ન્યૂ યોર્કઃ અમેરિકામાં રહેતા ગુજરાતી હોટેલ ડેવલપર અને ભૂતપૂર્વ બેન્કર ઇન્વેસ્ટર રાજેશ સી. પટેલ પાંચ લાખ ડોલરની છેતરપિંડીના કેસમાં કસૂરવાર ઠર્યા છે. કાનુની કાર્યવાહીમાં તેમની સામેનો આ ગુનો પુરવાર થયો છે. આ ગુના બદલ તેમને મહત્તમ ૪૦ વર્ષ કેદની સજા થઈ શકે છે. ટેનેસીના નેશવીલની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં જ્યોર્જિયાના ડુલુથમાં રહેતા ૫૫ વર્ષના રાજેશ સી. પટેલ વાયર ફ્રોડ (ઈ-મેલનો દુરુપયોગ કરીને ખોટી માહિતી આપવી)ના કેસમાં બે કાઉન્ટમાં દોષિત ઠર્યા છે. તેમના પર વાયર ફ્રોડ અને મની લોન્ડરિંગના કુલ ૧૦ કાઉન્ટના આરોપ છે. આર. સી. પટેલ એક હોટેલના માલિક અને ડેવલપર છે. આ ઉપરાંત જ્યોર્જિયા બેન્કમાં શેરધારક પણ છે. ફેડરલ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા મોર્ગેજ હરાજીમાં થયેલી બિડિંગમાં આ બેન્ક સામેલ હતી. પટેલ ડિપ્લોમેટ પ્રોપર્ટીઝ નામની કંપનીની માલિકી પણ ધરાવતા હતા.
ઇંગ્લેન્ડથી યુએસ આવીને સ્થાયી થયેલા આર. સી. પટેલે હોટેલ ડેવલપમેન્ટ વ્યવસાય માટે ડિપ્લોમેટ કંપની સ્થાપી હતી. આ ઉપરાંત હેવન ટ્રસ્ટ બેન્કના સ્થાપકોમાં પણ તેમનું નામ સામેલ હતું. જોકે રિઅલ એસ્ટેટમાં તેજીનો ફૂગ્ગો ફુટી જતાં ૨૦૦૮માં બેન્ક બંધ પડી ગઇ હતી. પટેલે જ્યોર્જિયાના એટલાન્ટા ખાતે એક હોટેલ પ્રોપર્ટીના ડીલ માટે બ્રેન્ટવુડના મૂડીરોકાણકાર પાસેથી પાંચ લાખ ડોલર મેળવ્યા હતા.
એટર્ની ડેવિડ રિવેરાની ઓફિસે જણાવ્યું હતું કે ‘રાજેશ પટેલે બ્રેન્ટવૂડના એક રોકાણકાર પાસેથી પાંચ લાખ ડોલર મેળવ્યા હોવાનું કબૂલ્યું છે. એક હોટેલના મોર્ગેજ પર તેમને ૩.૭૫ મિલિયન ડોલર મળવાની આશા સાથે આ ડીલ કર્યું હતું. જોકે રાજેશ પટેલે જે બિડ કરી હતી તે વિનિંગ બિડ ન હતી. પટેલે આ ફંડ દેવું ચૂકવવામાં વાપરી નાખ્યું હતું.’ પટેલે જેમની સાથે ડીલ કર્યું હતું તે રોકાણકારની ‘એમકે’ તરીકે ઓળખ પ્રસ્થાપિત થઈ છે.