ચીની મુસાફર ઇન્ડિયામાં!

લલિત લાડ Saturday 13th December 2014 05:58 EST
 

હમણાં જ ઇન્ડિયામાં ચીનના પ્રેસિડેન્ટ આવીને ગ્યા! ઈ પછી ચીની, પ્રવાસીઓને ઇન્ડિયામાં રસ પડવા લાગ્યો છે. આવો જ એક ‘હુ-એમ-આઇ’ નામનો ચીનો અમને મળી ગયો...

સાંભળો એનાં પરાક્રમનાં પ્રસંગો!

તૂકી સાકો

સૌથી પહેલાં તો અમે એ ચીનાને આપણા પાનનો ચસકો લગાડી દીધો. મારા બેટાને પાન બહુ ભાવવા લાગ્યાં. પહેલાં તો એ બધો રસ ગળી જતો હતો એટલે એને હેડકી આવવા લાગતી. મેં એને સમજાવ્યું કે રસ થૂંકી નાખવાનો.
એક દિવસ રસ્તે ચાલતાં ચાલતાં ચીનો અટકી ગયો. તેના મોંમાં પાન હતું. મોં તરફ આંગળી બતાડીને મને કહે, ‘ઊં ઊં ઊં ઊં?’ હું સમજી ગયો. મેં કીધું, ‘ગમે ત્યાં! ગમે ત્યાં થૂંકી શકો!’ પણ ચીનો માને જ નહીં!
એટલે મેં તેને પાનની પિચકારીથી રંગાયેલાં રેલવે સ્ટેશનો બતાડ્યાં, હોસ્પિટલો બતાડી, કોલેજો બતાડી, બિલ્ડિંગોના દાદરા બતાડ્યા અને કહ્યું, ‘ભારતમાં આઝાદી છે! ગમે ત્યાં થૂંકી શકો.’
ચીનો તો ખુશખુશ થઈ ગયો. ચારેબાજુ પિચકારીઓ મારીને કહેવા લાગ્યો, ‘તૂકી સાકો! તૂકી સાકો! ઇન્ડિયન ફ્રીદમ વેલી વેલી ગુઉઉડ! તૂકી સાકો!’
આ ‘તૂકી સાકો’ (એટલે કે થૂંકી શકો) એના મગજમાં બરાબર બેસી ગયું. એક દિવસ અમે મુંબઈનાં પરાંની લોકલ ટ્રેનમાં બેઠા હતા. ચીનો બારીમાંથી બિલ્ડિંગો જોઈ રહ્યો હતો. અચાનક એની નજર રેલવેના પાટા પાસે કુદરતી હાજતે જઈ રહેલા લોકો પર પડી. એ તો ભારતની આઝાદીનું આ સ્વરૂપ જોઈને અચાનક આનંદમાં આવી ગયો! ડબ્બામાં કૂદી કૂદીને નાચવા લાગ્યો, ‘હાગી સાકો! પીપી સાકો! ઇન્દિયન ફ્રીદમ વેલી વેલી ગુઉઉડ! હાગી સાકો! પીપી સાકો!’
મને થયું કે આ ચીનો હવે ભારતીય આઝાદીનો ઉપયોગ રેલવેના ડબ્બામાં જ ન કરવા માંડે તો સારું. મેં એને સમજાવ્યું કે ‘હાગી સાકો પીપી સાકો અમુક જ જગ્યાએ થાય. બધે નહીં!’ તો મને કહે, ‘વ્હાય નોત? ગોવરમેન્ત રૂલ્સ?’

