બેઠકમાં મોદીએ કાળાં નાણાં મુદ્દે ગાઢ વૈશ્વિક સંકલન પર ભાર મૂકતાં કહ્યું હતું કે નવા ધોરણો વિદેશોમાં સંઘરાયેલા બિનહિસાબી નાણાંની વિગતો મેળવવામાં અને સરવાળે તે નાણું સ્વદેશ પાછું લાવવામાં મહત્ત્વના બની રહેશે.
બ્રિસબેન એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં શિખર બેઠકના બીજા અને અંતિમ દિવસે પ્લેનરી સેશનમાં વડા પ્રધાને અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરન સહિતના વૈશ્વિક નેતાઓએ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે બીઇપીએસ સિસ્ટમ વિકાસશીલ અને વિકસિત અર્થતંત્રોની ચિંતાઓની પૂરી કાળજી લેશે. બીઇપીએસ એ બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા જે-તે દેશના ટેક્સ બેઝીસ માટે વપરાતી ટેક્સ એવોઇડન્સ સ્ટ્રેટેજીની અસર માટેનો ટેક્નિકલ શબ્દ છે. તે 'ટ્રાન્સફર પ્રાઇસિંગ' તરીકે પણ ઓળખાય છે.
જી-૨૦ સંમેલન પૂર્વે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબોટ દ્વારા ક્વિન્સલેન્ડ સંસદભવનમાં ભોજનસમારંભ યોજાયો હતો. જેમાં વિવિધ રાજનેતાઓ અનૌપચારિક રીતે એકબીજાને મળ્યા હતા. આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ આર્થિક સુધારણાનાં અભિયાનને આગળ વધારતાં જણાવ્યું કે, કોઈ પણ સુધારાપ્રક્રિયાનો વિરોધ થવાનું નક્કી છે, પરંતુ તેને રાજનૈતિક દબાણથી દૂર રાખવી જોઈએ.
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ કહ્યું હતું કે અમેરિકા હવે પોતાની પીઠ પર દુનિયાની અર્થવ્યવસ્થાનો બોજો ઉઠાવી શકે તેમ નથી. વૈશ્વિક અર્થવ્યવસ્થાને ગતિ પ્રદાન કરવા માટે અન્ય દેશોએ પણ સાથે મળીને કામ કરવું પડશે. ઓબામાએ જી-૨૦ દેશોને વિકાસદર વધારવા, વધુ નોકરીઓ સર્જવા આહવાન કર્યુંં હતું. આની સાથોસાથ તેમણે એશિયામાં ચાલી રહેલા વિખવાદ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ પ્રકારનો વિખવાદ સંઘર્ષમાં પરિણમી શકે છે. તેમનો ઇશારો ભારત, પાકિસ્તાન, ચીનના સંબંધો તરફ હતો.