• વધુ કમાણી કરતા લોકોના લગ્ન થવાની શક્યતા ૫૦ ટકા વધુઃ લગ્ન થવા માટે નાણાકીય સ્થિતિ મજબૂત હોવી જરૂરી છે. વધુ કમાણી કરતા લોકોના લગ્ન ઝડપથી થાય છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના અભ્યાસ અનુસાર ઓછી આવક ધરાવનારા લોકોની સરખામણીએ વધુ આવક ધરાવતાં લોકોનાં લગ્ન થવાની શક્યતા ૫૦ ટકા વધુ હોય છે. ૨૦૦૧માં આ ટકાવારી ૨૪ ટકા હતી, પરંતુ હવે ખાઈ બમણી થઈ છે.
• ૨૨,૦૦૦ દર્દીને HIV અને હિપેટાઈટિસ માટે બ્લડ ટેસ્ટ કરાવાયાઃ લીડ્સ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ એમી ડુફિલ્ડનું તેના ડેન્ટિસ્ટ ડેસમન્ડ ડી’મેલો દ્વારા સારવાર પછી ઓગસ્ટ ૨૦૧૩માં થયેલાં મોત અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે. ડેન્ટિસ્ટના ૨૨,૦૦૦ દર્દીને HIV અને હિપેટાઈટિસ માટે બ્લડ ટેસ્ટ કરાવવા જણાવાયું હતું. NHS ના પેશન્ટ્સને આટલી મોટી સંખ્યામાં પરીક્ષણો કરાવવા જણાવાયાની આ પ્રથમ ઘટના છે. નોટિંગહામ સર્જરીમાં સલામતીના ધોરણોનો ભંગ કરી દર્દીઓને જોખમમાં મૂક્યાના આક્ષેપો વચ્ચે જનરલ ડેન્ટલ કાઉન્સિલે ડો. ડી’મેલોને સસ્પેન્ડ કર્યા છે.
• ફ્લુ વેક્સિનને ગેરઈસ્લામી ગણાવતા ધાર્મિક નેતાઓઃ મુસ્લિમ બાળકોને ડુક્કરમાંથી તૈયાર કરાયેલી ફ્લુ વેક્સિન આપવાના મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે. ઈસ્ટ લેન્કેશાયરના આરોગ્ય સત્તાવાળાઓ ૧૧થી ૧૩ વર્ષના હજારો બાળકોને પૉર્સાઇન જીલેટિનમાંથી બનાવેલા નેસલ સ્પ્રે ફ્લુએન્ઝ ટેટ્રાની પ્રાયોગિક રસી આપી રહ્યા છે. જોકે, ડુક્કર સંબંધિત ઉત્પાદનોનો ઉપયોગ ગેરઈસ્લામી હોવાથી ધાર્મિક નેતાઓએ સ્પ્રેને પાપકારી ગણાવ્યો છે. મુસ્લિમ બાળકો માટે યોગ્ય રસી આપવામાં નિષ્ફળતાને તેમણે ઘૃણાસ્પદ ગણાવી હતી. જોકે, સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેમણે પત્રિકાઓ વહેંચી હતી અને પેરન્ટ્સે આગોતરી સંમતિ તરીકે સહી પણ આપવાની હતી.
• એનર્જી સપ્લાયર GnERGYનો સત્તાવાર આરંભ ૨૪ નવેમ્બરેઃ યુકેમાં નવતર કોમ્યુનિટી એનર્જી સપ્લાયર્સમાં સ્થાનિક સપ્લાયર GnERGYનો સોમવાર, ૨૪ નવેમ્બરે સત્તાવાર આરંભ થશે. સાંસદ અને પાર્લામેન્ટરી અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ક્લાઈમેટ ચેન્જ અમ્બર રડ દ્વારા તેને લોન્ચ કરાશે. યુકેસ્થિત કસ્ટમર સર્વિસ ટીમ ઈંગ્લિશ, નેપાળી અને હિન્દી ભાષામાં ગ્રાહકો સાથે વાત કરી તેમની મુશ્કેલી સમજશે. પૂર્વ ગુરખાઓ દ્વારા સંચાલિત ગેસ અને ઈલેક્ટ્રિક પ્રોવાઈડર સેવા દેશના મોટા છ પ્રોવાઈડર્સ સામે સ્પર્ધા કરશે.
• યુદ્ધવિધવાઓ માટે પેન્શન પેનલ્ટી રદઃ હજારો યુદ્ધવિધવાઓ તેમના મેલિટરી પેન્શન ગુમાવવાના ભય વિના પુનઃલગ્ન કરી શકશે. વડા પ્રધાન ડેવિડ કેમરને જણાવ્યું હતું કે યુદ્ધમાં શહીદોની વિધવાને અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી સુખ મેળવવા બદલ દંડિત કરતા કાનૂની છીંડાને સરકાર રદ કરશે. પુનઃ લગ્ન કરનારી યુદ્ધવિધવાઓને મળતાં મિલિટરી પેન્શનને હવે બંધ કરવામાં નહિ આવે.