નવી દિલ્હીઃ વર્ષ ૨૦૧૩માં રમાયેલી આઈપીએલ સિઝન-૬માં સ્પોટ ફિક્સિંગ મામલે ઝડપાયેલા એસ. શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચવાણ સહિત કેસમાં સામેલ ૪૨ પૈકી ૩૬ આરોપીને દિલ્હીની પટિયાલા કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કર્યા છે. આ કેસમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ અને છોટા શકીલ પણ આરોપીઓમાં સામેલ હતા.
કોર્ટે શનિવારે આ ચુકાદો આપતાં આરોપીઓ સામે ‘મકોકા’ સહિતના આરોપ ઘડવાનો પણ ઇનકાર કરી દીધો હતો. પોલીસે આ બહુચર્ચિત કેસમાં ૫૦૦ કલાકની ઓડિયો રેકોર્ડિંગ અને ૬,૦૦૦ પાનાની ચાર્જશીટ મૂકી હતી. આમ છતાં પૂરતા પુરાવા ન હોવાનું જણાવીને કોર્ટે ૩૬ લોકો સામેના આરોપોને કોર્ટે હટાવી લીધા હતા. શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચવાણ પર જ્યારે સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો ત્યારે તેઓ આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા હતા.
દિલ્હી પોલીસની ફજેતી
સમગ્ર મામલાની તપાસ કરનાર દિલ્હી પોલીસ માટે કોર્ટનો ચુકાદો ઝટકા સમાન છે. પોલીસે તપાસ બાદ કોર્ટ સમક્ષ ૬,૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરીને ૪૨ને આરોપી દર્શાવ્યા હતા. ચુકાદા બાદ દિલ્હી પોલીસે કહ્યું કે, નીચલી કોર્ટના આ નિર્ણયથી ધક્કો લાગ્યો છે. પોલીસના મતે પુરાવા અને રિપોર્ટના આધારે જ જસ્ટિસ મુદ્ગલ કમિટી અને લોધા કમિટીએ પોતાનો ફેંસલો આપ્યો હતો. કોર્ટના વિસ્તૃત ચુકાદાનું દિલ્હી પોલીસ અધ્યયન કરી પછી આગામી કાર્યવાહી કરશે.
શ્રીસંત રડી પડયો
કોર્ટે ત્રણેય ક્રિકેટરોને નિર્દોષ જાહેર કર્યા ત્યારે એસ. શ્રીસંત રડી પડયો હતો. શ્રીસંતે ચુકાદા બાદ કહ્યું કે, મેં કંઈ પણ કર્યું નહોતું જેથી એક દિવસ નિર્દોષ છૂટવાનો જ હતો. આ ચુકાદા બાદ હું મારી સામાન્ય જિંદગી શરૂ કરી શકીશ. હું ફરીથી ટ્રેનિંગ શરૂ કરવા માગું છું અને મને આશા છે કે, બીસીસીઆઈ મને મંજૂરી આપશે. સ્પોટ ફ્કિસંગમાં ત્રણ મહિના સુધી જેલમાં રહેલા અજિત ચંદીલાએ ચુકાદા બાદ કહ્યું કે, મારા માટે આનાથી મોટી રાહત ન હોઈ શકે. મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો જે વીતી ગયો છે.
જોકે પ્રતિબંધ યથાવત્
સ્પોટ ફિક્સિંગ પ્રકરણ બહાર આવ્યા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા શ્રીસંત અને અંકિત ચવાણ પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. ચુકાદા બાદ બીસીસીઆઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે બીસીસીઆઈ દ્વારા કરાયેલી અનુશાસનાત્મક કાર્યવાહી કે નિર્ણય કોઇ પણ ગુનાહીત કાર્યવાહીથી અલગ છે અને તેની કોઈ અસર અમારા નિર્ણય પર પડશે નહીં.