ભારતીય સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયાને સપ્તાહ વીતી ગયું છે, પણ શાસક અને વિપક્ષની ખેંચતાણે ગૃહની કાર્યવાહી ખોરવી નાંખી છે. એકબીજા સામેના આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને ધાંધલધમાલને બાદ કરતાં કોઇ કામ થયું જણાતું નથી. આ બધો તમાશો નિહાળીને ભારતીય મતદારના મનમાં કદાચ એક જ પ્રશ્ન ઉઠતો હશેઃ જે લોકપ્રતિનિધિઓ તેમના મતભેદો અંગે સામસામે બેસીને ચર્ચા કરવા પણ તૈયાર નથી તેઓ દેશને વિકાસના પંથે દોરી જશે કઇ રીતે? વિપક્ષની પાટલીએ બેસતી કોંગ્રેસ અને ડાબેરીઓને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના રાજીનામાથી ઓછું કંઇ ખપતું નથી અને શાસક ભાજપ તેમની વાત કાને ધરવા તૈયાર નથી. કોંગ્રેસ ભાજપશાસિત મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનના મુખ્ય પ્રધાનો શિવરાજ સિંહ ચૌહાણ તથા વસુંધરા રાજેના કથિત ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધે છે તો ભાજપે કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનો વીરભદ્ર સિંહ અને હરીશ રાવતને નિશાન બનાવ્યા છે. સહુ કોઇ એકબીજાને કલંકિત કરવા મથે છે, પણ તેઓ એ ભૂલી જાય છે કે જ્યારે આપણે એક આંગળી સામેની વ્યક્તિ તરફ ચીંધીએ છીએ ત્યારે બાકીની ચાર આંગળીઓ પોતાની સામે નિશાન તાકતી હોય છે. એકબીજાને પછાડવાની આ રાજરમતમાં નુકસાન તો આખરે દેશને થઇ રહ્યું છે.
પ્રજાસત્તાક ભારતમાં સંસદગૃહની રચના થઇ ત્યારથી આજ સુધીના ઇતિહાસ પર નજર ફેરવશો તો સમજાઇ જશે કે રાજકીય ઘર્ષણનો આ દૌર આજકાલનો નથી. તે સમયના અને અત્યારના સંઘર્ષમાં ફરક હોય તો તે બસ એટલો જ છે કે તે સમયના મતભેદ નીતિગત મુદ્દા આધારિત હતા, જ્યારે આજે ભ્રષ્ટાચારના મુદ્દે એકબીજાને નીચા દેખાડવા હોડ ચાલે છે. નિવેદનબાજી ત્યારે પણ થતી હતી, પણ ગૃહની બહાર. સંસદની કાર્યવાહી બેરોકટોક ચાલતી હતી. શાસક પક્ષ અને વિપક્ષ દરેક વાતે એકમત હોય જ એવું જરૂરી નથી, અને એવું હોવું પણ ન જોઇએ. શાસક-વિપક્ષના મત-ભેદ તો લોકશાહીનો પ્રાણ ગણાય છે, પરંતુ આ જ મતભેદ મનભેદમાં પરિણમે છે ત્યારે લોકશાહી માટે નુકસાનકારક સાબિત થાય છે. અત્યારે આવું જ થઇ રહ્યું છે. લોકોને ભાઇચારા અને એકસંપથી રહેવાની સલાહ આપતાં નેતાઓનું આ વલણ ખરેખર મૂંઝવી દે તેવું છે. સંસદ ગૃહમાં પ્રવર્તતી આ મડાગાંઠનો ક્યારે અંત આવશે એના કોઇ અણસાર અત્યારે તો દેખાતા નથી. ઘીના ઠામમાં ઘી જેટલું વહેલું પડી જાય તેટલું સારું છે.