હિન્દુ મૂલ્યો અને પરંપરાને મજબૂત બનાવવાની સાથે શ્રેષ્ઠ બ્રિટિશ શિક્ષણ મળી રહે તે હેતુસર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ૧૯૯૨માં ધ સ્વામીનારાયણ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. આ શાળામાં અઢી વર્ષથી માંડી ૧૮ વર્ષ સુધીના ૪૯૬ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ISI ના સાત ઈન્સ્પેક્ટરની ટીમે શાળામાં એક સપ્તાહના ઈન્સ્પેક્શન પછી રિપોર્ટમાં જણાવ્યું છે કે નોંધપાત્ર શૈક્ષણિક પરિણામોની સાથોસાથ આધ્યાત્મિક, નૈતિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ દ્વારા પણ સફળતા હાંસલ કરાઈ છે. ધર્મગુરુઓની શ્રેષ્ઠ કાળજી તેમ જ પેરન્ટ્સ અને કોમ્યુનિટી સાથેના સંપર્કોએ આ સફળતામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. GCSE માં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સરેરાશ કરતા ત્રણ ગણા A*/A ગ્રેડ્સ મેળવ્યાં છે. A લેવલ્સમાં A*/B ગ્રેડ્સ મેળવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ મેઈન્ટેન્ડ સ્કૂલ્સ માટેની રાષ્ટ્રીય સરેરાશ કરતા ઊંચુ હતું.
હેડટીચર્સ મિ. માનાની અને મિ. રાજાએ (ISI)ના તારણોનો યશ શાળા સાથે સંકળાયેલા તમામના સામૂહિક પ્રયાસોને આપ્યો છે. આ સફળતામાં પ્રતિબધ્ધ અને સમર્પિત સ્ટાફની સાથે ગવર્નર્સ, ટ્રસ્ટીઓ, મહેનતુ વિદ્યાર્થીઓ અને સિક્ષણનું મહત્ત્વ સમજતા પેરન્ટ્સનાં ટીમવર્કની નોંધપાત્ર ભૂમિકા છે. તેમણે શાળાના સ્થાપક પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને સતત માર્ગદર્શનનો સવિશેષ આભાર માન્યો હતો.
સંપૂર્ણ ઈન્સ્પેક્શન રિપોર્ટ શાળાની વેબસાઈટ www.swaminarayan.brent.sch.uk પર પ્રાપ્ય છે.