સુપ્રીમ કોર્ટે જસ્ટિસ મુદ્ગલ કમિટીએ રજૂ કરેલા ૩૫ પાનના ઇન્કવાયરી રિપોર્ટના અમુક અંશો જાહેર કર્યા છે. જેમાં શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પનનાં બુકીઓ સાથેના સંબંધોનું સમર્થન કરાયું છે.
મુદ્ગલ કમિટીના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ચેન્નઈ સુપરકિંગ્સના પ્રિન્સિપાલ મયપ્પનના બુકીઓ સાથે સંબંધો હતા. એટલું જ નહીં, શ્રીનિવાસન્ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના અધિકારીઓને ટૂર્નામેન્ટમાં ચાલતી સટ્ટેબાજીની જાણ હતી, પણ તેઓએ કાર્યવાહી કરી નહોતી.
આ રીતે રાજસ્થાન રોયલ્સ ટીમના સહ-માલિક રાજ કુંદ્રા અને આઈપીએલનાં સીઓઓ સુંદર રામનના પણ બુકીઓ સાથે સંબંધો હોવાનું બહાર આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, કુંદ્રા બુકીઓ સાથે સતત સંપર્કમાં હતો અને સટ્ટો રમવા માટે પણ તેની સાથે વાતચીત કરતો રહેતો હતો.
રિપોર્ટમાં સુંદર રામન અંગે જણાવાયું છે કે તેના પણ એક બુકી સાથે સંબંધો હતા અને તેણે એક સિઝન દરમિયાન બુકીનો સટ્ટો રમવા માટે સંપર્ક પણ કર્યો હતો. સુંદર રામનને જ્યારે કમિટીએ પૂછપરછ માટે બોલાવ્યો હતો ત્યારે તેણે આ મામલે જવાબ આપતા જણાવ્યું હતું કે, તે બુકી સાથે વાત કરતો હતો તેની તેને જાણ નહોતી.
અગાઉ મયપ્પનનાં અને સટ્ટાખોરીમાં સંડાવાયેલા અન્ય એક આરોપી વિંદુ સાથેની વાતચીતની ટેપમાં મયપ્પનના અવાજની પૃષ્ટિ કરાઇ હતી.