•••

ખેર! એક દિવસ હું ચીનાને એક આર્ટ ગેલેરીમાં લઇ ગયો. મેં એને કહ્યું, ‘ઇંડિયન મોડર્ન પેઇન્ટિંગ! વેરી ગુડ!’ મને કહે, ‘હું હું!’ એણે મોંમાં પાન દબાવેલું હતું.
પેઇન્ટિંગોમાં રંગોના લપેડા સિવાય કંઈ જ નહોતું. મને જરાય સમજ નહોતી પડતી, પણ ચીનો બહુ રસથી જોતો હતો. અચાનક તેને પાનની પિચકારી મારવાની જરૂર પડી. તેણે કોઈનેય પૂછ્યાગાછ્યા વિના એક પેઇન્ટિંગ ઉપર પિચકારી મારી દીધી!
હું તો ડઘાઈ જ ગયો. મેં કહ્યું, ‘આ શું કર્યું?’ તો કહે, ‘તૂકી સાકો! તૂકી સાકો!’
એ તો સારું થયું કે કોઈની નજર અમારા ઉપર નહોતી પડી. અને વધારે સારું તો એ હતું કે જે પેઇન્ટિંગ ઉપર ચીનાએ પિચકારી મારેલી તેમાં આમેય રંગોની ડાઘાડૂઘી જ હતી!
અમે સરકી ગયા, પણ ખરી મજા એ પછી આવી. ત્રણ-ચાર વિવેચકો પેલા પેઇન્ટિંગ પરથી ઊતરી રહેલા રેલાને જોઈને દંગ થઈ ગયા હતા! એ લોકો કલાના આ નવા પ્રયોગનાં મોંફાટ વખાણ કરી રહ્યા હતા!

રોકી સાકો

એક વાર અમારે ટ્રેનમાં જવાનું થયું. ગાડીમાં જગ્યા મળે તેવું હતું જ નહીં, એટલે મેં એક કુલીને પકડ્યો ને પૈસા આપીને બારીની બે સીટનું પાકું કર્યું. આ જોઈને ચીનો કહે, ‘વોત ઇઝ ધિસ સિસ્તામ?’ મેં કહ્યું, ‘રેલવે રિઝર્વેશન સિસ્ટમ. ભારતમાં કુલીને પૈસા આપીને સીટ રોકી શકો.’ ચીનો કહે, ‘રોકી સાકો?’ મેં કહ્યું, ‘હા, તારે જોવું છે?’
કુલીઓ જે રીતે ચાલતી ટ્રેને ચડીને બાકીના પેસેન્જરોને હડસેલો મારીને, પોતાની પાઘડીને ફેલાવીને જે રીતે સીટો રોકાતા હતા તે જોઈને ચીનો ખૂબ આનંદમાં આવી ગયો. ‘ઇન્દિયન ફ્રીદમ વેલી વેલી ગુઉઉડ! રોકી સાકો! રોકી સાકો!’
પછી એક દિવસ અમારે વિમાનમાં બેસીને જવાનું થયું (અલબત્ત, સરકારી ખર્ચે!). હજી તો વિમાન એરપોર્ટ ઉપર ઊતરી રહ્યું હતું ત્યાં તો ચીનો દોડ્યો! મેં બહુ બૂમો પાડી કે, ‘હુ-એમ ભાઈ, હુ-એમ ભાઈ! ઊભા રહો!’ પણ ચીનો તો સૌથી પહેલો વિમાનમાં ઘૂસી ગયો.
અંદર જઈને મેં જોયું તો ચીનાએ સળંગ બાર સીટો ઉપર એની પત્નીનો કિમોનો (સાડી જેવું લાંબું વસ્ત્ર) પાથરી દીધેલું! મેં કહ્યું, ‘આ શું?’ તો કહે, ‘રોકી સાકો! રોકી સાકો! ઇન્દિયન રિઝાવેસાન સિસ્તામ! રોકી સાકો!’
મેં ચીનાને માંડ માંડ સમજાવ્યું કે અહીં વિમાનમાં ‘રોકી સાકો’ ન ચાલે. મને કહે, ‘વ્હાય નોત? ગોવરમેન્ત રૂલ્સ?’
વિમાનની મુસાફરી દરમિયાન મેં એને સમજાવ્યું કે આમ જોવા જાવ તો ગવર્ન્મેન્ટમાં પણ ઘણી જગ્યાએ ‘રોકી સાકો’ જ ચાલી રહ્યું છે. સરકારી નોકરીઓમાં રિઝર્વેશન, મેડિકલ કોલેજોમાં રિઝર્વેશન્સ, ધારાસભાઓ અને લોકસભામાં રિઝર્વેશન્સ... અને ત્યાં સુધી કે ભારતની તમામ સરકારો જો લોકસભાની સીટો ‘રોકી સાકે’ તો જ ટકી શકે છે!

