ભારતીય ક્રિકેટઃ કમાણી કરો, પણ મૂલ્યો તો સાચવો...

Friday 05th December 2014 08:20 EST
 

મુદ્દગલ કમિટીના રિપોર્ટમાં - બહુ લાંબા સમયથી જેમને શંકાની નજરે જોવાતા હતા તેવા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના તત્કાલીન પ્રમુખ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના વર્તમાન અધ્યક્ષ એન. શ્રીનિવાસનને તો ક્લીનચીટ અપાઇ છે, પરંતુ રિપોર્ટમાં જે બીજા કેટલાક નામોનો ઉલ્લેખ થયો છે તે ક્રિકેટચાહકોનો આઇપીએલ માટેનો વિશ્વાસ ડગાવી દે તેવો છે. રિપોર્ટમાં જે નામો જાહેર થયા છે તેમાં શ્રીનિવાસનના જમાઇરાજ તથા ચેન્નઇ સુપરકિંગ્સના ટીમ પ્રિન્સિપાલ ગુરુનાથ મયપ્પન્, રાજસ્થાન રોયલ્સના કો-ઓનર તથા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા અને ક્રિકેટ બોર્ડના સીઓઓ સુંદર રમણનો સમાવેશ થાય છે. મયપ્પન અને કુંદ્રાને મેચ પર સટ્ટો રમવા બદલ કસૂરવાર માનવામાં આવ્યા છે. આ ઉપરાંત રિપોર્ટમાં કેટલાક ક્રિકેટરોના નામનો પણ સમાવેશ થાય છે. જેમાંથી એક ઓલરાઉન્ડર અને એક ફાસ્ટ બોલર હોવાનું મનાય છે. અલબત્ત, હાલ તો કોર્ટે આ ક્રિકેટરોના નામ જાહેર કરવા સામે મનાઇ ફરમાવી છે. રિપોર્ટમાં સામેલ અમુક નામ જાહેર કરવા અને અમુક બાકી રાખવા એવો નિર્ણય ક્યા હેતુથી લેવાયો તે વાત સમજાય તેવી નથી. જોકે આઇપીએલના નિયમો મુજબ જો કોઇ ટીમ સાથે સંકળાયેલા અધિકારી ગેરકાનૂની કામગીરીમાં સંડોવાયેલા હોવાનું જણાશે તો તેવા સંજોગોમાં તેની ફ્રેન્ચાઇઝી રદ કરાશે. પરંતુ શું આનાથી આઇપીએલ ટુર્નામેન્ટને લાગેલું કલંક ધોવાઇ જશે? ભારતના રમતગમત પ્રેમીઓ માને છે કે દેશમાં ક્રિકેટનું સંચાલન કરતી બીસીસીઆઇ છેલ્લાં એકાદ દાયકાથી પૈસાની લાલચી બની ગઇ છે તેનું આ પરિણામ છે. ક્રિકેટનું જે થવાનું હોય તે થાય, ક્રિકેટરોની કારકિર્દીનું ભલે નખ્ખોદ નીકળી જાય, પરંતુ બીસીસીઆઇની તિજોરી છલોછલ રહેવી જોઇએ. કદાચ આ જ કારણસર બીસીસીઆઇના પદાધિકારીઓએ સટ્ટાકાંડનો ખેલ - પોતાની જાણ છતાં - અટકાવવા પ્રયાસ કર્યો નથી. શ્રીનિવાસનને રિપોર્ટમાં ભલે ક્લિનચીટ આપવામાં આવી છે, પણ બોર્ડના અધ્યક્ષ તરીકે તેમણે મયપ્પન, કુંદ્રા અને સીઓઓ સુંદર રમણના કરતૂતો સામે આંખ આડા કાન કર્યા છે તેની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. વાડ જ ચીભડાં ગળે તો ફરિયાદ કોને જઇને કરવાની? ભારતમાં ક્રિકેટની રમત ધર્મ જેવો જ દરજ્જો ધરાવે છે અને ક્રિકેટરો ભગવાન જેમ પૂજાય છે. પરંતુ દરેક ધર્મની જેમ અહીં પણ ભગવાન અને ભક્તો વચ્ચેના એજન્ટ જેવા બીસીસીઆઇના પદાધિકારીઓ તથા ક્રિકેટના મેનેજરોએ આ જેન્ટલમેન્સ ગેમ તરીકે ઓળખાતી આ રમતની આબરૂને અભડાવી છે. હજુ રોહિત શર્માની યાદગાર ઇનિંગથી લોકો ફરી ક્રિકેટરોને અહોભાવથી જોવા લાગ્યા હતા ત્યાં જ મુદ્‌ગલ કમિટીના રિપોર્ટની જાહેર થયેલી વિગતે ક્રિકેટચાહકોના વિશ્વાસને વધુ એક વખત ડગાવી દીધો છે.
મેચ-ફિક્સિંગ અને ક્રિકેટમાં સટ્ટાનું ભૂત વર્ષોથી ધૂણે છે, પરંતુ બીસીસીઆઇએ કૌભાંડને રોકવા કે કૌભાંડીઓને ક્રિકેટના મેનેજમેન્ટમાંથી દૂર કરવા કોઇ પગલાં ભર્યા નથી તે આ ઘટના પરથી વધુ એક વખત સ્પષ્ટ થાય છે. આ કિસ્સામાં પણ પ્રારંભે તો કંઇક આવો જ ઘાટ ઘડાયો હતો. બીસીસીઆઇએ આઇપીએલ સટ્ટાકાંડની તપાસ પણ પોતાની આંતરિક કમિટી દ્વારા કરાવીને કુલડીમાં ગોળ ભાંગવાનો તખ્તો ગોઠવી નાખ્યો હતો. પણ, સુપ્રીમ કોર્ટે આ ઇરાદા બર આવવા દીધા નથી. હવે આ કેસ ભારતની સર્વોચ્ચ અદાલતમાં છે ત્યારે દોષિતો દંડાશે જ તેમાં બેમત નથી, પણ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સંચાલકોએ પણ હવે કમાણીના બદલે નૈતિક મૂલ્યોના જતન પ્રત્યે ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. જો તેઓ સમયસર નહીં જાગે તો ક્રિકેટચાહકો દરેક મેચને શંકાની નજરે જ નિહાળતા થઇ જશે.


    comments powered by Disqus