તમારા મેરેજો તો સરસ મઝાના ફોટોજેનિક હોય છે, પણ અમારા દેશી મેરેજોમાં એકથી ચડિયાતાં કાર્ટૂન જેવી આઇટમો જોવા મળે છે! જરા નજર તો નાંખો...
આઇટમ ૧ઃ ગોર મહારાજ
આખા મંડપમાં જેના પર લોકોનું સૌથી ઓછું ધ્યાન પડે છે છતાં સૌથી વધુ જોવાલાયક આઇટમ હોય તો તે ગોર મહારાજ જ હોય છે! સુકલકડી કે ફાંદવાળા, લાંબા કે ટૂંકા વાળવાળા કે ટાલિયા આ ગોર મહારાજોના મોં ઉપર સ્માઈલ તો ભાગ્યે જ જોવા મળતું હોય છે.
અમન એક વાત ક્યારેય નથી સમજાતી. જ્યાં બસ્સો-પાંચસો માણસો સરસ મજાનાં કપડાં પહેરીને વ્યવસ્થિત તૈયાર થઈને આવ્યા હોય એવી જગ્યાએ આ ગોર મહારાજો શા માટે હંમેશાં લઘરવઘર કપડાં પહેરીને હાલ્યા આવતા હશે?
પાછા વીડિયો કવરેજમાં સૌથી વધુ ફૂટેજ આ ગોર મહારાજો જ ખાતાં હોય છે! ગામડાંઓમાં તો ગોર મહારાજો બે-ત્રણ કલાક લગી માઈક છોડતા નથી હોતાં! ભલભલા મિનિસ્ટરોને ઈર્ષ્યા થઈ આવે એ રીતે તેઓ વળગી રહેતા હોય છે! રહી વાત મંત્રોની, તો આ ગોર મહારાજો મંત્રો ભણતા હોય ત્યારે ‘સાવધાન!’ સિવાયનું કશું કોઈને સમજાતું નથી હોતું, ઘણી વાર અમને થાય છે કે આ લોકો દૂરદર્શન પરથી આવતા સંસ્કૃત ભાષાના સમાચારો તો નહીં દીધે રાખતા હોય ને?’
આઇટમ ૨ઃ બેન્ડ-માસ્ટર
ખરેખર વિધિની વક્રતા છે કે જે લોકો આખા પ્રસંગ દરમિયાન સૌથી લાંબા સમયની ડ્યુટી બજાવે છે તેમને સાવ મામૂલી કહેવાય એટલા પૈસા મળે છે, અને છતાં બિચારા વરરાજા કરતાંય વધારે ઠાઠમાઠવાળાં કપડાં પહેરીને હાજર થઈ જાય છે! બેન્ડવાજાંની પાર્ટીમાં સૌથી વધુ આળસું લોકો પેલા મોટી-મોટી તોપ જેવા વાજાં વગાડનારા હોય છે. એ લોકો મોટે ભાગે આમતેમ ડાફોળિયાં માર્યા કરતા હોય છે અને જ્યારે ગાયનનું મુખડું આવે ત્યારે થોડી વાર મોટે ‘ભોંપું... ભોંપું’ કરીને પાછા બગાસાં ખાવાના કામમાં પરોવાઈ જતા હોય છે.
સૌથી ખરાબ દશા હોય છે બેન્ડ-માસ્ટરની! થોડા અરસા પહેલાં આ બેન્ડ માસ્ટરો પિપૂડી વગાડી-વગાડીને થાકી જતા હતાં, હવે એ જ બેન્ડ માસ્ટરો બિચારા એક સાથે ત્રણ-ત્રણ કામ કરતા હોય છે. પહેલું કામ ભારે બેટરીવાળી લારીને ધક્કા મારવાનું, બીજું કામ માઇક પકડીને સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના ડબલ અવાજમાં ગાયનો ગાવાનું અને ત્રીજું કામ ‘કેસિયો’ પર આંગળાં પછાડીને ઘોંઘાટ કરતાં રહેવાનું!
બેન્ડ-માસ્ટરોની પણ એક વાત અમને ક્યારેય નથી સમજાતી. એ લોકો દરેક લગ્નમાં ‘તૂં હમારી થી, જાન સે પ્યારી થી, તૂ... ઊં... ઊં...ઊં.. ઔરોં કી ક્યૂં હો ગઈ..?’ વાળું ગાયન કમસે કમ અડધો ડઝન વાર જરૂર ગાતા હોય છે. આ હિસાબે બિચારા બેન્ડ-માસ્ટરની કેટલી જાન સે પ્યારી કન્યાઓ ‘ઔરોં કી’ હો ગઈ હશે?’