ફ્લેક્સિબાલ તાઇમ

અમારે એક સમારંભમાં જવાનું હતું. સમારંભનો સમય સાત વાગ્યાનો હતો. ચીનો તો સાડા છ વાગ્યાનો તૈયાર થઈ ગયેલો. મને કહે, ‘ગેત રેદી, ફાસ્ત! વી વિલ બી લેઇત!’ મેં કહ્યું, ‘ચિંતા ન કર, ચીના. સાત વાગ્યાનો સમારંભ આઠ વાગ્યા પહેલા ક્યારેય શરૂ ન થાય. ઇન્ડિયન ટાઇમ, ફ્લેક્સિબલ ટાઇમ.’
ચીનો કહે, ‘ફ્લેક્સિબાલ તાઇમ? વોત ઇસ ફ્લેક્સિબાલ તાઇમ?’ મેં કહ્યું, ‘તું જોજેને!’ સમારંભ સાડા આઠે શરૂ થયો. એક મિનિસ્ટરસાહેબ જે સાડા આઠે આવવાના હતા તે હજી સાડા નવ થયા છતાં નહોતા પધાર્યા. ચીનો ઊંચો-નીચો થતો હતો. ‘વેલી લેઇત! વેલી લેઇત!’
મેં કહ્યું, ‘ઇન્ડિયન ટાઇમ. ફ્લેક્સિબલ ટાઇમ. હવે શાંતિ રાખ.’ પ્રધાનશ્રી પોણા દસે પધાર્યા. અડધા કલાકને બદલે સવા કલાક ભાષણ ઠોક્યું. ચીનો તો ત્યાં સુધીમાં ઊંઘી ગયેલો.
જાગ્યા પછી ચીનો બહુ બગડ્યો, ‘ઇન ઇન્ડિયા, નો વેલ્યુ પોર તાઇમ?’ મેં એને બહુ ધીરજપૂર્વક સમજાવ્યું કે ઇન્ડિયામાં બધાને આ ફાવી ગયું છે. ટ્રેનો ટાઇમસર ન આવે, ફ્લાઇટો આઠ-આઠ કલાક મોડી હોય, સરકારી ઓફિસો સમયસર ચાલુ ન થાય, છતાં સમયસર થતાં પહેલાં ત્યાં સન્નાટો છવાઈ જાય. બીજું બધું તો ઠીક, પણ અમારાં લગ્નોનાં મુહૂર્તો પણ માત્ર કંકોત્રીના કાગળ ઉપર જ હોય છે! ચીનો સમજી ગયો. તે બોલ્યો, ‘ઇન્દિયન તાઇમ, ફ્લેક્સિબાલ તાઇમ! નો પોબ્લેમ!’
ચીનો આ નવા સૂત્ર ઉપર ખુશ હતો. દિવસમાં દસ વાર તે હસીહસીને મને કહેતો, ‘ઇન્દિયન તાઇમ, ફ્લેક્સિબાલ તાઇમ! નો પોબ્લેમ!’ ફ્લેક્સિબાલ તાઇમ! નો પોબ્લેમ!’ હું કહેતો, ‘બસ ત્યારે મજા કર, ચીના!’
એક દિવસ ચીનો મને કહે કે ઘણા દિવસ થઈ ગયા, મારે તારી પત્ની સાથે વાત કરવી છે. મેં કહ્યું, ‘નો પોબ્લેમ! અમારે ત્યાં ઠેર-ઠેર આઈએસડી બૂથો છે.’ બૂથ ઉપરથી બીજિંગ ફોન લગાડતાં દમ નીકળી ગયો. ખાસ્સા પોણા કલાક સુધી ટ્રાય કરવા છતાં ફોન લાગે જ નહીં. પણ ચીનો હસીહસીને કહે, ‘નો પોબ્લેમ! ઇન્દિયન તાઇમ, ફ્લેક્સિબાલ તાઇમ! નો પોબ્લેમ!’
આખરે ફોન લાગ્યો. ચીનાએ તેની પત્ની સાથે ખાસ્સી, પાંત્રીસ મિનિટ સુધી ‘ચાંઈ ચૂંઈ... ચીં... ચૂં...’ કરીને પ્રેમાલાપ કર્યો. ચીનો બહુ ખુશ હતો. પછી બૂથના ઓપરેટરે બિલ પકડાવ્યું. ખાસ્સું સાત હજાર રૂપિયાનું બિલ થતું હતું!
પણ ચીનો કહે, ‘સેવલ થાઉઝાન્દ રૂપીસ? નો!! આઈ ગિવ ઓન્લી વન થાઉઝાન્દ રૂપીસ!’ ઓપરેટર કહે, ‘અલ્યા, પાંત્રીસ મિનિટ વાત કરી એનું શું?’ તો ચીનો કહે, ‘ઇન્દિયાન તાઇમ? ફ્લેક્સિબાલ તાઇમ!’
હવે આને શું સમજાવવું? ચીનાને માંડ-માંડ સમજાવ્યું કે પાંત્રીસ મિનિટનો ચાર્જ ચૂકવવો જ પડે. પૈસા ચૂકવ્યા પછી ચીનાનું મોઢું સડેલો ઉંદર ખવાઈ ગયો હોય તેવું થઈ ગયું. એટલે મેં એને ખુશ કરવા કહ્યું, ‘તને એક હસવું આવે એવી વાત કરું? પેલા પ્રધાન, જે સવા કલાક મોડા આવ્યા હતાને? તે ટેલિફોન ખાતાના જ પ્રધાન હતા!’
પણ ચીનાને હસવું ન આવ્યું.

