જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઃ સહુ કોઇ માટે પડકાર

Friday 05th December 2014 08:17 EST
 

અલગતાવાદની સમસ્યાથી પીડાતા આ રાજ્યમાં આમ તો છેલ્લા ત્રણ દસકામાં ચૂંટણીઓનું આયોજન ક્યારેય સરળ રહ્યું જ નથી, પણ આ વખતે પંચ સમક્ષ ખરેખર વિરાટ પડકાર છે. તેણે અલગતાવાદની સાથોસાથ આ વખતે કુદરતના પ્રકોપ બાદ સર્જાયેલી પરિસ્થિતિનો પણ સામનો કરવાનો છે. થોડાક મહિનાઓ પૂર્વે ત્રાટકેલા અભૂતપૂર્વ વિનાશક પૂરે રાજ્યમાં ચોમેર તબાહી વેરી છે. રાજ્યની ૮૭ બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતાં ચીફ ઇલેક્શન કમિશનર વી. એસ. સંપથને જ્યારે પૂછાયું કે શું હાલની પરિસ્થિતિમાં મતદારો પર્યાપ્ત સંખ્યામાં મતદાન કેન્દ્ર સુધી પહોંચશે? તેમનો જવાબ બહુ સૂચક હતો - જમ્મુ અને કાશ્મીર વિશે આવું અનુમાન કરવું ખૂબ મુશ્કેલ હોય છે. ભારતીય લશ્કરી દળોની પ્રશંસનીય રાહત-બચાવ-પુનર્વસન કામગીરી છતાં રાજ્યમાં સ્થિતિ હજી સામાન્ય તો નથી જ. અધૂરામાં પૂરું, રાજ્યમાં ચૂંટણી ન થાય તેવું ઇચ્છતાં પરિબળો પણ હંમેશની જેમ આ વખતે પણ સક્રિય છે. આમાં અલગતાવાદીઓ પણ ખરા, અને તેનો દોરીસંચાર કરતા અવળચંડા પાકિસ્તાનને તો કેમ ભૂલાય? છેલ્લાં છ મહિનામાં પાકિસ્તાની સુરક્ષા દળો વગર ઉશ્કેરણીએ આંતરરાષ્ટ્રીય સીમા અને અંકુશ રેખા સાથે જોડાયેલા વિસ્તારોમાં વારંવાર ફાયરીંગ કરી રહ્યા છે. ગોળીબાર પ્રભાવિત વિસ્તારોમાંથી બહુમતી મતદારો સુરક્ષિત સ્થળે હિજરત કરી ગયા છે. આ સંજોગોમાં જમ્મુ-કાશ્મીરનો દરેક નાગરિક પોતાના મતાધિકારનો સ્વતંત્ર અને ભયમુક્ત ઉપયોગ કરી શકે છે કે કેમ તે સવાલ છે. માત્ર ચૂંટણી પંચ માટે જ નહીં, રાજકીય પક્ષો માટે પણ આ ચૂંટણી કસોટીથી કમ નથી. આથી જ તો મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના નેતૃત્વ હેઠળની નેશનલ કોન્ફરન્સ (એનસી) સરકારે પ્રવર્તમાન માહોલમાં રાજ્યમાં ચૂંટણી યોજવાનો વિરોધ કર્યો હતો. પૂરની આફત વેળા રાહત-બચાવ કામગીરીમાં વિલંબ બદલ સરકાર પર માછલા ધોવાયા હોવાથી સરકાર ઇચ્છતી હતી કે જો થોડોક વધુ સમય મળી જાય તો ખરડાયેલી છબિ સુધારી શકાય. રાજ્યમાં કોંગ્રેસની હાલત ન ઘરના, ન ઘાટના જેવી છે. થોડાક સમય પહેલાં જ શાસક એનસીએ તેની સાથેનું રાજકીય જોડાણ તોડી નાખ્યું છે. છેલ્લા થોડાક મહિનાઓમાં અન્ય રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓમાં આ રાષ્ટ્રીય પક્ષનો જે કરુણ રકાસ થયો છે તે જોતાં પક્ષ માટે પ્રભાવશાળી દેખાવ કરવો આવશ્યક જ નહીં, અનિવાર્ય બન્યો છે. તેણે રાજ્યમાં એકલા હાથે તો લડવાનું જ છે સાથોસાથ - અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં પ્રથમ વખત સશક્ત હરીફ બનીને ઉભરેલા - ભાજપનો પણ સામનો કરવાનો છે. નરેન્દ્ર મોદી-અમિત શાહના નેતૃત્વમાં દેશભરમાં વિજયપતાકા લહેરાવનાર ભાજપે જમ્મુ અને કાશ્મીરમાં પણ ચૂંટણીજંગ જીતવા કમર કસી છે. મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે વિવિધ યોજનાઓ જાહેર કરવા ઉપરાંત પૂરની આફત વેળા ઝડપભેર રાહતપેકેજ જાહેર કરવા સહિતના શ્રેણીબદ્ધ પગલાં લઇને તેમજ દિપોત્સવી પર્વ ત્યાં ઊજવીને કાશ્મીરીઓના દિલ જીતી લીધા છે. ૮૭ બેઠકોની વિધાનસભા માટે ભાજપે ૪૦ મુસ્લિમ ઉમેદવારો પસંદ કર્યા હોવાના અહેવાલ પણ રાજકીય પ્રતિસ્પર્ધીઓની ઊંઘ ઉડાડવા માટે પૂરતા છે. રાજ્યમાં કોણ જીતે છે, કોણ હારે છે એ તો ૨૩ ડિસેમ્બરે મતગણતરીના દિવસે ખબર પડશે જ, પણ અત્યારે તો ચૂંટણી પંચથી માંડીને રાજકીય પક્ષો મતદારોને મતદાનમથકો સુધી સહીસલામત પૂર્વક ખેંચી લાવવાના કામે લાગી ગયા છે.


    comments powered by Disqus