવ છે કે તેમના મનમાં રાહુલ ગાંધીના ઉદયથી અસલામતીની ભાવના ઉદ્ભવી હોય. અને આથી શક્ય તેટલો લાંબો સમય સત્તા પર ટકવાનું તેમનું લક્ષ્ય હોય શકે. વળી, બીજી ટર્મમાં તો એટલા કૌભાંડો ફૂટી નીકળ્યા હતા કે સરકાર સાથે સંકળાયેલા સહુ કોઇ પોતાનો બચાવ કરવાના અને દોષનો ટોપલો વિપક્ષ પર ઢોળવાના કામે લાગ્યા હતા. ટુ-જી સ્પેક્ટ્રમ અને કોલ બ્લોક ફાળવણીમાં ગેરરીતિના અહેવાલથી સરકાર દબાણમાં હતી. યુપીએ શાસનમાં દેશઆખો રાજકીય પક્ષોની સાંઠગાંઠ પર જ ટક્યો હતો. સરકારે રાજકીય યુતિને સાચવવા ન કરવા જેવા સમાધાનો કર્યા.
વિનોદ રાયનું કહેવું છે કે તેમણે તે વેળા જ તત્કાલીન વડા પ્રધાનને એકથી વધુ વખત પત્ર મોકલીને કોલ બ્લોક ફાળવણી સંદર્ભે સ્પષ્ટતા માગી હતી, પણ મનમોહન સિંહે એકેય વખત પ્રત્યુત્તર આપ્યો નથી. ઉલ્ટાનું, વિનોદ રાયનો દાવો સાચો માનીએ તો, એક વખત તો મનમોહન સિંહે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે તમે જવાબની અપેક્ષા નહીં રાખતા હો તેવી મને આશા છે. વિનોદ રાયનો આ દાવો જ મનમોહન સિંહની ઇમાનદારી સામે શંકા પ્રેરે છે. મનમોહન સિંહે સંવિધાન તરફની નિષ્ઠા માટે સોગંદ લીધા હોવાની વાત ભૂલવા જેવી નહોતી.
જોકે મનમોહન સિંહની ઇમાનદારી અંગે વિનોદ રાયને અત્યારે જ કેમ બધું બ્રહ્મજ્ઞાન લાદ્યું છે? કેમ કે તેઓ પોતાના કાર્યકાળને કેન્દ્રમાં રાખીને એક પુસ્તક લખી રહ્યા છે! દોઢેક મહિના બાદ આ પુસ્તક પ્રકાશિત થવાનું હોવાથી તેમણે એક અખબારને આપેલી મુલાકાતમાં આ બધી વાતો કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો મનમોહન સિંહ વિરુદ્ધની વાતો ગમે ગમે તેટલી સાચી હોય તો પણ તે માર્કેર્ટિંગનો જ એક ભાગ છે. વળી, તેઓ એવા સમયે વાત કરી રહ્યા છે, જ્યારે મનમોહન સિંહ સરકાર ભૂતકાળ બની ગઇ છે. તેઓ ‘કેગ’ના હોદ્દા પર રહીને આ બધું બોલી શકે તેમ નહોતા તો તેમણે રાષ્ટ્રહિતમાં પોતાના હોદ્દો છોડીને આ વધી વાતો જાહેર કરવાની જરૂર હતી. મનમોહન સિંહ નૈતિક મૂલ્યો ચૂક્યા છે, તો વિનોદ રાય નૈતિક ફરજ ચૂક્યા છે એમ કહેવું ખોટું નથી.
‘સત્યને ઉજાગર’ કરવાના નામે મચાવાતી આ પ્રકારની સનસનાટી આખરે તો પાણી વલોવવાની કવાયત જ સાબિત થતી હોય છે. નેતાઓ પાસેથી તો ભારતીયોને પ્રામાણિક્તાની આશા નથી, પણ ‘કેગ’ કે તેના જેવા સ્વતંત્ર અને મહત્ત્વના સંસ્થાનમાં સર્વોચ્ચ સ્થાને બેસનારા લોકો સમયસર મગનું નામ મરી પાડવાનું વલણ નહીં અપનાવે તો તેમના સો ટકા સત્યને પણ લોકો શંકાની નજરે નિહાળતા થઇ જશે.


    comments powered by Disqus