થેરેસા મેના આ નિવેદન પછી અમેરિકા અને યુરોપના અન્ય દેશોની સુરક્ષા અને જાસૂસી એજન્સીઓએ પણ બ્રિટનમાં આતંકવાદી પ્રવૃત્તિ પર દેખરેખ વધારી દીધી છે. બ્રિટને આતંકવાદને કાબૂમાં રાખવા માટે નાણાં ઉઘરાવવા પર નિયંત્રણ જેવા અનેક નિર્ણયો કર્યા છે. બ્રિટનના સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલ સમગ્ર યુકેમાં સૌથી મોટો ખતરો ઈસ્લામિક સ્ટેટ છે, જે ઈરાક અને સીરિયામાં સફળ રહ્યા બાદ સમગ્ર વિશ્વમાં ઈસ્લામિક સ્ટેટ સ્થાપવાના મનસૂબા સેવે છે.
થેરેસા મેએ જણાવ્યું હતું કે, હાલ બ્રિટન ઈતિહાસમાં ક્યારેય નહોતું એટલું આતંકવાદના ઓછાયા હેઠળ છે. આજના આતંકવાદી સંગઠનો વધુ વિસ્તરેલા છે અને ટેક્નોલોજીના સહારે તેઓ અન્ય દેશોમાં બેઠા બેઠા બીજા દેશોમાં પોતાના જૂથને ઓપરેટ કરી શકે છે.
બ્રિટન સરકારે આતંકવાદ સામે વધુ ચોક્સાઈથી લડવા માટે આ અઠવાડિયે કાઉન્ટર-ટેરરિઝમ અને સુરક્ષાને લગતા ખરડા લાવવાની પણ જાહેરાત કરી છે. આ ખરડામાં દેશની સુરક્ષા માટે વીમા કંપનીઓ માટે પણ કેટલાક નીતિનિયમો બનાવાયા છે. જેમાં આતંકવાદી અને તેના પરિવાર માટે વીમાની રકમનો દાવો જ ના થઈ શકે એવા નિયમો પણ સામેલ છે.
સુરક્ષા નિષ્ણાતોના મતે, ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટની સફળતા પછી બ્રિટનમાં આતંકવાદનો ખતરો સામાન્યમાંથી ખૂબ જ ગંભીર સ્તરે પહોંચી ગઈ છે.