ઇન્ડો-ફ્રેન્ચ પ્રોડક્શનમાં સહનિર્માણ પામેલી આ ફિલ્મ વિદેશમાં ‘ફ્લાય અવે સોલો’ના નામથી પ્રદર્શિત થઈ રહી છે. ભારતમાં આ ફિલ્મ ‘મસાણ’ના શીર્ષક સાથે રજૂ થઇ છે. આ ફિલ્મમાં એવા બે વિષયને વણી લેવામાં આવ્યા છે કે જેનું નામ લેતા જ ભારતીયોને ચમકારો લાગે. એક વિષય છે, સેક્સ અને બીજો વિષય છે મૃતકોને બાળવાનું કામ કરતા મસાણચી.
આ ફિલ્મમાં વારાણસીમાં રહેતી બે વ્યક્તિઓની મુખ્ય વાત છે. દેવી (રિચા ચઢ્ઢા) અને દીપક (વિકી કૌશલ). આ તેઓ બંને એવી ઘટનાઓમાં ફસાઈ જાય છે કે તેમને અંધકાર સિવાય બીજું કાંઈ દેખાતું નથી. દેવી એક હોટેલના રૂમમાં પોતાની સાથે અભ્યાસ કરનારા પિયૂષ સાથે નિયમિત સમય જતી હોય છે અને તેનો સંબંધ વધુ ગાઢ બને છે. એક વખત હોટેલમાં પોલીસ આવે છે અને દેવી-પિયૂષ પકડાઈ જાય છે. એ વખતે ભાગતી વખતે પિયૂષ હોટેલની છત પરથી કૂદે છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે.
ત્યાર બાદ પોલીસ દેવીનાં પરિવારની પાછળ પડી જાય છે અને આ ઘટના વિશે વારંવાર ધમકાવીને તેમને બ્લેકમેઇલ કરે છે. દેવી અસમંજસ અનુભવે છે. કંઇક આવી જ તકલીફ દીપકના જીવનમાં પણ છે. દીપક વારાણસીના ઘાટ પર જે કોઈ વ્યક્તિના અગ્નિ સંસ્કાર થયા હોય તેમનાં અસ્થિ ભેગાં કરવાનું કામ કરતો શહેરના સૌથી નીચલા સમાજનો યુવાન છે.
દીપકને શાલુ સાથે પ્રેમ થાય છે. શાલુના પરિવારની ગણના કાશીના સૌથી ઉચ્ચ કુળમાં થાય છે. દીપક અને શાલુ પણ એકબીજા ગાઢ પ્રેમમાં છે. શાલુનો પરિવાર દીપકની અવગણના કરે છે. અંતે દીપક સામે ઘાટ અને આત્મહત્યા બે જ વિકલ્પ છે. હવે આગળ શું થાય છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી.
----------------
નિર્માતાઃ મનીષ મુન્દ્રા, ગુનીત ગોંગા, અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય, શાન વ્યાસ, વિકાસ બહલ
દિગ્દર્શકઃ નીરજ ઘાયવાન
સંગીતકારઃ ઇન્ડિયન ઓસન
ગીતકારઃ વરુણ ગ્રોવર, સંજીવ શર્મા
ગાયકઃ અમિત કિલમ, રાહુલ રામ અને હિમાંશુ જોશી