કાર્ડિફઃ એન્ટ્રેપ્રીન્યોર અને ફાર્માસિસ્ટ રાજ અગ્રવાલને યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સની માનદ ફેલોશિપ એનાયત કરવામાં આવી છે. ફાર્મસીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે યુનિવર્સિટી કેમ્પસમાં બુધવાર, ૧૫ જુલાઈએ આયોજિત કાર્યક્રમમાં ચાન્સેલર લોર્ડ રોવાન વિલિયમ્સ અને ડેપ્યુટી વાઈસ ચાન્સેલર પ્રોફેસર હેલન લેન્ગટોનના હસ્તે આ ફેલોશિપ એનાયત કરાઈ હતી. કાર્ડિફ અને આસપાસના વિસ્તારોમાં ફાર્મસીઓની સફળ ચેઈનનું નિર્માણ કરનારા રાજ અગ્રવાલ રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીના પણ ફેલો છે.
યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના વિલિયમ કાલાવેએ કહ્યું હતું કે,‘જાહેર આરોગ્ય નિષ્ણાત તરીકે રાજ અગ્રવાલની સફળ કારકીર્દિ યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના વર્તમાન અને ભાવિ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી બની રહેશે. તેમની અસરકારક કોમ્યુનિટી કામીરી અને ભંડોળ એકત્રીકરણ પ્રવૃત્તિઓને અમે બિરદાવીએ છીએ.’ ચેરિટેબલ કાર્યો બદલ ૨૦૦૭માં OBE થી સન્માનિત રાજ અગ્રવાલ હાલ ઓનરરી કોન્સ્યુલર એસોસિયેશન ઓફ વેલ્સના પ્રેસિડેન્ટ અને કિડની વેલ્સ ફાઉન્ડેશનના ચેરમેન છે.
કાર્ડિફ યુનિવર્સિટી ખાતે વેલ્સ સ્કૂલ ઓફ ફાર્મસીમાંથી ૧૯૭૨માં બી.ફાર્મ (ઓનર્સ) ડીગ્રી મેળવેલા રાજ અગ્રવાલે કાર્ડિફ મેટ્રોપોલીટન યુનિવર્સિટીની ફેલોશિપ પણ મેળવી છે. તેઓ કાર્ડિફ યુનિવર્સિટીમાં ગવર્નિંગ સંસ્થા કાઉન્સિલ ઓફ રસેલ ગ્રૂપના સભ્ય છે. રાજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘મેં વેલ્સ સ્કૂલ ઓફ ફાર્મસીમાંથી ફાર્મસીની ડીગ્રી મેળવી છે, જેનાથી પબ્લિક હેલ્થ સેક્ટરમાં મારી કારકીર્દિ રચાઈ છે. યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સ વિશ્વસ્તરીય પ્રતિષ્ઠા ધરાવે છે અને ભવિષ્યમાં તે વેલ્સને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સ્નાતકો આપશે તેમાં કોઈ શંકા નથી.’
સ્નાતક બન્યા પછી રાજ બૂટ્સમાં જોડાયા હતા. તેમણે ૧૯૮૨માં કાર્ડિફ આવી સેન્ટ્રલ ફાર્મસી બિઝનેસ શરુ કર્યો હતો, જે આજે છ ફાર્મસીમાં ફેલાયો છે. તેઓ ૨૦૧૦માં યુકે ફાર્મસી બિઝનેસ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર જાહેર કરાયા હતા.
ફોટોલાઈનઃ તસવીરમાં (ડાબેથી) ચાન્સેલર લોર્ડ રોવાન વિલિયમ્સ, રાજ અગ્રવાલ અને ડેપ્યુટી વાઈસ ચાન્સેલર પ્રોફેસર હેલન લેન્ગટોન