લૂતી સાકો

ચીનો હવે ઇન્ડિયન આઝાદીના નિયમો વિશે ખાસ્સો ગૂંચવાઈ ગયો હતો. છતાં તે ખુશ હતો, કારણ કે તે સડક ઉપર પણ ચીની ભાષામાં બોલી શકતો હતો.
એક દિવસ અમે શાકમાર્કેટમાં ગયા. ગઈ કાલે જે ભીંડાનો ભાવ દસ રૂપિયે કિલો હતો તે આજે પચાસ રૂપિયે કિલો થઈ ગયો હતો. છતાં ચીનાને ભીંડા બહુ ભાવે, એટલે મેં એક કિલો ભીંડા લીધા. મેં પૈસા ચૂકવ્યા એટલે ચીનો કહે, ‘વ્હાય ફિફ્તી રૂપીસ? યસ્તર દે યુ પે તેન રૂપીસ, તુદે યુ પે ફિફ્તી રૂપીસ?’
મેં ચીનાને સમજાવ્યું કે આ દેશમાં કોઈ પણ માણસ કોઈને પણ લૂંટી શકે છે. મને કહે, ‘લૂતી સાકો?’ મેં કહ્યું, ‘હા, લૂંટી શકો!’
બસ એ જ ઘડીએ ચીનાની કમાન છટકી. તે ‘હા હૂ! હા હૂ!’ કરીને ઊછળવા લાગ્યો અને કુંગ ફૂ-કરાટેના દાવ વડે તેણે શાકની બધી લારીઓ ઊથલાવી દીધી! આંખના પલકારામાં ચારે બાજુ ધડબડાટી બોલાવીને ચીનો ખાસ્સું એક મણ શાકનું પોટલું લૂંટીને નાઠો!
પણ ભારતના શાકવાળા એમ કાંઈ સસ્તામાં લૂંટાઈ જાય? બધા એની પાછળ પડ્યા. એને ઘેરી લીધો અને ચીનાને ધીબેડવા માંડ્યા. ત્યાં તો એક હવાલદાર પણ આવી ચડ્યો. બધાએ ચીનાને પકડીને હવાલદારને હવાલે કરી દીધો. દોરડે બંધાયેલો ચીનો ચીસો પાડી રહ્યો હતો, ‘ઇન્દિયન ફ્રીદમ! લૂતી સાકો! લૂતી સાકો!’
સાંજે પોલીસ સ્ટેશને જઈને મેં ચીનાને માંડ છોડાવ્યો ત્યારે ચીનો સંપૂર્ણપણે ગૂંચવાઈ ગયેલો લાગતો હતો. મને કહે, ‘ઇન્દિયન ફ્રીદમ... બીઇઇઇગ પોબ્લેમ!’
જોકે, વિચાર કર્યા પછી અમને પણ લાગે છે કે ભારતની આઝાદીના નિયમો ઝટ સમજી શકાય તેવા નથી!

પણ ચીનાને બહુ સમજ ન પડી. ફક્ત એક પાયાની સમજ જરૂર પડી ગઈ કે, ‘ઇન્ડિયન ફ્રીદમ વેલી વેલી ગુઉઉડ! રોકી સાકો! રોકી સાકો!’


comments powered by Disqus