આઇટમ ૩ઃ ડ્રમ-માસ્ટર
બેન્ડવાજાં પાર્ટીમાં જે ભાઈ પોતાનાં ગળે મોટું ડ્રમ લટકાવીને ફરતાં હોય છે તેમને ડ્રમ-માસ્ટર કહેવામાં આવે છે. આ ભાઈને પણ બેન્ડ-માસ્ટર જેટલી જ સખત મજૂરી કરવી પડી હોય છે. લગ્નને અંતે બેન્ડ માસ્ટરનું ગળું ફૂલી જાય છે, ત્યારે આ ભાઈના હાથ ફૂલી જાય છે. ડ્રમ-માસ્ટરની માસ્ટરી એક જ વાતમાં હોય છે. તે ભલભલા ફિલ્મી ગાયનને ‘ઢૂમ ઢૂમ ટકાક... ઢૂમ ઢૂમ ટકાકૂ’ વાળા એક ખાસ તાલમાં મારીમચડીને ફીટ કરી દે છે. ભલેને વિશાલ-શેખરો, પ્રીતમ-રેશમિયાઓ અને એ. આર. રહેમાનો નવા નવા તાલમાં ગાયન બનાવતાં! ડ્રમ-માસ્ટરના હાથમાં એ ગાયન આવે એટલે એક જ તાલમાં વાગે - ‘ઢૂમ ઢૂમ ટકાક્!’
જોકે હમણાં હમણાં આ લોકોએ ભાંગડાનો તાલ શીખી લીધો છે. પણ તમે ધ્યાનથી સાંભળજો, જેવી ભાંગડા-તાલની ઝડપ સહેજ વધી કે તરત જ ‘ઢૂમ ઢૂમ ટકાક્’ ચાલુ થઈ જવાનું!
આઇટમ ૪થી ૧૪ઃ સડક ડાન્સરો
દરેક વરઘોડામાં દસે ‘સ્ટ્રીટ ડાન્સરો’ હોવાના, હોવાના ને હોવાના જ! મોટે ભાગે તીતીઘોડાની જેમ કૂદ્યા કરતી આ આઈટમો બેન્ડવાજાંની આગળ ને આગળ રહે છે. જેમ જેમ વરઘોડો મંડપની નજીક આવે તેમ તેમ આ લોકોના ‘હાઇ જમ્પ’ વધુ ને વધુ ઊંચા થતા જાય છે.
આ આઇટમોમાંની બે-ત્રણ આઇટમો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ જોઈને પિક્ચરનાં ગાયનો પર ‘સ્ટેપ’ મારવાનું શીખેલી હોય છે! એમની ખાસ ‘ફરમાઈસ’ ઉપર એમની પસંદના ગીતો વગાડવામાં આવે છે. વીડિયોવાળા શૂટિંગ કરવા નજીક આવે ત્યારે એમને ખાસ શૂર ચડતું હોય છે. સડકો ઉપર જ્યારે જ્યારે આ ભીડને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારે આ ‘સડક-નૃત્યકારો’ એમ જ સમજતાં હોય છે કે બધા એમને જોવા માટે ઊભા રહી ગયા છે!
જોકે આ ટોળકીમાં જ્યારે મોટી ફાંદવાળા વડીલો તથા ભારેખમ કાયાવાળી માસીઓ એન્ટ્રી મારે છે ત્યારે ખરેખર આહલાદક દૃશ્ય સર્જાતા હોય છે. (નો જોક્સ દોસ્તો, પરંતુ કોઈ પણ ઉંમરે ખુલ્લી સડક ઉપર મન મૂકીને બે ઘડી નાચી શકાય એવો આ એક જ પ્રસંગ હોય છે!)
આઇટમ ૧૫ અને ૧૬ઃ વીડિયોવાળા અને લાઇટોવાળા
આ બે આઇટમો અદ્ભૂત હોય છે! એ લોકો હંમેશાં ભડકીલા રંગનાં શર્ટી પહેરીને આવશે. ચપોચપ જીન્સ હશે, કેન્વાસનાં શૂઝ હશે અને ઘણી વાર વરરાજા કરતાંય વધારે સેન્ટ છાંટેલું હશે! તેમને માટે ક્યાંય ‘નો એન્ટ્રી’ નથી હોતી. તેઓ કન્યાના રૂમમાં ઘૂસી જાય છે, વરરાજા કરતાં પણ સારું ભોજન પામે છે અને તેમના માટે ચપટી વગાડતાંમાં પાનમસાલા હાજર થઈ જતા હોય છે!
