ભારતમાં આજકાલ યાકુબ મેમણને ફાંસી આપવી જોઇએ કે નહીં તે મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છે. નેતાઓ, નિવૃત્ત જજીસ, ફિલ્મી હસ્તીઓ એમ જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા ૩૦૦ અગ્રણીઓ(!)એ રાષ્ટ્રપતિ મહોદયને પત્ર પાઠવીને એવી અરજ ગુજારી છે કે યાકુબને ફાંસીના માંચડે લટકાવવાનું મુલત્વી રાખીને તેની સજા આજીવન કેદમાં બદલી નાખવી જોઇએ. યાકુબ મેમણ એટલે દેશની આર્થિક રાજધાની મુંબઇને હચમચાવી નાખનાર ૧૯૯૩ના સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસનો મહત્ત્વનો આરોપી. આ બોમ્બ વિસ્ફોટોમાં ૨૫૭ નિર્દોષો માર્યા ગયા હતા અને દેશના અર્થતંત્રને અબજો રૂપિયાનો ફટકો પડ્યો હતો. યાકુબ આ ષડયંત્રને આર્થિક સહાય અને આતંકીઓને આશરો આપવા બદલ દોષિત ઠર્યો છે. મૃત્યુદંડ સામેનો કાનૂની જંગ સર્વોચ્ચ અદાલતમાં પણ તે હાર્યો છે, અને રાષ્ટ્રપતિએ પણ તેની દયાઅરજી નકારી છે. છતાં, કહેવાતા બૌદ્ધિકોએ રાષ્ટ્રપતિને પત્ર પાઠવ્યો છે. પત્રમાં હસ્તાક્ષર કરનારા આ બૌદ્ધિકોમાંથી કેટલાકના મતે યાકુબનો ન્યાય તોળવામાં યોગ્ય પ્રણાલી જળવાઇ નથી. કોઇનું એવું માનવું છે કે ફાંસીની તારીખ - ૩૦ જુલાઇ અંગે યાકુબના પરિવારને નિયમાનુસાર જાણ કરાઇ ન હોવાથી ફાંસી રદ થવી જોઇએ. તો કેટલાક માને છે કે દેશમાંથી મૃત્યુદંડની સજાને જ દેશવટો દેવાની જરૂર છે, આથી યાકુબની ફાંસીને આજીવન કેદમાં તબદીલ કરી નાખો. અભિનેતા સલમાન ખાને એવું ટ્વિટ કર્યું કે યાકુબને નહીં, ટાઇગર મેમણને ફાંસીના માંચડે લટકાવો. એક દોષિત બીજા દોષિતનો બચાવ કરે ત્યારે હોબાળો થાય જ. ધરણાં-પ્રદર્શન થયાં અને સલમાને બિનશરતી માફી માગી લીધી.
આ બધાને યાકુબના માનવાધિકારોની ચિંતા થાય છે, અને થવી જ જોઇએ. સો ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઇએ તેવું કાયદા-શાસ્ત્રમાં અમસ્તું નથી કહેવાયું. પણ સજ્જનો, જરા એ તો વિચારો કે સુપ્રીમ કોર્ટે શું લાગણીમાં તણાઇને ફાંસીની સજા બહાલ રાખી હશે? શું માનનીય સર્વોચ્ચ અદાલતે આંખો મીંચીને યાકુબની પિટીશન, રિવ્યુ પિટીશન, દયાની અરજી ફગાવી હશે? યાકુબ દોષિત ઠર્યો છે ને ફાંસીની સજા પામ્યો છે તેમાં આટલો ઉહાપોહ શાને? આ સિરિયલ બોમ્બબ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકો પણ કોઇના ભાઇ-બહેન, માતા-પિતા, દીકરો-દીકરી હશે જ. તેમના અધિકારો, તેમની પીડા, ન્યાય માટેની તેમની ઝંખનાનો તો વિચાર કરો.
