૧૭ અને ૧૮ ઓક્ટોબરે ક્વીન એલિઝાબેથ દ્વિતીય કોન્ફરન્સ સેન્ટરમાં સવારના ૧૦થી સાંજના ૬.૩૦ સુધી મહત્ત્વની ચર્ચાઓ અને પારસ્પરિક વાતચીતો પછી ઉપસ્થિત મહેમાનો માટે સ્વાગત સમારંભનું આયોજન છે. આ પ્રસંગે યુકે તેમ જ યુરોપના અન્ય દેશો સાથે ભારતના સંબંધોના વિવિધ પાસાઓ વિશે ચર્ચામાં રીસોર્સીસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા, કૃષિ, ઉત્પાદન, કૌશલ્ય અને શિક્ષણ, ભાષાઓ, બિઝનેસમાં સ્ત્રીઓ તથા સંસ્કૃતિ સહિતના વિષયો આવરી લેવાશે. યુકે અને ભારતના અગ્રણી મહાનુભાવો, ભારતીય કોમ્યુનિટીના અગ્રણી સભ્યો, બ્રિટિશ અને ભારતીય બિઝનેસ પ્રતિનિધિઓ, શિક્ષણવિદો અને મીડિયાના સભ્યો સહિતના વક્તાઓ તેમાં ભાગ લેશે. ૧૭ ઓક્ટોબરે ફોરેન કોમનવેલ્થ ઓફિસ દ્વારા વાર્ષિક ડાયસ્પોરા રીસેપ્શન યોજાનાર છે. અહીં દાદાભાઈ નવરોજી એવોર્ડ્સ વિજેતાઓને એનાયત કરવામાં આવશે.
ઓવરસીઝ ઈન્ડિયન એફેર્સ મંત્રાલય દ્વારા યજમાન સરકાર, ભારતીય મિશન, દરિયાપારના અગ્રણી ભારતીયો અને ભારતીય ડાયસ્પોરાની જરુરિયાતો પર ધ્યાન રાખતાં સંગઠનોના સહકારથી પ્રાદેશિક પ્રવાસી ભારતીય દિવસની ઊજવણી થાય છે. આ અધિવેશન માત્ર ભારતીય કોમ્યુનિટી માટે જ નહિ, પરંતુ યુકે અને યુરોપ સાથે ભારતના સંબંધોની વૃદ્ધિમાં જોડાવા ઈચ્છતી તમામ વ્યક્તિઓ માટે છે.