વિધાનસભાની કુલ ૮૭ બેઠકો પૈકી ભાજપ ૭૦ બેઠકો પર ચૂંટણી લડશે, જેમાંથી ૩૨ બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને તેણે મેદાનમાં ઉતાર્યા છે.
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવાની અપીલને જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસને માન્યતા અપાવવાના ભારતના પ્રસ્તાવને ૧૩૦ દેશોએ સહપ્રાયોજક તરીકે સમર્થન આપ્યું છે. ગત મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતીય મિશને આ મુદ્દે એક અનૌપચારિક ચર્ચાનું આયોજન કર્યું હતું, જેમાં પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ મુસદ્દાને ૧૩૦ દેશોના સહપ્રાયોજકો સાથે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
• ભારતીય રંગભૂમિ, ફિલ્મી-ટીવી સિરિયલોના જાણીતા આર્ટ ડાયરેક્ટર છેલભાઈ વાયડા (૭૯)નું મુંબઈમાં ગત સપ્તાહે અવસાન થયું હતું. સ્વ. છેલભાઈ કોલમિસ્ટ અને ફિલ્મો-સિરીયલ્સના લેખક સંજય છેલના પિતા હતા. ‘છેલ-પરેશ’ના બેનર હેઠળના તેમના કલા નિર્દેશને ૮૦૦થી વધુ નાટકો, ૩૫ જેટલી ફિલ્મો અને ૨૫ જેટલી ટીવી સિરિયલોમાં અનેક પ્રયોગશીલતા તથા ભવ્યતા સાથે એક અનોખી કેડી કંડારેલી છે. જીવનની અંતિમ ઘડી સુધી સતત સક્રિય રહેલા છેલભાઈએ પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
• તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા રાજ્યસભાના સભ્ય કુણાલ ઘોષે ગત સપ્તાહે ઊંઘની ૫૦ કરતાં પણ વધારે ગોળીઓ ખાઈને આપઘાત કરવાની કોશિશ કરી હતી. હવે તેઓ ભયમુક્ત છે. ઘોષ કરોડો રૂપિયાના શારદા ચિટફંડ કૌભાંડના આરોપી છે. તેઓ કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં કેદ છે. આ ઘટના બાદ પશ્ચિમ
બંગાળ સરકારે જેલ અધિક્ષક અને ડોક્ટર સહિત ત્રણ લોકોને સસ્પેન્ડ કર્યા છે.
• વોટ બેન્કના રાજકારણ માટે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-રાષ્ટ્રવાદી આઘાડી સરકારે વિધાનસભા ચૂંટણી પહેલાં મરાઠા સમાજ અને મુસ્લિમ ધર્મીઓને આપેલા આરક્ષણને સ્ટે આપીને મુંબઈ હાઇકોર્ટે રાજકારણનો મોટો આંચકો આપ્યો હતો.
• તમિલનાડુ સરકારે એક જાહેરનામું બહાર પાડીને એઆઈએડીએમકેના સુપ્રીમો જયલલિતાને દસ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યા છે. વિધાનસભાના સ્પીકર પી. ધનપાલના જાહેરનામા મુજબ, જે. જયલલિતા પર લાગેલા ગુનાઓને પગલે તેઓ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪થી ચાર વર્ષ માટે જેલની કેદની સજા ભોગવી રહ્યા છે. એ દિવસથી દસ વર્ષ સુધી તેઓ તમિલનાડુ વિધાનભાના સભ્ય તરીકે ગેરલાયક ઠરે છે.
• જમ્મુ-કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના એક નેતાએ જમ્મુ-કાશ્મીર માટે હિન્દુ મુખ્ય પ્રધાનને અભિશાપ ગણાવી વિવાદ સર્જ્યો છે. રાજ્યમાં પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહેલા ભાજપ પર આડકતરો હુમલો કરતાં પીડીપીના નેતા પીર મંસૂરે સત્તામાં આવ્યા બાદ જમ્મુ-કાશ્મીર પર હિન્દુ મુખ્ય પ્રધાન થોપી બેસાડે તેવી પાર્ટીઓને મત નહીં આપવા લોકોને અપીલ કરી છે.
• અમેરિકી ઓઇલ મુઘલ હેરોલ્ડ હૈમ (૬૮)ના તેમની પત્ની સિયૂ એન. હૈમ (૫૮) સાથેનાં ૨૫ વર્ષ જૂના લગ્નનો અંત આવ્યો છે. હેરોલ્ડએ છૂટાછેડાની કિંમત ૧ બિલિયન ડોલર ચૂકવવી પડશે. આ રકમ સાત હપ્તામાં ચૂકવવાની રહેશે. અર્થાત પ્રત્યેક હપ્તામાં તેમને ૭૦ લાખ ડોલર ચૂકવવા પડશે.