યાકુબ-હિતેચ્છુ બુદ્ધિજીવીઓ પોતપોતાના ક્ષેત્રે નામના ધરાવે છે એટલે કોઇ એવું તો કહી શકે તેમ નથી કે તેમણે સસ્તી પબ્લિસિટી મેળવવા અરજીનું ગતકડું કર્યું છે. ભારતીય સમાજના આ કહેવાતા ઉચ્ચ બૌદ્ધિક વર્ગે જે કંઇ કર્યું છે તે સમજીવિચારીને જ કર્યું છે તેની ના નહીં, પણ આ બધાએ મારા-તમારા જેવા - સામાન્ય બૌદ્ધિક સ્તર ધરાવતા - ભારતીયના મનની શંકાનું નિવારણ કરવા એક પ્રશ્ને જાહેર સ્પષ્ટતા કરવી જોઇએઃ સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશોની વિદ્વતા-ક્ષમતા-સજ્જતા વિશે તેમનું શું માનવું છે? જો તેમનો જવાબ નકારાત્મક હોય તો આ બધાએ એકસંપ થઇ ભારતીય ન્યાયપ્રણાલી સામે જ અવાજ ઉઠાવવો જોઇએ. અને જો તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશોની સજ્જતા-ક્ષમતા વિશે શંકા ન હોય તો તેમણે એ ફોડ પાડવો જોઇએ કે તેઓ ક્યા કારણસર યાકુબ જેવા દોષિતના અધિકારોની આટલી ચિંતા કરી રહ્યા છે. સવાસો કરોડની વસ્તી ધરાવતા દેશમાં ચિંતા કરવા જેવા અનેક મુદ્દા છે, જેની ચિંતા સરકાર તો શું, વિરોધ પક્ષ પણ કરતો નથી. એક તાજું ઉદાહરણ છે - શાસક-વિપક્ષની ખેંચતાણમાં ખોરંભે પડેલી સંસદની કાર્યવાહી. આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં સંસદનો મૂલ્યવાન સમય વેડફાઇ રહ્યો છે. અનેક મહત્ત્વના ખરડા મંજૂરીના અભાવે અટવાયા છે. સહુ સાથે મળીને અવાજ ઉઠાવો. લોકોએ અણ્ણા હઝારેને જેવું પ્રચંડ સમર્થન આપ્યું હતું, તેવું જ સમર્થન તમને પણ આપશે. ભારત જેવા દેશમાં વિવાદ ચગાવવા સિવાય પણ કરવા જેવા બીજા ઘણા બધા કામ છે.
પરંતુ ભારતના એક વર્ગને કદાચ વિવાદ ચગાવ્યા વગર દિવસે ખાવાનું પચતું નથી ને રાત્રે ઊંઘ આવતી નથી. જો આવું ન હોત તો યાકુબ મેમણ જેવા ભારતદ્રોહીને ફાંસીના માંચડે લટકાવવાનો વિવાદ આટલો ચગ્યો ન હોત. વીતેલા સપ્તાહે ઓલ ઇંડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ એવું નિવેદન કર્યું હતું કે યાકુબ મેમણ મુસ્લિમ હોવાથી તેને ફાંસીના માંચડે ચઢાવાઇ રહ્યો છે. લઘુમતીઓની લાગણીઓને ઉશ્કેરવા મથતા આ નેતાને એ તથ્યનું ભાન જ નથી દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધીમાં કુલ ૧૪૧૪ લોકોને ફાંસીના માંચડે લટકાવાયા છે, તેમાં મુસ્લિમોની સંખ્યા ૭૨ જ છે. ઓવૈસીના બફાટ સામે ભાજપના સાંસદ આદિત્ય નાથનો જવાબ હતોઃ જેમને ભારતની ન્યાયપ્રણાલીમાં શંકા હોય તેમણે પાકિસ્તાન ચાલ્યા જવું જોઇએ.
વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં દરેકને વાણીસ્વાતંત્ર્યનો અધિકાર છે તે સાચું, પણ અધિકારનો ઉપયોગ કરવાનો હોય, દુરુપયોગ નહીં. રાષ્ટ્રહિતની વાત હોય ત્યારે સંયમ જાળવતા શીખવું જોઇએ. કમસે કમ કાનૂનની નજરે દોષિતની તરફેણ તો ન જ કરવી જોઇએ. યાકુબ માટે અવાજ ઉઠાવીને તમે તો ભારતના ન્યાયતંત્રની તટસ્થતા સામે જ આંગળી ચીંધો છો. ૨૦૦૮માં ૨૬/૧૧ના મુંબઇ પરના આતંકવાદી હુમલામાં જીવતા ઝડપાયેલા પાકિસ્તાની ત્રાસવાદી અજમલ કસાબ સામેની તટસ્થ કોર્ટ કાર્યવાહી સમગ્ર વિશ્વે નિહાળી છે. વિશ્વના એક પણ કાનૂનવિદે કોર્ટ કાર્યવાહી સામે શંકાની આંગળી ઉઠાવી હોવાનું જાણમાં નથી. આ છે ભારતીય ન્યાયતંત્ર. સહુએ તેનું સન્માન કરતાં શીખવું રહ્યું.