જાપાનની ‘બ્લેક વિડો’ ફરી પરણશે

Friday 05th December 2014 09:35 EST
 

ચિસાકો કાકેહી નામની ૬૭ વર્ષની વયની આ સ્ત્રીની ૭૫ વર્ષની વયના તેના પતિની હત્યાના આરોપસર આ સપ્તાહમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ક્યોટો ખાતેના ચિસાકો કાકેહીના ઘરે દરોડો પાડ્યો ત્યારે ત્યાં પડેલા કચરામાંથી સાયનાઇડના અંશો મળી આવ્યાં હતા.
પોતાના પતિઓ અને પ્રેમીઓનાં મૃત્યુ પછી ચિસાકો કાકેહીએ ઇન્સ્યોરન્સ તથા અન્ય પેઆઉટ્સ પેટે કુલ ૮૫ લાખ ડોલર એટલે કે અંદાજે બાવન કરોડ રૂપિયા મળ્યાં છે.
ચિસાકો કાકેહી બેન્ક કર્મચારી હતી અને તેણે જુદા જુદા નામે ૧૦થી વધુ બેન્ક એકાઉન્ટ્સમાં આ પૈસા રાખ્યા હતા. ચિસાકો કાકેહી મોટા ભાગના પૈસા જુગાર અને વાયદા બજારમાં હારી ગઈ હતી. ગયા વર્ષે નવેમ્બરમાં ચોથા પતિ સાથે લગ્ન કર્યાં ત્યાં સુધીમાં ચિસાકો કાકેહીના માથે અંદાજે પચાસેક લાખ રૂપિયાનું તો દેવું થઈ ગયું હતું.
ચિસાકો કાકેહીએ છેલ્લાં ૨૦ વર્ષમાં ૧૦ પુરુષો સાથે સંબંધ બાંધ્યો હતો અને એ પૈકીના છના મોત થયા છે. ચિસાકો કાકેહીએ મેરેજ એજન્સી મારફતે એવા પુરુષોને પસંદ કર્યા હતા જેમની પાસે મોટા પ્રમાણમાં જમીન કે પ્રોપર્ટી હોય, પણ નિઃસંતાન હોય.
ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના ચોથા પતિ ઇસાઓ કાકેહીનું મોત થયું કે તરત જ ચિસાકો કાકેહી નવા ધણીની શોધમાં નીકળી પડી હતી. પોતાની પસંદગીના પુરુષ સાથે આપેલી જાહેરાતમાં ચિસાકો કાકેહીએ જણાવ્યું હતું કે તે પુરુષ વયસ્ક અને એકલો રહેતો હોવો જોઈએ. તે બીમાર રહેતો હોય તો વધુ સારું.
ચોથો પતિ મૃત્યુ પામ્યો ત્યારે પણ ચિસાકો કાકેહીને અનેક પુરુષો સાથે આડો સંબંધ હતો. તેણે પશ્ચિમી જાપાનની અનેક મેરેજ એજન્સીઓમાં અલગ-અલગ નામે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
પણ ‘બ્લેક વિડો’ નામ શા માટે?
માદા કરોડિયો નર કરોળિયા સાથે સંબંધ બાંધ્યા પછી તેને ખાઈ જાય છે અને કાળા માદા કરોળિયાના નામ પરથી ચિસાકો કાકેહીને બ્લેક વિડો તરીકે ઓળખવામાં આવે છે.


comments powered by Disqus