વટ તો એમનો એટલો હોય છે કે વરરાજા કન્યાને હાર પહેરાવવા જતા હોય ત્યાં જ આ ભાઈ હાથ ઊંચો કરીને કહેશે, ‘ઊભા રહો!’ ગોર મહારાજ સુદ્ધાં વીડિયોવાળાના આ હુકમથી થંભી જાય છે. પછી જનાબ વટથી કન્યા પાસે જશે, તેનો ઘૂંઘટ સરખો કરશે, પાલવ સીધો કરશે અને વરરાજાને હુકમ કરશે, ‘હાર પહેરાવતી વખતે આ બાજુ જોજો!’
વીડિયોવાળા કરતાંય જોવા જેવી આઇટમ તેનો લાઇટવાળો હોય છે.
એક હાથમાં વાયરોનાં ગૂંચળાં અને બીજા હાથમાં લાઇટ પકડીને ઊભા રહેલા આ માણસ ઉપર બહુ લોકોનું ધ્યાન નથી પડતું, પરંતુ આ લાઇટવાળાનું ધ્યાન હંમેશાં સુંદર કન્યાઓ તરફ જ હોય છે!
મંડપમાં આ બે જણાની હાજરી ચમત્કારિક અસરો પેદા કરતી હોય છે. લાઇટ પડતાંની સાથે જ ધમાલ કરતાં છોકરાં શાંત થઈ જાય છે, મૂંગા મૂંગા બેસી રહેલાં વડીલો એકબીજાં સાથે વાત કરતાં થઈ જાય છે અને ગૂંગા અવાજે લગ્નગીત ગાતાં બૈરાંઓ સાડી સરખી કરતાં કરતાં મોટા અવાજે ગાવા લાગે છે!
આઇટમ ૧૭થી ૨૮ઃ બુફે અકરાંતિયાઓ
જ્યારથી વાડીઓ તથા હોલમાં આ બધાં લગ્ન થવા લાગ્યા છે ત્યારથી જમવાની મજા જ મરી ગઈ છે! વરરાજા જાન લઈને આવે એ પહેલાં કન્યા પક્ષવાળાઓ જ ગરમાગરમ ભોજન ઝાપટી જાય છે! બિચારા વરરાજાનાં ખાસમખાસ સગાંઓ પણ ઠંડી પડી ગયેલી કટલેસોનો ભૂકો તથા બફવડાંનાં વેરણ-છેરણ અવશેષો ખાઈને કામ ચલાવી લેતા થઈ ગયાં છે.
છતાં આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલાક અકરાંતિયાઓ જાન પહોંચે તે પહેલાં હોલમાં પહોંચી જાય છે અને બુફે-ભોજનની પહેલી પંગતમાં જ લાઈન લગાડી દેતા હોય છે! આ ઉપરાંત બુફે અકરાંતિયાઓનો બીજો પ્રકાર હોય છે, જેમાં મોટે ભાગે મહિલાઓનો સમાવેશ થતો હોય છે.
આ મહિલાઓની ટેક્નિક જોવા જેવી હોય છે. સૌથી પહેલા તો તેઓ આઠ-દસ ખુરશીઓ ભેગી કરીને તેના પર ટેણિયાં-મેણિયાંઓને બેસાડી દેતી હોય છે. ‘ચકુડી, આ ખુરશીઓનું ધ્યાન રાખજે હોં? કોઈને લઈ જવા ન દેતી! હું હમણાં ડિશો ભરીને લાવું છું!’
પછી બુફે-ટેબલ ઉપરથી પોતાની ડિશોમાં ભરાય એટલું ખાવાનું ભરતી જાય છે અને પાછી ઉપરથી પૂછતી જાય છે, ‘બે જ શાક છે? અથાણું એક જ છે? દૂધપાક માટે મોટી વાટકીઓ રાખતા હો તો? પુલાવ ગરમ છે ને? આ શું છે? હેં? શું કહ્યું? સારું સારું, જે હોય તે, થોડુંક બીજું મૂકોને? વારેવારે પાછું લેવા કોણ આવે, હેં?’
•••
લ્યો ત્યારે, અમારા દેશી લગનનો લહાવો તો તમને આપ્યો, હવે તમારાં એનઆરઆઈ લગનમાં ક્યારે બોલાવો છો? ઝીંકે રાખો બાપલ્યાં, આંયાં બધાં ઓલરાઇટ છે!